ટાઇગર ઝિંદા હૈ ?
એફએસએલમાં વાઘના અંગોને તપાસ અર્થે મોકલવામાં આવ્યા
બોલીવુડમાં એક ખુબજ રોમાંચક પિકચર આવ્યું હતું ‘ટાઈગર ઝીંદા હૈ’ ત્યારે તે જ પરિસ્થિતિ જાણે વડોદરામાં ઘટી હોય તેવું સામે આવ્યું હતું. જી હા, વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશથી આવેલા વાઘને ઘણા ખરા લોકોએ ગુજરાતમાં જોયો હતો અને તેના વિડિયો પણ વાયરલ થયા હતા. પરંતુ વાઘ જે ગુજરાતમાં ઘુસ્યો હતો તેનો કોહવાયેલો મૃતદેહ સામે આવતા અનેકવિધ તર્ક-વિતર્કો સામે આવ્યા છે.
વડોદરાના મહિસાગર જિલ્લામાં આવેલા સીગ્નાલી જંગલમાં વાઘ રહ્યાં હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું જેની પુષ્ટી ત્યારે થઈ હતી જયારે વાઘનો કોહવાયેલો મૃતદેહ સાંજના ૫ વાગ્યાના સમય દરમિયાન મળ્યો હતો. આ અંગે વડોદરાના ચિફ ક્ધઝવેટર ઓફ ફોરેસ્ટ એસ.કે.શ્રીવાસ્તવે માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લે તે જે સ્થળ ઉપરથી તેનો મૃતદેહ મળ્યો તેનાથી ૧૨ કિલોમીટર દૂર આગલા અઠવાડિયે તે કેમેરાની નજરે ચડયો હતો.
એવી જ રીતે એડિશ્નલ ચિફ સેક્રેટરી ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટના રાજીવ ગુપ્તાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં વાઘ ૨ થી ૩ દિવસ પહેલા મૃત્યુ પામ્યો હતો તે પણ સ્પષ્ટ થયું હતું. ત્યારે એફએસએલમાં વાઘના શરીરના અનેક પાર્ટને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા.
ત્યારે તપાસમાં એ સ્પષ્ટ થયું છે કે, વાઘનો આગલો પગ પણ કયાંકને કયાંક ગુમ થયાનું સામે આવ્યું છે જે અનેક તર્ક-વિતર્કો ઉભા કરે છે જે વાઘનો મૃતદેહ મળી આવ્યો તે ૫ થી ૭ વર્ષની ઉંમરનો માનવામાં આવે તે મધ્યપ્રદેશની બોર્ડર ક્રોસ કરી ગુજરાતમાં ઘુસ્યો હતો જેને ફેબ્રુઆરી ૬ના રોજ બોરીયા ગામ ખાતે લોકલ સ્કૂલ ટીચર દ્વારા તેનો ફોટો પાડવામાં આવ્યો હતો કે જે રોડને ઓળંગી પહેલેપાર જતા નજરે પડયો હતો.
ફોરેસ્ટ વિભાગ દ્વારા તેને પકડવા ટ્રેપ કેમેરા પણ ગોઠવવામાં આવ્યા હતા જેમાં તે સંતરામપુરથી ૨ કિ.મી. દૂર કેમેરાની નજરે ચડયો હતો ફેબ્રુઆરી ૧૨ના રોજ. ત્યારે વાત કરવામાં આવે તો ફોરેસ્ટ વિભાગ અને સ્થાનિક લોકોને પણ વાઘને કઈ રીતે પકડવો અને કઈ રીતે તેને સાચવવો તે વિશેની કોઈપણ તાલીમ ન હોવાના કારણે તેનું સંરક્ષણ કઈ રીતે થઈ શકે તે મુખ્ય પ્રશ્ર્ન ઉદભવીત થયો હતો અને જેના કારણે હાલ વાઘનું જયારે મૃત્યુ નિપજયું છે ત્યારે અનેકવિધ તર્ક-વિતર્કો સામે આવ્યા છે કે કોના દ્વારા તેની હત્યા કરવામાં આવી છે.