કોન્ટ્રાકટરે કોરા સ્ટેમ્પમાં સહી કરાવી લેતા સ્ટાફ હડતાલ પર ઉતરી ગયો: ૩૦ મિનીટ ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી રઝળી
કોન્ટ્રાકટરે કોરા સ્ટેમ્પમાં સહી કરાવી લેતા રોષે ભરાયેલા ન્યુ રાજકોટના ૧૩૫ ટીપરવાનના ડ્રાઈવર સહિતનો સ્ટાફ આજે સવારે અચાનક વિજળીક હડતાલ પર ઉતરી જતા અનેક વિસ્તારોમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી રઝળી પડી હતી.
ટીપરવાનના ડ્રાઈવરો દારૂ પીને વાહન ચલાવતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે જેના કારણે ટીપરવાનને પણ નુકસાની થવા પામે છે. જયારે વેસ્ટ ઝોનમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરીનો કોન્ટ્રાકટ ધરાવતી વેસ્ટન ઈમેજીટેક નામની એજન્સીએ ડ્રાઈવર સહિતના સ્ટાફ પાસે કોરા સ્ટેમ્પ પર સહી કરાવી લીધી હતી અને એવી શરત પણ રાખી હતી કે જો ટીપરવાનને નુકસાની થશે તો તેનો ખર્ચ ડ્રાઈવરના પગારમાંથી વસુલ કરવામાં આવશે.
દારૂ પીને ટીપરવાન ચલાવનાર સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. આવી આકરી શરતોથી ટીપરવાનના ડ્રાઈવર સહિતના સ્ટાફમાં ભારે રોષ ફાટી નિકળ્યો હતો. આજે સવારે અચાનક ૭:૦૦ કલાકે વેસ્ટ ઝોનમાં ૧૩૫ ટીપરવાનના ડ્રાઈવરો વિજળીક હડતાલ પર ઉતરી ગયા હતા જેના કારણે રૈયાધાર ગાર્બેજ કલેકશન સેન્ટર ખાતે ટીપરવાનના થપ્પા લાગી ગયા હતા.
આ અંગે જાણ થતા સેનીટેશન સમિતિના ચેરમેન અશ્વીન ભોરણીયાએ તાત્કાલિક સોલીડ વેસ્ટ શાખાના કર્મચારીઓને દોડાવ્યા હતા. કોન્ટ્રાકટરની બાંહેધરી બાદ મામલો થાળે પડયો હતો અને ડ્રાઈવરો ફરી કામે લાગી ગયા હતા. ટીપરવાનના કર્મચારીઓની વિજળીક હડતાલના કારણે વેસ્ટ ઝોનના અનેક વિસ્તારોમાં આજે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી રઝળી પડી હતી.