રાજ્યભરમાં ૧૨૫થી વધુ શહેરોમાં રોડ-રસ્તા બ્લોક, જીવન જરૂરી ચીજવસ્તુ, પરિવહન સેવા પર ભારત બંધની મજબૂત અસર: પોલીસનો કડક જાપ્તો, દેખાવો જારી
મુખ્યમંત્રી અમરિન્દરસિંઘે દેખાવકારો સામે ગુના દાખલ ન કરવાની અગાઉ થઈ ચૂકેલી જાહેરાતથી દેખાવકારો બિન્દાસ બની રસ્તા પર ઘુમી વળ્યા: સુરક્ષાના કડક જાપ્તા વચ્ચે વ્યાપક બંધ: અજંપાના માહોલમાં જો કે ક્યાંય જાનમાલની ખુવારીના અહેવાલો નથી
ખેતી વિધેયકના પગલે વિપક્ષ અને કિસાન સંગઠનોએ આપેલા ભારત બંધના એલાનની પંજાબ અને હરિયાણામાં સવિશેષ અસર જોવા મળી રહી છે. મુખ્યમંત્રી અમરિન્દરસિંઘે પ્રારંભમાં જ દેખાવકારો સામે ગુના દાખલ ન કરવામાં આવેલી જાહેરાતથી દેખાવકારો, કિસાન સંગઠનો અને તમામ રાજકીય પક્ષના કાર્યકરો બિનદાસ્ત બની રસ્તા પર ઘુમી વળ્યા હતા. પંજાબ-હરિયાણામાં કોંગ્રેસ, વિપક્ષો અને ખેડૂત સંગઠનોએ એક સામટા ખેતી બીલનો વિરોધ કર્યો હતો.
આજે સવારથી જ શરૂ થયેલા આંદોલનકારી કાર્યક્રમોમાં પંજાબમાં ૧૨૫ જગ્યાએ દેખાવોના પગલે સમગ્ર રાજ્યમાં જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો, પરિવહન સેવા અને જનજીવન ઠપ્પ થઈ ગયું હતું. પંજાબમાં ભટીંડા, પટીયાલા, મોગરા, ફિરોજપુર, બરનાલા, ફરીદકોટ, મુક્તસર, માનમા અને માલવાપરાના જિલ્લામાં અખિલ ભારતીય કિસાન સંઘ સમીતી દ્વારા ૧૨૫ જગ્યાએ વ્યાપક દેખાવો કર્યા હતા. આજે સવારથી જ ધંધા-રોજગાર ચાલુ થયા ન હતા અને બજારો સજ્જડપણે બંધ રહેવા પામી હતી.
જલંધરમાં વિશેષ દેખાવો યોજાયા હતા. સમગ્ર રાજ્યમાં જીવન જરૂરી વસ્તુ શાકભાજી, બજારો સંપૂર્ણપણે બંધ રહેવા પામી હતી. પટીયાલામાં હજારો ખેડૂતો રસ્તા પર ઉતરી જતા દૂધ, પોલ્ટ્રી પેદાશો અને ખાવા-પીવાની ચીજો રસ્તા વચ્ચે અટવાઈ હતી. દેખાવકારોએ છસીસગઢ, ભટીંડા રાષ્ટ્રીય ધોરી માર્ગ બ્લોક કર્યો હતો. દેખાવકારોએ ખરડો પાછો નહીં ખેંચાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરત અને રેલ સેવા અટકાવી દેવાની ચિમકી આપી હતી. કોંગ્રેસના ધારાસભ્ય હરજીત કમલે સરકારના આ પગલાને કિસાન વિરોધી ગણાવીને સમગ્ર દેશને અરાજકતા તરફ ધકેલી દીધાનો આક્ષેપ કર્યો હતો. આ લખાય છે ત્યારે પણ પંજાબ અને હરિયાણા અને અન્ય રાજ્યોમાં કિસાન આંદોલનના પગલે અજંપાભરી શાંતિ પ્રવર્તી રહી છે. કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં કેન્દ્રીય સુરક્ષા દળો અને સીમા સુરક્ષા દળો અને રાજ્યની અનામત પોલીસને તૈનાત કરવામાં આવી છે.
વિમાન મથકો, બંદરો પછી ખેતીને સોનાની સાશક પર ઉદ્યોગપતિઓને લ્હાણી: કોંગ્રેસ
અખિલ ભારતીય કોંગ્રેસ સમીતી ગુજરાતના ઈન્ચાર્જ રાજીવ સાતવે ગુરૂવારે અમદાવાદમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર પોતાના મળતીયા મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને ખેતીને સોનાની સાશક પર ધરી દેવા માંગે છે. તેમણે જણાવ્યું હતું કે, ખેતી સંલગ્ન ત્રણ કાયદાઓ દ્વારા કેન્દ્ર સરકાર ખેડૂતોના હિતને મોટુ નુકશાન કરી રહી છે. આ કાયદામાં ક્યાંય લઘુતમ ટેકાના ભાવોનું વર્ણન નથી. ખેડૂતોને ભાજપ દ્વારા મોટાપાયે ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યાં છે. વિમાન મથકો, બંદરો બાદ હવે ખેતી ક્ષેત્રને ઉદ્યોગપતિને હવાલે કરવામાં આવી રહ્યાં છે. ખેડૂતોને ખુબ મોટુ નુકશાન થશે કારણ કે, નવા ખેતી કાયદાથી તેમનું અહિત થવાનું છે તેથી જ કોંગ્રેસ અને અન્ય ૧૨ પક્ષ તેનો વિરોધ કરી રહ્યાં છે.
ખેડૂતો સાથે અડધી રાત્રે પણ વાત કરવા સરકારની તત્પરતા
ખેતી બીલ મુદ્દે ઉભા થયેલા વિવાદને લઈને સરકારે પોતાનો સ્ટેન્ડ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે, ખેડૂત મુદ્દે સ્પષ્ટ નીતિ ધરાવે છે. કોંગ્રેસ બે મોઢાની રાજનીતિ કરે છે. રાહુલ ગાંધી પોતે પોતાના પક્ષના ચૂંટણી એજન્ડાને અવગણે છે. તેમણે આપેલું વચન મુજબ મોદી સરકારે કામ કર્યું છે. ભાજપના નેતા કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, ખેતી અને ખેડૂતોના ઉદ્ધાર માટેના આ કૃષિ વિધેયક અંગે ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહયાં છે. કોંગ્રેસ બે મોઢાની વાત કરે છે. તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતો સાથે અડધી રાત્રે પણ વાત કરવા સરકાર તત્પર છે.