પીજી કોર્સ ધરાવતી મેડિકલ કોલેજોના વહીવટીતંત્રોએ તેમના કર્મચારીઓને સરપ્રાઈઝ ચેકીંગ માટે તૈયાર રહેવા સૂચના અપાઈ: કોવિડને કારણે છેલ્લાં બે વર્ષમાં નિરીક્ષણ કરવામાં આવ્યું ન હતું

કોરોના જેવી મહામારીનો સામનો કર્યા બાદ દેશમાં સ્વાસ્થ્ય સેવાઓ અને માળખામાં મોટાપાયે સુધારો, વધારો અને ફેરફાર કરવાની સમગ્ર વિશ્વસ્તરે જરૂરિયાત ઊભી થઈ હતી. આ દિશામાં ભારત સરકાર દ્વારા પણ સક્રિય રીતે કામગીરી હાથ ધરવામાં આવી છે. નેશનલ મેડિકલ કમિશન આગામી થોડા દિવસોમાં રાજ્યમાં અનુસ્નાતક મેડિકલ કોલેજોનું વાર્ષિક નિરીક્ષણ હાથ ધરે તેવી અપેક્ષા છે.  કોવિડને કારણે છેલ્લાં બે વર્ષમાં નિરીક્ષણ કરવામાં આવ્યું ન હતું પરંતુ મળતી માહિતી મુજબ પરોક્ષ રીતે ઇન્સ્પેકશન થયું હતું.

ઉલ્લેખનીય છે કે, પીજી કોર્સ ધરાવતી મેડિકલ કોલેજોના વહીવટીતંત્રોએ તેમના કર્મચારીઓને સરપ્રાઈઝ નિરીક્ષણ માટે તૈયાર રહેવા સૂચના આપી છે.  સૂત્રોએ જણાવ્યું કે કોર્પોરેશન સંચાલિત એનએચએલ મેડિકલ કોલેજ અને બીજે મેડિકલ કોલેજના વહીવટીતંત્રોએ તેમના સ્ટાફને કોઈપણ દિવસે આવી શકે તેવી ટીમો માટે તમામ દસ્તાવેજો તૈયાર કરવા સૂચના આપી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ડીન, વિભાગોના વડાઓ, નિવાસી ડોકટરો અને ટેકનિકલ સ્ટાફને ફરજ પર હોય ત્યારે યોગ્ય ગણવેશ અને એપ્રન પહેરવાની સૂચના આપવામાં આવી છે.  શિક્ષકો અને ડોકટરોને જ્યારે નિરીક્ષણ ટીમ મુલાકાતે હોય ત્યારે કેમ્પસ ન છોડવા અને હાજરીની વિગતો તૈયાર રાખવા માટે કહેવામાં આવ્યું છે.

ફેકલ્ટી મેમ્બર્સને ઇન્સ્પેક્શન પૂર્ણ થયા પછી જ રજા લેવાનું કહેવામાં આવ્યું છે. બીજેએમસીના એક અધિકારીએ જણાવ્યું કે કોલેજે તપાસ માટે અરજી કરી છે અને સરપ્રાઈઝ ચેક માટે હવે ત્યાર રહે.

માત્ર સુવિધા જ નહિ દર્દીઓની પણ જોવાય છે: ગૌરવીબેન ધ્રુવ

રાજકોટ પીડીયું મેડિકલ કોલેજના પૂર્વ ડીન ડો. ગૌરવીબેન ધ્રુવે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મેડિકલ કોલેજોમાં ઇન્સ્પેકશનએ નિરંતર પ્રકિયા છે. છેલ્લા બે વર્ષમાં કોવિડના કારણે રૂબરૂ ઇન્સ્પેકશન શક્ય બન્યું નથી. જો કે પરોક્ષ રીતે ઇન્સ્પેકશન થતું હતું. ખાસ તો આ ઇન્સ્પેકશનમાં કોલેજોમાં દર્દીઓનો વર્કલોડ, બ્રેઈન પાવર, ઇન્ફ્રાસ્ટક્ચર તેમજ દર્દીઓનો ઘસારો સહિતની બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે

મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ હોય તેમાં સુવિધાઓ તો બધી હોવી જ જોઇએ પરંતુ સાથે-સાથે તે સંલગ્ન હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા પણ એનએમસીના નોમ્સ મુજબ જોઇએ જ નહીતર પણ કોલેજને જે વધુ બેઠક ફાળવાઇ હોય તે ઘટી જાય. દા.ત. મેડીકલ કોલેજમાં મેડીસીન માટેની ૧૦ બેઠક (પીજી)ની મંજુર થઇ હોય તો ૧૦૦ દર્દીઓ પણ મેડીસીનના વોર્ડમાં જોઇએ. સૌરાષ્ટ્રભરમાં મેડિકલ કોલેજોની સ્થિતિ ખુબ જ સારી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.