કોરોના સામેની જંગ હાર્યા 84 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધાં
ટાઇમ્સ ગ્રુપના ધરોહર અને ચેરપર્સન ઇન્દુ જૈનનું 84 વર્ષની વયે અવસાન થયું છે. ઈન્દુ જૈન એક પ્રખ્યાત ભારતીય મીડિયાના વ્યક્તિત્વ હતા. તે ભારતના સૌથી મોટા મીડિયા સંગઠન, બેનેટ, કોલમેન એન્ડ કું. લિમિટેડના અધ્યક્ષ હતા, જેને ટાઇમ્સ ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ આજીવન આધ્યાત્મિક સાધક, અગ્રણી પરોપકારી, કળાના પ્રતિષ્ઠિત આશ્રયદાતા અને મહિલા અધિકારોની હિમાયતી હતા. 13 મેના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ટાઇમ્સ ગ્રુપના ચેરપર્સન ઇન્દુ જૈન છેલ્લા કેટલાક દિવસોથી કોરોનો વાયરસ સામે લડી રહ્યા હતા અને હોસ્પિટલમાં દાખલ હતા.
ઇન્દુ જૈન, ટાઇમ્સ ફાઉન્ડેશનના પ્રમુખ હતા. ટાઇમ્સ ફાઉન્ડેશન પૂર, ચક્રવાત, ભૂકંપ અને રોગચાળા જેવી આપત્તિ રાહત માટે કમ્યુનિટી સર્વિસીઝ, રિસર્ચ ફાઉન્ડેશન અને રિલીફ ફંડ ચલાવે છે. જાન્યુઆરી 2016માં ઈન્દુ જૈનને ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરાયાં હતા.
ઈન્દુ જૈનના લગ્ન અશોકકુમાર જૈન સાથે થયા હતા. તેઓને બે પુત્રો સમીર જૈન, વિનીત જૈન અને એક પુત્રી છે. 4 ફેબ્રુઆરી 1999 ના રોજ ક્લેવલેન્ડ યુનાઇટેડ સ્ટેટ્સમાં અશોક જૈનનું અવસાન થયું હતું. તેમણે વર્ષ 2000 માં યુનાઇટેડ નેશન્સમાં ધાર્મિક અને આધ્યાત્મિક નેતાઓની મિલેનિયમ વર્લ્ડ પીસ સમિટમાં તેમના ભાષણમાં માન્યતાઓ વચ્ચે એકતાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેઓ એફઆઇસીસીઆઈના મહિલા વિંગના સ્થાપક અધ્યક્ષ હતા. ઇન્દુ જૈન તેમની માનવતા અને દેશભરમાં અનેક સેવાભાવી પ્રવૃત્તિ માટે ઓળખવામાં આવતા હતા. ઈન્દુ જૈને મીડિયાના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.