સવારે ઊઠવામાં થોડું પણ મોડુ થાય તો સ્ત્રીઓનું આખા દિવસનું શિડ્યુલ ખોરવાઈ જાય છે. તેમાંય જો બાળકોને સ્કૂલે મોકલવાના હોય, ઑફિસ માટે ટિફિન તૈયાર કરવાનું હોય કે ઘરના બીજા કામ હોય તો રસોઈમાં ઘણી ઉતાવળ થઈ જાય છે. આવામાં જો તમારે સવારે ફટાફટ રસોઈ બનાવવી હોય તો કેટલીક કૂકિંગ ટિપ્સ ધ્ાનમાં રાખો.
સવારે શું બનાવવુ છે તે વિચારી રાખશો તો ઊઠીને રસોઈ કરવામાં બિલકુલ વાર નહિ લાગે. આ માટે રાત્રે જરૂરી તૈયારી કરી લો જેથી સવારે નાના-નાના કામમાં તમારો વધારે સમય ન બગડે.
શાક સમારવાનું, કઠોળ પલાળવાનું વગેરે કામ રાત્રે જ પૂરુ કરી લો. આથી તમારે સવારે માત્ર તેને ચોડવવાનું જ બાકી રહે.
તમે જો વર્કિંગ વુમન હોવ તો શાકભાજીની ખરીદી કરવા જાવ ત્યારે થોડું એક્સ્ટ્રા શાક ખરીદી લો. જેમ કે શિયાળામાં ગાજર છોલીને સમારવાનું, વટાણા ફોલવાનું વગેરે કામ એડવાન્સમાં કરી લો. આવા ઝીણા કામ લઈને બેસો ત્યારે થોડી વધારે માત્રામાં જ સમારી કે ફોલી લો. જેથી ઘણી રેસિપીમાં તેનો ઉપયોગ કરવાની જરૂર પડે ત્યારે તમારે તેને ફરી સમારવા કે ફોલવાની જરૂર નહિ પડે. આટલું જ નહિ, આ કામમાં પરિવારના સભ્યોને પણ શામેલ કરો જેથી તમારો સમય બચી જાય.
સવારે બટેટાની કોઈ આઈટમ બનાવવાની હોય તો તેને રાત્રે જ બાફી અને છાલ કાઢીને તૈયાર રાખો. આટલુ કરવાથી સવારે તમારો ઘણો સમય બચી જશે. બટેટા તૈયાર હશે તો તમે કટલેસથી માંડીને સેન્ડવિચ સુધી અનેક વાનગીઓ બનાવી શકશો.
ભાત બનાવવામાં તો વધુ વાર નથી લાગતી પણ દાળ બાફવા કૂકર મૂકવુ પડે તો ઘણો સમય લાગી જાય છે. આથી તમે રાત્રે દાળ બાફીને તૈયાર રાખી શકો છો. સવારે તમારે ખાલી તેમાં મસાલો કરીને વઘાર કરી ઉકાળવાની જ રહેશે.
સવારે રસોડામાં ઘણો સમય દૂધ ગરમ કરવામાં જતો રહોય છે. આવામાં તમે રાત્રે જ દૂધ ઉકાળીને રાખી શકો છો. સવારે તેને હૂંફાળુ કરીને પી શકો છો, ઊભરો લાવવાની જરૂર નથી.