ભાગીદારીમાં ફ્લેટ લેવાનું નક્કી કરી પોતાના નામે લોન લેવા દબાણ કરતા હોવાનો યુવાનનો આક્ષેપ
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ ગુનાખોરિનો ગ્રાફ સતત ઉચો જઇ રહ્યો છે.ત્યારે ગઈકાલે એક યુવાને કમિશ્નર કચેરી ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જયારે તેને આક્ષેપ કરતા જણાવ્યુ હતું કે,તેના મિત્ર સાથે તેને ભાગીદારીમાં ફ્લેટ લેવાનું નક્કી કર્યું હતું બાદ તેનો મિત્ર તેને તેના નામે લોન લેવા દબાણ કરતો હોવાથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
વિગતો મુજબ રૈયા રોડ પર બાપા સીતારામ ચોક નજીક ચંદન પાર્ક-૭માં ભાડે રહેતો મૂળ ગીરગઢડા પંથકનો પાર્થ જોષી (ઉં.વ.૨૪) ૧૫૦ ફૂટ રીંગ રોડ પર અયોધ્યા ચોક નજીક આવેલી એચ.સી.જી. હોસ્પિટલમાં નર્સીંગ સ્ટાફમાં નોકરી કરે છે. તેનો છ માસ પહેલા રૈયાધારમાં ચિકનની દુકાન ધરાવતા જાવીદશાહ નામના શખ્સ સાથે પરિચય થયા બાદ મિત્રતા બંધાઈ હતી. દરમિયાન બંને વચ્ચે ભાગીદારીમાં એક ફલેટ લેવાની વાતચીત થઈ હતી. જેને લઈ ગઈકાલે પાર્થને તેના મિત્રએ યુનિવર્સિટી રોડ પર ભગતસિંહ ગાર્ડન પાસે આવેલી એક હોટલે બોલાવ્યો હતો . જયાં તેના નામ પર લોન લેવાનું કહેતા તેણે ના પાડતા જાવીદએ તેને ધમકાવી માર મારવાનો પ્રયાસ કર્યો હતો.
તેવી જ રીતે ગઈકાલે સાંજે ફરીથી અન્ય એક હોટલે બોલાવી ત્યાં આજ વાત કરતા તેણે પોતાના નામ પર લોન લેવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. ત્યારબાદ આજે સવારે પાર્થને ફરીથી રૈયા રોડ પર બોલાવી આ મુદ્દે ધમકાવ્યો હતો જેના કારણે સાંજે તે ફિનાઈલ સાથે પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચ્યો હતો અને ત્યાં પાર્કિંગ પાસે ફિનાઈલ ગટગટાવી લેતા ૧૦૮ મારફતે સિવિલમાં ખસેડાયો હતો.