શકિતસિંહ ગોહિલ દ્વારા સંગઠન માળખું જાહેર કરતાની સાથે જ કોંગ્રેસનું ઘર સળગશે તે નિશ્ચિત
ભાજપ પણ સંગઠન માળખામાં મોટા ફેરફાર કરવાના મૂડમાં: જૂના જોગીઓનું ફરી વજન વધશે
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને કોંગ્રેસના નવનિયુકત પ્રદેશ અધ્યક્ષ શકિતસિંહ ગોહિલમાટે સંગઠનની દ્રષ્ટિીએ આગામી સમય ખૂબજ પડકાર જનક બની રહેશે.લોકસભાની આગામી ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસમાં મોટા કડાકા-ભડાકા થવાની સંભાવના પણ રાજકીય પંડિતો વ્યકત કરી રહ્યા છે.
કોંગ્રેસમાં કાર્યકર્તાઓની અછત છે જેટલા લોકો પક્ષ સાથે સંકળાયેલા છે તે તમામ નેતાઓજ છે.આવામાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવ નિયુકત અધ્યક્ષ અને રાજયસભાના સાંસદ શકિતસિંહ ગોહિલ દ્વારા આગામી દિવસોમાં સંગઠન માળખાની જાહેરાત કરાતાની સાથે જ કોંગ્રેસમાં ભડકો થશેતે વાત ફાઈનલ છે. જેલોકોને સંગઠનમાં સ્થાન આપવામાં નહી આવે તે લોકો પક્ષ પલ્ટો કરે તેવી સંભાવના પણ હાલ નકારી શકાતી નથી. વિધાનસભાની ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનો કાંટાળો તાજ શકિતસિંહના શીરે મૂકવામાં આવ્યો છે. લોકસભાની છલ્લે બે ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસને એક પણ બેઠક જીતી શકયું નથી હવે હારની હેટ્રીક ખાળવા શકિતસિંહે પોતાની તમામ શકિત લગાડવી પડશે. પરંતુ તેઓ માટે સૌથી મોટો પડકાર એ છેકે લોકસભાની ચૂંટણી સુધી ગુજરાતમાં રહી સહી કોંગ્રેસને ટકાવી રાખવી તેઓએ પણ કોંગ્રેસના દરવાજા ખોલ્યા છે. આપતથા ભાજપના નેતાઓ કોંગ્રેસમાં સામેલથઈ રહ્યા છે. પરંતુ સ્થિતિ જેટલી દેખાય એટલી સરળ નથી.
બીજી તરફ ગુજરાતની રાજનીતિના ચાણકય ગણાતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું વર્ચસ્વ વિધાનસભાની ચૂંટણી બાદ દિન પ્રતિદિનિ સતત ઘટી રહ્યું છે. એક સમયે તેઓના ડરથી કાર્યકરો કે આગેવાનો મોઢુ ખોલવાની પણ તસ્દી લેતા ન હતા હવેસમય બદલાયો છે. તેમના વિરૂધ્ધ પણ પત્રિકા અને પેન ડ્રાઈવનું વિતરણ થવા માંડયું છે. કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ચૂંટણીની ટિકિટ અને સંગઠનમાં મોટા હોદાઓ આપી દેવામાં આવ્યા છે.જેનાથી પાયાના કાર્યકરો ભારોભાર નારાજ છે. હવે ભાજપ માટે દરવાજા બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. સંગઠનનો વ્યાપ એટલો વધારી દેવામાં આવ્યો છે કે, કોઈ સામાન્ય અસામાજીક પ્રવૃત્તિ કરતા પકડાયેલો વ્યકિત પણ ભાજપનો કાર્યકર કે હોદેદાર જ હોય છે. કોંગ્રેસ કે આપનો સાથ છોડનારને જો હવે ભાજપમાં સ્થાન આપવામા આવશે તો સ્થિતિ વધુ વકરવાની સંભાવના છે.
ભાજપના સંગઠન માળખામાં પણ આગામી દિવસોમાં મોટા ફેરફાર તોળાય રહ્યા છે. બે મહામંત્રીઓની જગ્યા ખાલી પડી છે. સી.આર. પાટીલની ત્રણ વર્ષની મુદત પણ પૂરી થઈ ગઈ છે.તેઓને કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવે તેવી શકયતા જણાય રહી છે. સરકાર અને સંગઠન વચ્ચે સંકલનનો અભાવ હવે બહાર આવી રહી છે. આવામાં સંગઠન અને સરકારમાં બહોળો અનુભવ ધરાવતા એક મોટા નેતાને ભાજપ હાઈકમાન્ડ દ્વારા ગુજરાતની સંગઠનની બાગડોર ફરી સોંપવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો હોવાનું પણ ચર્ચાય રહ્યું છે.
હાલ ગુજરાતનાં રાજકારણની સ્થિતિ ખૂબજ તરલ છે.બંને મુખ્ય પક્ષના પ્રદેશ પ્રમુખ માટે આગામી સમય માત્ર પડકાર જનક જ નહી પરંતુ પોતાની શકિત પ્રસ્થાપિત કરવામાં છે.
સરદાર (પટેલ) અને સંગઠન (પાટીલ) વચ્ચે સંકલન મજબૂત બનશે
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ વચ્ચે દર સોમવારે યોજાશ બેઠક: પીએમઓની સુચના
ગુજરાતમાં રાજય સરકાર અને પ્રદેશ ભાજપ સંગઠન માળખા વચ્ચે સંકલનનો અભાવ હોવાના કારણે સરકાર બન્યાના આઠ માસમાં અનેક પ્રશ્ર્નો ઉભા થયા છે. છે. લોકસભાની આગામી ચુંટણીમાં આની કોઇ અસર ન પડે તે માટે પીએમઓમાંથી આદેશ છુટતા હવે સંકલનને મજબૂત કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ દ્વરા દર સોમવારે મહત્વપૂર્ણ બેઠક યોજાશે જેમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાશનાથનની ભૂમિકા પણ મહત્વની રહેશે.ગુજરાતમાં ગત ડિસેમ્બર માસમાં નવી સરકાર બની હતી. મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઇ પટેલે શપથ લીધા હતા. સરકાર હવે આઠ માસ જુની થઇ ગઇ છે પરંતુ સરકાર અને સંગઠન વચ્ચે સંકલનનો અભાવ હોવાના કારણે ઘણા વિવાદ સર્જાયા છે.
મંત્રી મંડળની સંખ્યા ખુબ જ નાની રાખવામાં આવી હોવાછતાં અનેક જિલ્લાને મંત્રી મંડળમાં સ્થાન મળી શકયું નથી. જયારે રાજકોટ જીલ્લાના બે ધારાસભ્યોને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. સંગઠનમાં પણ છેલ્લા ઘણા સમયથી આંતરીક ખેંચતાણ ચાલી રહી છે. મહામંત્રી પદેથી ભાર્ગવ ભટ્ટ બાદ પ્રદિપસિંહ વાઘેલાને રાજીનામું આપી દેવાની ફરજ પાડવામાં આવી હતી. સી.આર. પાટીલ વિરૂઘ્ધ પણ પત્રિકા અને પેન ડ્રાઇવ વિતરણ કરાયું હતું. આ તમામ ઘટનાથી ભાજપ માટે મોડેલ સ્ટેટ ગણાતા ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિની અસર અન્ય રાજયોની વિધાનસભાની ચુંટણી અને ત્યારબાદ યોજનારી લોકસભાની ચુંટણી પર પણ પડે તેવી સંભાવના દેખાય રહી છે. તાજેતરમાં વડાપ્રધાન કાર્યાલયેથી એક લીટીમાં આદેશ છુટયો છે કે સરકાર અને સંગઠન વચ્ચે સંકલન વધુ મજબૂત કરવા માટે દર સપ્તાહે એક વખત મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષે ફરજીયાત પણે મળવું.
દરમિયાન છેલ્લા થોડા સમયથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ વચ્ચે દર સોમવારે અથવા જરૂરીયાત જણાય ત્યારે ગમે તે એક દિવસ બેઠક મળે છે. જેમાં સી.એમ.ના મુખ્ય અગ્રસચિવ કૈલાશનાથન પણ ઉ5સ્થિત રહે છે. પટેલ વચ્ચેની બેઠકમાં કેન્દ્ર અને રાજય સરકારની લોક કલ્યાણકારી વિવિધ યોજનાઓની અમલવારી, રાજયની વર્તમાન સ્થિતિ, સંગઠનલક્ષી કામગીરી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે.
લોકસભાની આગામી ચુંટણીમાં ગુજરાતમાં સતત ત્રીજી વખતે લોકસભાની તમામ ર6 બેઠકો માત્ર જીતવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો નથી. તમામ બેઠકો ને પાંચ લાખથી પણ વધુ મતોથી લીડ સાથે જીતવાનો ટારગેટ સેટ કરવામાં આવ્યો છે. પરંતુ જે રીતે ભાજપ માટે મોડેલ સેટ ગણાતા ગુજરાતમાં સરકાર અને સંગઠન વચ્ચે સંકલન નથી તેવા મેસેજને થતો અટકાવવા હવે પીએમ દ્વારા મામલો હાથ પર લઇ લેવામાં આવ્યો છે.