- વ્યાજના નાણાંની બદલે અલગ અલગ બેંક એકાઉન્ટ ખોલાવી વ્યાજખોરોએ મસમોટા ટ્રાન્જેકશન કરી લીધા
રાજકોટ શહેરમાં ફરી એકવાર વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. 60 હજારની સામે રૂ. 5 લાખની પઠાણી ઉઘરાણી કરતા બે વ્યાજખોરોના ત્રાસના લીધે એક યુવાને કમિશ્નર કચેરી ખાતે ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. બી ડિવિઝન પોલીસે હાલ બે વ્યાજખોરો સામે મની લેન્ડિંગ એક્ટ તેમજ જાનથી મારી નાખવાની ધમકી સહીતની કલમો હેઠળ ફરિયાદ નોંધી તજવીજ હાથ ધરી છે. મોરબી રોડ પર બજરંગ પાર્ક શેરી નંબર 4માં રહેતા અને એ.કે. સલૂન નામે વાળંદકામ કરતા 36 વર્ષીય યુવાને બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આશરે દોઢ વર્ષ પૂર્વે ફરિયાદીના માતાનું અવસાન થતા ધાર્મિક વિધિ માટે પાછળની શેરીમાં રહેતા અંકિત મનુભાઈ પટેલ પાસેથી રૂ. 20 હજાર 10% વ્યાજે લીધા હતા. જે રકમ ફરિયાદીએ પોતાના પિતા હસ્તક પરત આપી દીધી હતી. જે બાદ આશરે 5 મહિના પછી ફરિયાદીના પિતાનું પણ અવસાન થઇ જતાં ફરીવાર અંકિત પટેલ પાસેથી 10% વ્યાજે રૂ. 40 હજાર લીધા હતા.
સાતેક માસ બાદ અમિત હિરાણીએ વ્યાજ સાથેની રકમ પરત આપી દેતા અંકિતે હજુ દોઢ લાખ રૂપિયા ચૂકવવા પડશે તેવું જણાવ્યું હતું. જો રૂપિયા ન ચૂકવવા હોય તો અમારે બેડી યાર્ડમાં ઘઉંનો ટાર્ગેટ પૂરો કરવાનો છે જેથી તારે તારા અને સગા સંબંધીના બેંક એકાઉન્ટ ખોલાવી દેવા પડશે. અંકિતના જણાવ્યા અનુસાર ફરિયાદી તેની પત્ની અને સાસુ-સસરા સાથે બેડી માર્કેટીંગ યાર્ડ ખાતે જઈ ઇન્ડસઇન્ડ બેંકમાં એક-એક લખવાળા બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા. અંકિતે તમામ એકાઉન્ટના પાંચ પાંચ કોરા ચેક પર સહી કરાવી પોતાની પાસે રાખી લીધા હતા અને અમારા અન્ય બેંક એકાઉન્ટના એક એક ચેક માંગી લીધા હતા.
બેંક એકાઉન્ટ ખોલાવ્યા બાદ અંકિતનો ભાઈ રાજન મનુભાઈ પટેલે અંકિતને તમામ બેંક એકાઉન્ટમાં એક-એક લાખ રૂપિયા નાખવા જણાવ્યું હતું. સાથે રહેલા ગૌતમ ડાયાભાઇ કારસીયાએ પણ બેંક એકાઉન્ટના નાણાં નાખવા જણાવ્યું હતું. આ ઘટના બન્યાના દોઢ માસ બાદ ફરીવાર રાજન પટેલ, અંકિત પટેલ અને ગૌતમ કારસીયાએ શેરીના ખૂણે બોલાવી અગાઉ ખોલાવેલા એકાઉન્ટ ચાલ્યા નહિ હોવાથી વધુ એકવાર એકાઉન્ટ ખોલાવવા પડશે તેવું જણાવ્યુ હતું.
જેથી ફરિયાદીએ ફરીવાર દસ-દસ હજારના ચાર સેવિંગ્સ એકાઉન્ટ લીમડા ચોક ખાતે જઈને ખોલાવ્યા હતા. જે પેટે વ્યાજખોરોએ રૂ. 5 હજાર વાપરવા પેટે પણ ચૂકવેલા હતા. જેના થોડા સમય બાદ ચેક પરત માંગતા તારે વ્યાજ આપવું પડશે નહીંતર અમે ચેક રિટર્ન કરી તારા વિરુદ્ધ ફરિયાદ કરીશું તેવી ધમકી આપી હતી અન્યથા અમને દુબઇથી ટ્રાંઝેક્શન કરવા દે તેવું જણાવ્યું હતું. જેની ના પાડતા વ્યાજખોરો રૂ. 5 થી 6 લાખની માંગણી કરી હતી. જે બાદ ફરિયાદીએ તેના મિત્ર ભાનુભાઇ સાથે જઈને બેંક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ કઢાવતા દરેક એકાઉન્ટમાંથી રૂ. 16 થી 20 લાખના ટ્રાન્જેકશન થયાનું સામે આવ્યું હતું.
દરમિયાન વારંવાર વ્યાજખોરો પૈસાની પઠાણી ઉઘરાણી કરતા હોય અને ગત તા. 23 એપ્રિલના સવારે નવેક વાગ્યે સલૂન ખાતે જઈ પૈસા આપી દે નહીંતર જાનથી નારી નાખવાની ધમકી આપતાં યુવકે બપોરે દોઢેક વાગ્યે પોલીસ કમિશ્નર કચેરી ખાતે જઈ ફાઇનલ ગટગટાવી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ બી ડિવિઝન પોલીસે રાજન અને અંકિત પટેલ વિરુદ્ધ ગુન્હો નોંધી તજવીજ હાથ ધરી છે.