રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સા.ના સાંનિધ્યે આયોજિત નેક્સ્ટ ચેલેન્જ કાર્યક્રમ, હજારો ભાવિકોને સમસ્યાઓ સામે ઝઝૂમવાની એક નવી દ્રષ્ટિ આપી ગયો
મંત્ર સાધના, ધ્યાન સાધના અને પ્રેરણાત્મક બોધકથાના માધ્યમે લોકડાઉન પછીના સમયની જીવનશૈલીનું માર્ગદર્શન આપવામાં આવ્યું
લોકડાઉન પછી દેશ અને દુનિયા માટે આવનારી અનેક પ્રકારની સમસ્યાઓ અને બદલાએલી પરિસ્થિતિ વચ્ચે “સમજણ, શરણભાવ અને સહાયક બનવાના ત્રિમંત્ર સાથે આવનારા દિવસોને પહેલાં કરતાં પણ વધારે સારા બનાવી લેવાનો પરમ કલ્યાણકારી બોધ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે આયોજિત નેક્સ્ટ ચેલેન્જ કાર્યક્રમમાં આપીને હજારો ભાવિકોને પ્રેરિત કરવામાં આવ્યાં હતાં.
લોકડાઉન પછી શું થશે? કેવી પરિસ્થિતિઓ સર્જાશે? જીવન કેવી રીતે વ્યતિત થશે એવા અનેક પ્રકારના વિચારો, અનેકપ્રકારની દ્વિધાઓ અને ચિંતાઓથી ઘેરાએલાં દેશ વિદેશના ભાવિકોની મન:સ્થિતિ અને વિચારધારાને સકારાત્મકતામાં પરિવર્તિત કરવાના મંગલ ભાવો સાથે આયોજિત આ અનોખા અને ચિંતનીય કાર્યક્રમમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના બ્રમ્હનાદે વિશિષ્ટ હસ્તમુદ્રાઓ તેમજ લયબધ્ધ પધ્ધતિથી શ્રી નમસ્કાર મહામંત્ર, શ્રી લોગસ્સ સૂત્ર અને મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રરૂપી ત્રિમંત્રની જપ સાધના દ્વારા પ્રભુ ભક્તિ કરાવવામાં આવી હતી. જપ સાધના બાદ ધ્યાન સાધના કરાવીને ભાવિકોના મનોયોગને શાંત અને સ્થિર કરવામાં આવ્યાં હતાં.
આવનારા સમયમાં સંભવિત સમસ્યાઓની વચ્ચે પોઝીટીવ રહેવાની પ્રેરણા આપતાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે બોધ વચન ફરમાવતાં કહ્યું હતું કે, સમય શિક્ષક બનીને આપણને જીવન જીવવાના પાઠ શીખવી જતો હોય છે. અને આજના લોકડાઉનના આ વિષમ સમયમાં આપણે મંત્રોની એનર્જીને આપણું સુરક્ષા કવચ બનાવી મંત્રને મિત્ર બનાવી લેવુ જોઈએ. કેમકે મંત્રો હંમેશા મહામારીનું મારણ હોય છે. આવનારા દિવસોમાં જ્યારે અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાવાની સંભાવના છે ત્યારે સ્વયંની સમજણ, શરણભાવ અને અન્યને સહાયક બનવાની ભાવના સ્વરૂપ ત્રિમંત્ર જો જીવનમાં આત્મસાત કરશું તો આવનારા દિવસો, પહેલાનાં દિવસો કરતાં પણ અવશ્યમેવ બહુ સારા બની રહેશે.
સમયના રોડ પર ચાલતી લાઈફની ગાડીને કદાચ ઘણા બધાં ખાડા ટેકરાનો સામનો કરવો પણ પડે પરંતુ ખાડા-ટેકરા રૂપી ક્ષણ બે ક્ષણની એ ઘટનાને ઘટમાં વારંવાર ઘૂંટવા કરતાં માત્ર એટલું યાદ રાખવાનું છે કે આ સમય, આ પરિસ્થિતિ પણ જવાની જ છે. પરમાત્મા કહે છે, સ્વયંની સહન કરવાની ક્ષમતાથી વધારે દુ:ખ કદી કોઈના જીવનમાં આવતું નથી. સમય, સંયોગ અને પરિસ્થિતિ કદાચ બદલાતી રહેશે પરંતુ આપણી સમજ નહીં બદલાય તો સુખમાં પણ દુ:ખનું નિર્માણ થશે અને જો સમજણ હશે તો દુ:ખીની વચ્ચે પણ સુખનું નિર્માણ શક્ય બની જશે. સમજણથી કોઈપણ પરિસ્થિતિને સંભાળી લેવાનો, શરણભાવથી અંદરના ભયને દૂર કરવાનો અને અન્યને સહાયભૂત બનીને ગુડલકમાં વૃધ્ધિ કરવારૂપ આ ત્રિમંત્ર દુ:ખના સમયને પણ સુખમાં પરિવર્તિત કરી દેશે.
વિશેષમાં, લોકડાઉનના પ્રારંભથી રાજકોટ, ગોંડલ આદિઅનેક ક્ષેત્રમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપના સભ્યો દ્વારા રોટી મહાઅભિયાન અંતર્ગત લોકડાઉનના ૫૦ દિવસોમાં ૪૧ લાખથી પણ વધારે રોટલી વિતરણ કરીને ગરીબોની સહાય કરવામાં આવી રહેલી ક્ષુધા તૃપ્તિની અનન્ય સેવાની અનુમોદના સાથે સંપન્ન કરવામાં આવેલો આ કાર્યક્રમ હજારો ભાવિકોના હૃદયની નિરાશા હતાશાને ખંખેરીને એક નવી આશા ઉત્સાહ અને પોઝિટિવિટીનો સંચાર કરી ગયો.