રાજકોટમાં સીએએના સમર્થનમા ત્રણ કી.મી. લાંબી વિશાળ તિરંગા યાત્રા નીકળી: ચોકે-ચોકે યાત્રાનું અદ્કેરૂ સન્માન: સર્વ સમાજ મોટી સંખ્યામાં હરખભેર યાત્રામાં જોડાયો
રાજકોટમાં સીએએના સમર્થનમાં ત્રણ કિલોમીટર લાંબી વિશાળ યાત્રા નીકળી હતી આ યાત્રાનું ચોકે ચોકે અદકેરૂ સન્માન કરવામાં આવ્યું હતુ.યાત્રામાં સર્વ સમાજે મોટી સંખ્યામાં હરખભેર જોડાઈને એકતા અને અખંડીતતાના દર્શન કરાવ્યા હતા. આ વેળાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉદબોધન કરતા જણાવ્યું હતુ કે, ત્રિરંગા યાત્રાએ દેશની એકતા અને અખંડીતતાના દર્શન કરાવ્યા છે.
કેન્દ્ર સરકાર દ્વારા સીએએનો કાયદો ઘડતા કયાંક આ કાયદાને સમર્થન અને કયાંક આ કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ભાજપ સરકારે સીએએના કાયદાને લોકો સમજે તે માટે ઝુંબેશ શરૂ કરી છે. જેમાં દરેક લોકોને સમજાવવામાં આવી રહ્યું છે કે સીએએના કાયદાથી કોઈની નાગરીકતા જવાની નથી પરંતુ શરણાર્થીઓને ભારતીય નાગરીકતા મળવની છે. આમ સીએએને લોકો સમજે તે માટે સરકાર કમરકસી રહી છે.
વધુમાં સીએએના કાયદાને સર્વે સમાજ આવકારી રહયો છે ત્યારે રાજકોટમાં સીએએના સમર્થનમાં વિશાળકાય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી ત્રણ કિ.મી. લાંબી છે. જે બહુમાળી ભવનથી શરૂ થઈને જયુબેલીખાતે સમાપ્ત થઈ હતી. બહુમાળી ભવન ખાતે આ વિશાલ કાય રેલીને પ્રસ્થાન કરાવતી વેળાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સંબોધન આપ્યું હતુ જેમાં તેઓએ કહ્યું હતુ કે આજની આ રેલી દેશભકતોની રેલી છે. આ રેલીમાં સર્વે સમાજ હરખભેર સ્વયંભુ જોડાયો છે. જે દેશની એકતા અને અખંડીતતાના દર્શન કરાવે છે.
સીએએનો કાયદો દેશ અને દેશની પ્રજાના હિતમાં છે. તેમ છતા દેશને નબળો પાડવા ઈચ્છા લોકો સીએએનો વિરોધ કરી રહ્યા છે. સીએએના કાયદાને લઈને વિપક્ષના પેટમાં તેલ રેડાયું છે તેથી તે મુસ્લીમોને આ કાયદાને લઈને ભરમાવી રહ્યું છે.
વધુમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉમેર્યું કે કાશ્મીર અને સીએએના કાયદા અંગે વિપક્ષે કોઈ પગલા લીધા ન હતા જયારે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે દેશ હિતાર્થે આ મહત્વના કાયદાઓ ઘડીને દેશની પ્રજાને એક અનમોલ ભેટ આપી છે.
તિરંગા યાત્રાના પ્રસ્થાન વેળાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ મંત્રી કુવરજીભાઈ બાવળીયા, જયેશભાઈ રાદડીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, મેયર, બીનાબેન આચાર્ય, ધનસુખભાઈ ભંડેરી, નિતિનભાઈ ભારદ્વાજ સહિતના નેતાઓ સંતો મહંતો અને સંસ્થાના આગેવાનો સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
‘અબતક’ પરિવાર દ્વારા તિરંગાયાત્રાનું શાહી સ્વાગત
રાજકોટ શહેરમાં સીએએના સર્મનમાં નિકળેલી ૩ કિ.મી. લાંબી વિશાળ તિરંગાયાત્રા યાજ્ઞીક રોડ ઉપર ‘અબતક’ મીડિયા હાઉસ પાસે પહોંચી હતી તે વેળાએ સમગ્ર ‘અબતક’ પરિવાર દ્વારા વિશાળકાય તિરંગાયાત્રાનું શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું. ‘અબતક’ પરિવારના સભ્યોએ ધ્વજ ફરકાવીને તિરંગાયાત્રાનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ વેળાએ દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.