ફેશન વર્લ્ડમાં કલર, ડિઝાઇન અને પ્રિન્ટનું રોટેશન સતત ચાલ્યા કરે છે. થોડા સમય પહેલાં આઉટડેટેડ ગણાતી ડિઝાઇન બે-પાંચ વર્ષે નવા ઇનોવેશન સાથે ફરીથી માર્કેટમાં આવી જાય છે. ૨૦૧૯માં ટાઈ ઍન્ડ ડાઈ પ્રિન્ટ ફરી ફેશન ટ્રેન્ડ બની છે. ગરમીમાં રવેત અને આછા રંગનાં સિમ્પલ કોટનનાં વસ્ત્રો પહેરીને કંટાળી ગયા હો તો આ વર્ષે ટાઈ ઍન્ડ ડાઈ પ્રિન્ટ ટ્રાય કરો. કોટન મટીરિયલમાં આ પ્રિન્ટ તમને કૂલ ઍન્ડ ટ્રેન્ડી લુક આપશે.
કોટનના જાડા કાપડ પર કરવામાં આવતી આ પ્રિન્ટમાં મોટા ભાગે ડાર્ક કલર વપરાય છે. આપણે ત્યાં કચ્છની બાંધણી અને લહેરિયામાં ટાઈ ઍન્ડ ડાઈ પ્રિન્ટ પહેલેથી જ પોપ્યુલર રહી છે. વાઇટ કોટન મટીરિયલ પર ડિફરન્ટ કલર્સ વાપરી ડાઈને સ્પ્રેડ કરી ડિઝાઇન બનાવવામાં આવે છે. બાંધણી ઉપરાંત હવે કુર્તી, લોન્ગ સ્કર્ટ, ક્રોપ ટોપ, અને શર્ટ જેવા આઉટફિટમાં પણ જોવા મળતાં ફેશન ટ્રેન્ડ બની ગઈ છે. ટાઈ ઍન્ડ ડાઈ કરેલાં શર્ટ તો યુનિસેક્સ છે.
ટાઈ ઍન્ડ ડાઈ પ્રિન્ટની શોધ આમ તો ભારતમાં જ થઈ છે, પરંતુ સાડી સિવાયનાં વસ્ત્રોમાં એની પોપ્યુલારિટી વેસ્ટર્ન કલ્ચરને આભારી છે. વર્ષ ૨૦૧૪માં કચ્છના અલી મહમદ ઓસમાણને બાંધણીમાં ટાઈ ઍન્ડ ડાઈ પ્રિન્ટ માટે રાષ્ટ્રીય અવોર્ડ આપવામાં આવ્યા બાદ આ પ્રિન્ટ કેટલાક વિદેશી ફેશન ડિઝાઇનરોના ધ્યાનમાં આવી હતી. જોકે, સાઠના દાયકામાં આ પ્રિન્ટ કાઉન્ટર કલ્ચરના પ્રતીક તરીકે ઓળખાતી હતી.
રૂઢિચુસ્ત સમાજમાં રંગભેદની નીતિનો વિરોધ કરતી આ ફેશન દ્વારા સ્વતંત્રતાની અભિવ્યક્તિનો સંદેશ પાઠવવામાં આવતો હતો. પોલિટિકલ પ્રતિક્રિયા માટે વપરાતી ટાઇ ઍન્ડ ડાઈ પ્રિન્ટે હવે ફેશનજગતમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે. ટાઈ ઍન્ડ ડાઈ પ્રિન્ટ કરેલા વેસ્ટર્ન ડ્રેસ યંગસ્ટર્સને સેકસી અને કુર્તી અને ડ્રેસ જેવા આઉટફિટ મહિલાઓને કૂલ લુક આપે છે. માત્ર, ડ્રેસ જ નહીં, શૂઝ અને બેગ્સમાં પણ ટાઈ ઍન્ડ ડાઈ પ્રિન્ટ પોપ્યુલર છે.