શહેરનાં ન્યુ રાજકોટમાં મુંબઈની એજન્સીએ ટીપરવાનનો કોન્ટ્રાકટર રાજકોટની સ્થાનિક વ્યકિતને પેટા કોન્ટ્રાકટ આપી દેતા ઘરે ઘરેથી કચરો એકત્રીકરણમાં મોટુ બખડજંતર સર્જાયું છે. ટીપરવાનની સ્માર્ટ ગોલમાલને કારણે ગૃહિણીઓમાં ભારે દેકારો બોલી ગયો છે. મોટાભાગના વિસ્તારોમાં ટીપરવાનના સમયમાં આડેધડ બદલાવથી ભારે મુશ્કેલી પેદા થઈ છે. પરિણામે લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ઉચ્ચકક્ષાએ ટેલીફોનીક ફરિયાદ કરવા છતા સ્માર્ટ પરિણામ નહિ આવતા અફસરોનાં સ્માર્ટ આર્શિવાદ હોવાનું જણાઈ રહ્યું છે.
રાજકોટ મહાનગરપાલીકાએ ટીપરવાનના કોન્ટ્રાકટ આપી દીધા છે. ઈસ્ટ ઝોન, વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં અલગ અલગ એજન્સી મારફત ટીપરવાન દોડી રહ્યા છે. વેસ્ટ ઝોન એટલે કે ન્યુ રાજકોટના વિસ્તારમાં ટીપરવાનનું સંચાલન મુંબઈની એજન્સીને અપાયું છે. પરંતુ મુંબઈની એજન્સીએ રાજકોટની સ્થાનિક વ્યકિતને પેટા કોન્ટ્રાકટ તરીકે સંચાલન આપી દીધું છે. પરિણામે ટીપરવાનનો વહિવટ અને સંચાલનમાં પણ આવડત સાબિત થયું છે. ટીપરવાનના સ્થાનિક ડ્રાઈવરોને પગારનું બહાનું બતાવી તમામને તગેડી મૂકાયા છે.
અને ટીપરવાનના ડ્રાઈવ તરીકે લાયસન્સ વગરના ગોધરીયા શખ્સોને રાખક્ષ લેતા ઘરે ઘરેથી કચરા એકત્રીકરણમાં ભારે અંધાધુંધી સર્જાઈ છે. ટીપરવાનના સમયમાં અચાનક આડેધડ બદલી નાકતા ઘરે ઘરે કચરાના ઢગલા યથાવત રહે છે.ટીપરવાન સવારના સમયમાં જોવા મળતા હતા તેના બદલે અચાનક બપોરનાં ૨ થી ૩ વચ્ચેનો સમય પેટા કોન્ટ્રાકટરે ઘરમેળે નકકી કરી લેતા લોકોમાં દેકારો બોલી ગયો છે. સમયમાં અચાનક ફેરફારને કારણે કચરાના ઢગલા થઈ ગયા છે લોકો હવે ફરીથી કચરો શેરીમાં ઠાલવતા થઈ ગયા છે. ટીપરવાન સમયસર નહિ આવતા ફરિયાદ થવા પામી છે. પરંતુ અફસરોનાં સ્માર્ટ આર્શિવાદને કારણે ટીપરવાનની કામગીરીમાં હજુ સુધી કોઈ બદલાવ જોવા મળતો નથી ટીપરવાનની સ્માર્ટ ગોલમાલ સામે લોકોમાં રોષ ફળી વળ્યો છે.