• દંપતી વચ્ચે ઝઘડા બાદ પત્નીએ પિયર જવાનું કહેતા પતિએ આવેશમાં આવી આચર્યું કૃત્ય

હળવદ તાલુકાના ટીકર રણ ગામ નજીક મીઠાના ગંજા પાસે પતિ-પત્ની વચ્ચે થયેલ ઝઘડામાં પત્ની દ્વારા પિયરે જવાનું કહેતા આવેશમાં આવી સગા બાપે પોતાના 13 માસના દીકરાને હાથમાંથી ઉલાળીને જમીન ઉપર પછાડતા માસુમ બાળકના પ્રાણ પંખેરું ઉડી ગયા હતા. સમગ્ર ઘટના બાબતે ચકચાર મચી જવા પામ્યો છે. ત્યારે હેવાન બનેલા બાપ ઉપર ફીટકારની લાગણી વરસી છે. સમગ્ર બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં મૃતક માસૂમની માતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની વધુ તપાસ ચલાવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ સુ.નગર જીલ્લાના કુડા નીમકનગર ગંજા વિસ્તાર અને હાલ હળવદના ટીકર રણ મીઠાની ગંજાએ રહી મીઠાની મજૂરી કરતા અમીનાબેન અસગરભાઇ અનવરભાઇ માણેક ઉવ.24ના લગ્ન આશરે બે વર્ષ પહેલા અસગર અનવરભાઈ સાથે થયા હતા ત્યારે બે વર્ષના લગ્નગાળા દરમિયાન તેમને સંતાનમાં એક પુત્ર અનવર હતો જેની ઉવ.આશરે 13 માસનો હતો. ગત તા.8,9,10 માર્ચ અમીનાબેનની ફૈબાની દીકરીના લગ્ન હોય જે લગ્નનો પ્રસંગ પૂરો થતા અમીનાબેન તેમના માતાપિતાને તેમના ફૈબાને ત્યાં મુકીને પોતાના ઘરે આવેલ ત્યારે અમીનાબેનના પતિ અસગરે તેને તેના ફૈબાના ઘરે બેસવા જવાની ના કહી જે બાબતે પતિ દ્વારા અમીનાબેનને મુઢમાર માર્યો હોય જેથી આ સમગ્ર ઝઘડામાં અમીનાબેનના માતાપિતાએ સમાધાન કરાવ્યું હતું.

જે પતિપત્ની વચ્ચે થયેલ ઝઘડા બાદ અમીનાબેને પોતાના પિયરે જવાની વાત પતિ અસગરને કરતા પતિ દ્વારા થોડા દિવસો બાદ પિયરે જવાનું કહી પોતાના દીકરાને રમાડવા લાગ્યો હતો. પુત્રને રમાડતા રમાડતા થોડીવાર બાદ એકદમ આવેશમાં આવી પોતાના પુત્રને હાથમાં લઇ દોડીને ભાગીને ઘરની પાછળના ભાગે લઇ જઈ પોતાના હાથમાંથી ફંગોળીને જમીન ઉપર પછાડ્યો હતો. જમીન ઉપર પટકાતા માસુમ અનવર બેભાન થઇ ગયો હતો જેથી માસુમ બાળકને બેભાન હાલતમાં હોસ્પિટલે સારવારમાં લઇ ગયેલ જ્યાં ડોક્ટરે બાળકને મૃત જાહેર કરતા અરેરાટી પ્રસરી ગયી હતી. આ બનાવ અંગે અમીનાબેન અસગરભાઈ માણેકની ફરિયાદના આધારે હળવદ પોલીસે આરોપી અસગર અનવરભાઈ માણેક વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.