સગીર પત્ની સાથે સબંધો બાંધવાના ગુનામાં ૧૦ વર્ષની કેદ થઈ શકે: વડી અદાલતના ચુકાદાથી સમાજમાં અનેક ફેરફાર થશે
વડી અદાલતે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સગીર એટલે કે ૧૮ વર્ષથી ઓછી ઉંમરની પત્ની સાથેના સેકસને બળાત્કાર ગણવાનું ઠરાવ્યું છે. આ ચુકાદામાં અદાલતે ૭૭ વર્ષ જૂના કાયદાનું પુન:ગઠન કર્યું છે. હવે સગીર પત્ની સાથે સેકસ માણે તો પતિ સામે બળાત્કારનો કેસ ચલાવી શકાશે અને સજાની જોગવાઈ ૧૦ વર્ષની કરાઈ છે. આ ઉપરાંત પોકસો હેઠળ પણ કાર્યવાહી થઈ શકે છે. આ મામલે કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.
કોર્ટમાં કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે, આઈપીસીની કલમ ૩૭૫ (૨) મુજબ કોઈ વ્યક્તિ તેની ૧૫ થી ૧૮ વર્ષની પત્ની સાથે સેકસ માણે તો તેને દુષ્કર્મ ગણાતું નથી. આઈપીસીની કલમ ૩૭૫ (૨) હેઠળ પતિને આપવામાં આવેલા અપવાદને માન્ય રાખવામાં આવે અને પતિ સામે બળાત્કારનો કેસ ન કરીને તેને આપવામાં આવેલું કાનૂની રક્ષણ માન્ય રાખવામાં આવે. પરંતુ કોર્ટે સરકારની આ દલીલને સ્વીકારી ન હતી.
આઈપીસીની કલમ ૩૭૫ (૨)માં બળાત્કારની વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે. જે મુજબ ૧૫ થી ૧૮ વર્ષની પત્ની સાથેના શારીરિક સંબંધોને બળાત્કાર ગણવામાં આવતા નથી. દેશમાં અલગ અલગ કાયદામાં બાળકીને જુદી જુદી રીતે પરિભાષીત કરાઈ હોવાથી આખો મામલો સુપ્રીમમાં લઈ જવામાં આવ્યો હતો હવે આ કાયદો લાગુ પડશે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ હવે ૧૮ વર્ષથી ઓછી ઉંમરની પત્ની એક વર્ષમાં આ મુદ્દે પતિ સામે બળાત્કારની ફરિયાદ કરી શકે છે. અગાઉ બાળ વિવાહના કાયદામાં લગ્ન માટે યુવતીની ઉંમરની મર્યાદા ૧૫ વર્ષ નક્કી કરવામાં આવી હતી. વડી અદાલતે ચુકાદામાં ૭૭ વર્ષ જૂના કાયદાને રિરાઈટ કરી દીધો છે.