ટેસ્ટથી કોરોના આવે તેવી ભ્રામક અફવાઓથી વેગળા રહેવા અપીલ
કોરોનાના સંક્રમણનો સમય સર્વત્ર પીક પર છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જાતે ટેસ્ટ કરાવી ટેસ્ટ ઇસ બેસ્ટ ગણાવી લોકોને ટેસ્ટ માટે નિર્ભીક બની આગળ આવવા અપીલ કરી રહ્યા છે. તેમ છતાં હજુ લોકો ટેસ્ટ કરાવતા ડરે છે. ટેસ્ટ ન કરાવવા માટે મુળમાં અનેક ભ્રામક માન્યતાઓ લોકોના મનમાં ઘર કરી ગઈ હોવાનું અને તે સત્યથી વેગળા હોવાનું રાજકોટના જાણીતા હાર્ટ સ્પેશિયલિસ્ટ ડો. રાજેશ તેલી જણાવે છે.
કોરોના અને એન્ટીજન ટેસ્ટ અંગે ભ્રામક માન્યતાઓ અને તેની સ્પષ્ટતા કરતા ડો. તેલી જણાવે છે કે, ટેસ્ટ કરાવીએ ને પોઝીટીવ આવશે તો તરત જ હોસ્પિટલ માં દાખલ કરી દેશે તેવુ લોકો માને છે. પરંતુ કોરોના પોઝીટીવ આવે તો તરત જ કોઈ જ ડોક્ટર હોસ્પીટલમાં દાખલ થવાની સલાહ નહિ આપે. જરૂરી પણ નથી. હાલના લક્ષણો, લોહીના રીપોર્ટ અને ઓક્સીજનનું પ્રમાણ અને અન્ય પૂર્વ બીમારીઓને અનુલક્ષીને આગળ શું કરવું તેની સલાહ આપવામાં આવે છે.
ટેસ્ટથી કોરોના આવે તેવી ભ્રામક માન્યતાનું ખંડન કરતા તેઓ જણાવે છે કે સિવિલ કે અન્ય હોસ્પિટલમાં દાખલ થયેલા અનેક ગંભીર દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફરે છે. દર્દીઓના મૃત્યુ માટે સમયસર નિદાનનો અભાવ મુખ્યત્વે કારણભૂત હોવાનું જણાય છે. માટે સમયસર જો ટેસ્ટ કરાવી નિદાન અને યોગ્ય સારવાર કરવામાં આવે તો બિલકુલ સાજા થઈ જવાય છે. માટે હોસ્પીટલમાં જાય એટલે મોત એ માન્યતા ખોટી છે. આવી ભ્રામક વાતો ન ફેલાવવી જોઈએ.
ખાસ કરીને યુવા લોકોને કોરોના થશે નહિ એટલે ટેસ્ટ કરાવતા નથી, જે વાત ખુબજ ગંભીર છે. યુવાનો કોરોના થાય તો પણ જલ્દીથી સાજા થઈ જાય છે.
કોરોનાનો ટેસ્ટ સમયસર કરાવવાથી અનેક ફાયદાઓ છે. વહેલું નિદાન યોગ્ય સારવાર પૂરી પાડી આપની મહામુલી જિંદગી બચાવી શકે છે. તો કોરોનાના ટેસ્ટથી પલાયન થયા વગર સહજતાથી તેનો સામનો કરી રાજ્યને કોરોના મુક્ત બનાવવામાં આગળ આવવું જોઈએ.