ચેટિંગ અને ડેટિંગની સુવિધા આપતી આ એપના યુઝર્સની સંખ્યામાં દિન પ્રતિદિન નોંધાઇ રહ્યો છે મોટો વધારો: એપની આવકમા પણ મોટો ઉછાળો

આજના સમયમાં યુવાનો મોબાઈલ પાછળ પોતાના દિવસનો ખાસ્સો એવો સમય વિતાવે છે. તેમાં પણ મોબાઈલ મારફતે તેની એકલતા દૂર કરવા માટે ટીન્ડર એપ પણ યુવાનો મોટા પ્રમાણમાં વપરાશ કરતા થયા છે. ટીન્ડર એપ ચેટિંગ અને ડેટિંગની સુવિધા પૂરી પાડે છે. આ એપના યુઝર્સની સંખ્યામાં દિન પ્રતિદિન મોટો વધારો નોંધાઇ રહ્યો છે.

હાલના સમયમાં તમામ રિલેશન ઓનલાઈન થતા જઈ રહ્યા છે. સંબંધની શરૂઆત પણ સોશિયલ મીડિયામાં થાય છે અને સબંધ ઉપર પૂર્ણવિરામ પણ સોશિયલ મીડિયા ઉપર મુકાઈ રહ્યા છે. હાલ યુવાનોમાં ટીન્ડર એપ પ્રત્યે ખૂબ વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ટીન્ડર એપ મારફતે યુઝર્સ તેના પાર્ટનરની શોધ કરી શકે છે. થોડો સમય બન્ને પાત્ર ચેટીંગ કરીને બાદમાં અનુકૂળતા મુજબ સંબંધમાં આગળ વધી શકે છે. આ એપ યુવા વર્ગને ખૂબ પસંદ પડી છે. માટે તેના યુઝર્સ દિન પ્રતિદિન વધી રહ્યા છે. સામે એપની આવક પણ જેટ સ્પીડે વધી રહી છે.

7537d2f3 4

હાલમાં જ ટીન્ડરની માતૃકંપની મેચ ગ્રુપે વાર્ષિક રિપોર્ટમાં દર્શાવ્યું છે  કે એપની આવકમાં ૪૩ ટકાનો વધારો નોંધાયો છે. અને એપની આવક ૧.૨ બિલિયન ડોલરે પહોંચી ગઈ છે. આ ઉપરાંત ટીન્ડર એપ જાહેરાતના માધ્યમથી પણ ખૂબ મોટી સંખ્યામાં કમાઈ કરી રહ્યું છે. ટીન્ડરની માતૃ કંપનીનો કુલ કારોબાર ૧૯ ટકા વધીને ૨.૧ બિલિયન ડોલરે પહોંચી ગયો છે. જ્યારે ઓપરેટિંગ ઇન્કમ ૧ વર્ષ પહેલાની સાપેક્ષે ૧૭ ટકા વધી ગઈ છે. ઉલ્લેખનીય છેકે મેચ ગ્રૂપ માત્ર ટીન્ડર એપનું જ નહીં પરંતુ સાથોસાથ હિંગ, ઓકેકયુપીડ અને મેચ ડોટ કોમ સહિતના ડેટિંગ એપનું પણ સંચાલન કરી રહ્યું છે. વાર્ષિક રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૯માં ટીન્ડર એપના સબ્સ્ક્રાઇબરની સંખ્યા ૩૬ ટકા વધીને ૫.૯ મિલિયન થઈ ગઇ છે.

ટીન્ડર એપનો વપરાશ ખૂબ સરળ છે. ટીન્ડર એપ યુઝર્સને પોતાના લોકેશનના આધારે પ્રોફાઇલ બતાવે છે. જે કોઈ યુઝર પાર્ટનર શોધી રહ્યા હોય તેઓ આ એપમાં પ્રોફાઈલ બનાવી શકે છે. બન્ને તરફથી ડાબી બાજુ સ્વાઈપ કરવામાં આવે તો ક્રશ મેસેજનું નોટિફિકેશન જાય છે. ત્યારબાદ બન્ને યુઝર્સ એક બીજા સાથે ચેટ કરી શકે છે. અને જો અનુકૂળ હોય તો બન્ને યુઝર્સ પોતાની મંજૂરીથી સબંધ આગળ વધારી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.