- સ્નાતક અને અનુસ્નાતકના છેલ્લા સેમેસ્ટરના 44,254 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે: કોલેજોએ પરીક્ષા શરૂ થાય ત્યારથી 1 માસ સુધીનુ સીસીટીવી કેમેરાનું રેકોર્ડીંગ રાખવું ફરજિયાત રહેશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાલથી સ્નાતક અને અનુસ્નાતકના છેલ્લા સેમેસ્ટરના 44,254 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે આ પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા માટે પરીક્ષા વિભાગ દ્વારા કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જે કોલેજો પરથી પરીક્ષા લેવામાં આવનાર છે ત્યાં સીસીટીવી ફરજિયાત હોવા જોઈએ અને તે પોતાની માલિકીના હોવા જરૂરી છે. આ સાથે જ સીસીટીવી કેમેરાને જે ડીવીઆર સાથે જોડેલા છે તે ડીવીઆરની ઇન્ટરનેટ કનેક્ટિવિટી 10 એમબીપીએસ અથવા તેથી વધુ ક્ષમતાવાળી બેન્ડ વિથ રાખવાની રહેશે. ઉપરાંત પરીક્ષા શરૂ થાય ત્યારથી 1 માસ સુધીનુ સીસીટીવી કેમેરાનું રેકોર્ડીંગ ફરજિયાત છે. જેથી કહી શકાય કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ ગેરરિતી ડામવા માટે એક્શન મોડમાં આવી ગઈ છે.એટલે કે તીસરી આંખની નિગરાણીએ કાલથી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની પરીક્ષાનો પ્રારંભ થશે.
કાલથી શરૂ થનારી પરીક્ષામાં સ્નાતક સેમેસ્ટર – 6 અને અનુસ્નાતક સેમેસ્ટર – 4 ના વિદ્યાર્થીઓની પરીક્ષા આપશે. જેમાં 180 કેન્દ્રો ઉપરથી 32 કોર્સના 44,254 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામા આવશે. જેમાં બીએ રેગ્યુલર સેમ.6 માં 11,227 અને એક્સટર્નલ સેમ.6 માં 2,042 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે બી.કોમ. રેગ્યુલર સેમ.6 માં 11, 512 અને બી.કોમ. એક્સટર્નલ સેમ.6 માં 397 છાત્રો પરીક્ષા આપશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડો. મનિષ શાહ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં તમામ ભવનોનાં અધ્યક્ષો તથા સંલગ્ન તમામ કોલેજો/સંસ્થાનના આચાર્ય/ટ્રસ્ટીઓ જોગ જણાવવામાં આવ્યુ છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી દરેક પરીક્ષાઓમાં તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા રાખવા ફરજીયાત છે. સીસીટીવી કેમેરાનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે લાઇવ મોનીટરીંગ થઇ શકે તે માટે કોલેજમાં જે વર્ગખંડોમાં પરીક્ષા લેવાતી હોય તેમના સીસીટીવી કેમેરાને જે ડીવીઆર સાથે જોડેલા છે તે ડીવીઆર ની ઇન્ટરનેટ કનેક્ટિવિટી હોવી જોઈએ.