- પતિ અને સાસરિયાઓને હેરાન કરવાના ઉદેશ્ય સાથે ઘરેલુ હિંસાની કલમનો થતાં ગેરઉપયોગ બાબતે સર્વોચ્ચ અદાલત ચિંતિત
પત્ની દ્વારા પતિ અને સાસરિયાઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 498એના દુરુપયોગ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે શુક્રવારેએ સંસદને સૂચન કર્યું છે કે, ભારતીય ન્યાય સંહિતામાં જરૂરી ફેરફાર લાવવો જરૂરી છે. ઉલ્લેખનીય બાબત છે કે, ન્યાય સંહિતાની કલમ 85 અને 86માં આઈપીસીની કલમ 498એ જેવી જોગવાઈઓ છે.
અમે સંસદને વિનંતી કરીએ છીએ કે તે વ્યવહારિક વાસ્તવિકતાઓને ધ્યાનમાં લઈને ઉપરોક્ત મુદ્દા પર ધ્યાન આપે અને ભારતીય ન્યાય સંહિતા, 2023 ના અનુક્રમે કલમ 85 અને 86 માં નવી જોગવાઈઓ અમલમાં આવે તે પહેલાં જરૂરી ફેરફારો કરવા વિચાર કરવામાં આવે. સુપ્રીમ કોર્ટની આ બેન્ચમાં જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાનો સમાવેશ થાય છે.
કોર્ટે નોંધ્યું હતું કે બીએનએસમાં નવી જોગવાઈઓનું લખાણ આઈપીસીની કલમ 498એના શબ્દશઃ પુનઃલખાણ સિવાય કંઈ નથી. સિવાય કે આઈપીસીની કલમ 498એની સમજૂતી હવે એક અલગ જોગવાઈ દ્વારા એટલે કે, ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 86 છે.
ઉપરાંત પ્રીતિ ગુપ્તા વિ. ઝારખંડ રાજ્ય (2010)ના કેસમાં કોર્ટે કલમ 498એ ફરિયાદોમાં ઘટનાઓના અતિશયોક્તિપૂર્ણ સંસ્કરણના પ્રતિબિંબ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને જોગવાઈમાં ફેરફાર કરવા માટે વિધાનસભાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
આ યોગ્ય સમય છે કે વિધાનસભાએ વ્યવહારિક વાસ્તવિકતાઓને ધ્યાનમાં લેવી જોઈએ અને વર્તમાન કાયદામાં યોગ્ય ફેરફારો કરવા જોઈએ. વિધાનમંડળ માટે માહિતગાર જાહેર અભિપ્રાય અને વ્યવહારિક વાસ્તવિકતાઓને ધ્યાનમાં લેવું અને કાયદાની સંબંધિત જોગવાઈઓમાં જરૂરી ફેરફારો કરવા આવશ્યક છે. તેવું કોર્ટે પ્રીતિ ગુપ્તાના કેસમાં જણાવ્યું હતું.
પ્રીતિ ગુપ્તાના કેસનો સંદર્ભ લેતા જસ્ટિસ જે બી પારડીવાલાએ લખેલા ચુકાદાએ સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીને નિર્દેશ આપ્યો હતો કે ચુકાદાની નકલ કેન્દ્રીય ગૃહ પ્રધાન અને કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન સમક્ષ મૂકવામાં આવે.
અમે રજિસ્ટ્રીને આ દરેક ચુકાદાની એક એક નકલ કેન્દ્રીય કાયદા સચિવ અને કેન્દ્રીય ગૃહ સચિવને અને ભારત સરકારને મોકલવાનો નિર્દેશ આપીએ છીએ, જેઓ તેને કાયદા અને ન્યાય મંત્રી તેમજ માનનીય મંત્રી સમક્ષ મૂકી શકે છે.
મૂળ મામલાની જો વાત કરવામાં આવે તો પતિ દ્વારા પત્ની સામે ક્રૂરતા દર્શાવીને છૂટાછેડાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. છૂટાછેડાના કેસના જવાબમાં પત્ની દ્વારા પતિ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા, 1860ની કલમ 323, 406, 498એ અને 506 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.
હાઈકોર્ટે સીઆરપીસીની કલમ 482 હેઠળ તેની આંતરિક શક્તિઓનો ઉપયોગ ન કરીને પતિ સામેના ફોજદારી કેસને રદ કરવાનો ઇનકાર કર્યો હતો.
આઈપીસીની કલમ 498એ માંથી ઉદ્ભવતા ફોજદારી કેસને રદ કરવાનો ઈન્કાર કરતા હાઈકોર્ટના નિર્ણય સામે પતિએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.
શરૂઆતમાં કોર્ટે અવલોકન કર્યું હતું કે એફઆઈઆરને સંપૂર્ણ રીતે વાંચ્યા પછી જો એવું જણાય છે કે ફોજદારી કાર્યવાહી માત્ર આરોપીને હેરાન કરવાના હેતુથી શરૂ કરવામાં આવી હતી તો તે હાઇકોર્ટની ફરજ છે કે તેઓ તેમની કાર્યવાહી કરે અને સીઆરપીસીની કલમ 482 હેઠળ અંતર્ગત સત્તાઓ આવી ફોજદારી કાર્યવાહીને રદ કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવે.