મહિસાગર જિલ્લાના બોરીયા ગામના શિક્ષકે વાઘ જોઈ તેનો ફોટો પાડી સોશિયલ મીડિયા પર શેર કરતા ગણતરીની કલાકોમાં જ વાયરલ, જંગલખાતુ પણ સક્રિય
સાવજોની ધરતી ગણાતા સૌરાષ્ટ્રમાં સિંહોનો દબદબો પહેલેથી જ રહ્યો છે અને વિશ્વભરના ટુરીસ્ટોનું આકર્ષણ સાવજો રહ્યાં છે ત્યારે દશકામાં પ્રથમ વખત ગુજરાતમાં વાઘની પણ એન્ટ્રી થયા હોવાનું ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું. મહિસાગર જિલ્લાના લુનાવાળા તાલુકામાં એક રોડ પરથી વાઘ પસાર થતી વખતે કોઈએ ફોટો પાડી સોશીયલ મીડિયા ઉપર શેયર કર્યો હતો. આ ફોટો ગણતરીની કલાકોમાં જ વાયરલ થયો હતો.
મહેસાણાના બોરીયા ગામના સરકારી શિક્ષક મહેશ મહેરાએ રવિવારે કહ્યું હતું કે, તેમણે ગામ નજીક વાઘને પસાર થતાં જોયો હતો. અમદાવાદથી ૧૨૦ કિ.મી. દૂર ૬ ફેબ્રુઆરીના રોજ તેમણે મોબાઈલમાં વાઘનો ફોટો પાડી સોશીયલ મીડિયા પ્લેટફોર્મ પર મુકયો હતો. થોડા જ સમયમાં આ ફોટો વાયરલ થતાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ વાઘ હોવાની જાણ થઈ હતી. મહેરાના દાવા બાદ જંગલ વિભાગે બે કેમેરા વાઘની શોધમાં રાખ્યા હતા.
વન વિભાગના અધિકારી શકસેનાએ કહ્યું હતું કે, રાજસ્થાન અને મધ્યપ્રદેશ ૧૦૦ કિ.મી. જેટલી દૂરીએ છે. આશ્ચર્યજનક વાત છે કે, ગુજરાતમાં આટલે દૂરથી વાઘ શરણે આવ્યા છે. અમે તેમના ફૂટ પ્રિન્ટસ શોધી રહ્યાં છીએ.