દિગ્વીજય દ્વાર અર્પણ સાથે ધર્મોત્સવમાં કેશરીદેવસિંહજી ઝાલા પરિવાર જોડાયો
અબતક, નિલેશ ચંદારાણા, વાંકાનેર
વાંકાનેરના મહારાણા રાજ કેશરીદેવસિંહજી ઝાલાની રાજતિલક વિધીનો પાવન પ્રસંગ પાંચ દિવસ વાંકાનેર ખાતે તા.1/3 થી તા.5/3 સુધી વિવિધ કાર્યક્રમો સાથે ઉજવવાનો આજે પ્રથમ દિવસ મહાશિવરાત્રિથી સ્વયંભૂ જડેશ્ર્વર મહાદેવ મંદિરે રૂદ્રી પુજન વિધી સાથે પ્રારંભ થયો છે.સવારે 11 વાગ્યે જડેશ્વરદાદાના નિજ મંદિર કેશરીદેવસિંહજી ઝાલા અને તેમના ધર્મપત્નીના હસ્તે જલાભિષેક, દુગ્ધાભિષેક સાથે ભગવાન ભોળાનાથનું પુજન વૈદિક મંત્રોચ્ચાર સાથે પુજન અને જડેશ્ર્વરદાદાની આરતી કરવામાં આવી હતી.
આ પાવન પ્રસંગે ક્ષત્રિય સમાજના પ્રમુખ વજુભા ઝાલા સહિત સમાજના શ્રેષ્ઠીઓ ક્ષત્રિય પોષાકમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે અન્ય સમાજના અગ્રણીઓ પણ ઉત્સવના પ્રારંભ બહોળી સંખ્યામાં જડેશ્વર મંદિરે પધાર્યા હતા.સ્વયંભૂ જડેશ્ર્વર દાદાના પૂજન-આરતી બાદ મંદિરના મહંત રતીલાલજી મહારાજ દ્વારા નામદાર મહારાણા રાજ કેશરીદેવસિંહજી ઝાલાનું મંદિર વતી સાફો પહેરાવી સન્માન કર્યું હતું. આ વેળાએ લઘુ મહંત જીતેન્દ્ર પ્રસાદજી, વિજયભાઇ ત્રિવેદી, મંદિરના પૂજારી છગનભાઇ પંડ્યા, રાજુભાઇ ત્રિવેદી સહિતના ટ્રસ્ટી કિશોરસિંહ ઝાલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રતન ટેકરી ઉપર બીરાજતા સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ મંદિરના દ્વાર પાસે વાંકાનેરના રાજવી પરિવાર દ્વારા સ્વ.દિગ્વીજયસિંહજી ઝાલાના સ્મણાર્થે બનાવવામાં આવેલ “દિગ્વીજય દ્વાર” મહારાણા રાજ કેશરીદેવસિંહજી ઝાલાના વરદ્ હસ્તે તખ્તી પાસે પુજન કરી આ દ્વાર મંદિને અર્પણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં પણ જુદી-જુદી જ્ઞાતિના અગ્રણીઓ સંતો-મહંતો, રાજકીય, સામાજીક સંસ્થા અગ્રણીઓ વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.