રાજકોટ જિલ્લા સહિત રાજ્યની ગ્રામ પંચાયતોની આગામી તા. 19ને રવિવારે યોજાનારી ચુંટણીના આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા હોય વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ દ્વારા મતદાન બૂથો પર મતપેટીઓ અને જરુરી સાહિત્ય પહોંચાડી દેવામાં આવેલ છે. તેમજ આ ચૂંટણીના પ્રચાર પડઘમ આવતીકાલ શુક્રવાર સાંજથી શાંત પડી જનાર છે. રાજકોટ જિલ્લાની 441  પૈકીની 413 ગ્રામ પંચાયતો અને 410 સરપંચોની યોજાનારી ચૂંટણી માટે શનિવારે સવારના જ ઓબ્ઝર્વર નિનામા ગાંધીનગરથી રાજકોટ આવી  પહોંચનાર છે.

ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પ્રચારના ભુંગળા સાંજે શાંત: રવિવારે મતદાન

જિલ્લાની ગ્રામ પંચાયતોની આ ચૂંટણી માટે 964 મતદાન  મથકો તૈયાર કરવામાં આવેલ છે જેમાં 358 મતદાન મથકો સંવેદનશીલ અને  61 મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવેલ  છે જેના પર ખાસ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવશે. તેમજ ચૂંટણી પ્રક્રિયા  શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય થાય અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને  તે માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. જિલ્લાના 413 ગામોના મતદાન બૂથો પર 1089 મતપેટીઓ મૂકવામાં આવી છે. 144-144 ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી ઉપરાંત 5501 પોલીંગ સ્ટાફ મળી કુલ 5789 કર્મચારીઓને આ ચૂંટણીમાં ફરજ બજાવનાર છે જેઓ શનિવારે જ મતદાન મથકો ઉપર પહોંચી જશે.

તેમજ આ ચૂંટણીમાં 7.4ર લાખ મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે.  આવતીકાલ સાંજથી પ્રચાર પડઘમ શાંત પડનાર હોય ઉમેદવારો ગ્રુપ બેઠકો  અને ડોર ટુ ડોર પ્રચારનો ધમધમાટ શરુ કરશે. આ ચૂંટણીના આડે હવે માત્ર  ગણતરીના દિવસો બાકી રહ્યા હોય ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીના માહોલ  ગરમાયો છે. દરમિયાન આ વખતે સમરસ ગ્રામ પંચાયતોની સંખ્યામાં ખાસ્સો  ઘટાડો થવા પામેલ છે. ધારણા મુજબ પંચાયતો સમરસ બની નથી. જેના  પગલે હવે જિલ્લાના 413 ગામોમાં યોજાનાર પંચાયતોની ચૂંટણીમાં બેઠકો  કબજે કરવા માટે ઉમેદવારોએ છેલ્લી ઘડીના પ્રયાસો શરુ કરી દીધા છે.

આ  ચૂંટણીની મતગણતરી આગામી તા. ર1નાં તાલુકા મથકો પર વિવિધ 118  હોલમાં કરવામાં આવનાર છે.રાજકોટ ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં આવતી ગ્રામ પંચાયતોમાં 1155થી વધુ જવાનોનો બંદોબસ્ત નક્કી કરાયો છે.  રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું હતું કે, 8ર6 બુથો પર 1155થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત રહેશે. ઉપરાંત જે કર્મચારી-અધિકારી ભરતી પ્રક્રિયામાં ફરજ પર ગયા છે તે પણ ચૂંટણી બંદોબસ્ત માટે પરત ફરશે.

અમને કુલ ફોર્સના 80 ટકા ફોર્સનો ઉપયોગ ચૂંટણી બંદોબસ્ત માટે કરવા છુટ મળી છે જેથી સંવેદનશીલ અતિ સંવેદનશીલ વિસ્તારોમાં ફલેગ માર્ચ, ફુટ પેટ્રોલિંગ અત્યારથી જ શરૂ કરી દેવાયું છે. સંવેદનશીલ અને અતિ સંવેદન શીલ તરીકે ઓળખાયેલા ગ્રામ પંચાયતનો-બુથોમાં સતત બંદોબસ્ત રખાયો છે   ગ્રામ્ય વિસ્તારમાં પડધરી, ખીરસરા, મેટોડા, મોવિયા વગેરે ગામોમાં અમે ખુદ જઈ પેટ્રોલિંગ ર્ક્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.