સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સડકમાર્ગનું ભારણ ઓછું કરનાર ઘોઘા-દહેજ રો-પેક્સ ફેરી સર્વિસ વધુ એક વખત ઠપ્પ થઇ ગઇ છે. ગત બુધવારથી શિપના કોઇ તકનીકી કારણોસર નહીં, પરંતુ ટિકિટ બૂકિંગના મુખ્ય એજન્ટ દ્વારા સોફ્ટવેરમાં ગોટાળા કરી અને ગ્રાહકો પાસેથી નિયત દરથી વધુ નાણાં ખંખેરવામાં આવી રહ્યા હોવાની બાબત પ્રકાશમાં આવતા કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
8મી એપ્રિલથી ફેરી સેવા પુન: કાર્યાન્વિત કરવામાં આવશે
કોન્ટ્રાક્ટરના જણાવ્યા પ્રમાણે પેસેન્જરોની સુવિધા માટે ભાવનગરમાં તન્ના ટ્રાવેલ્સને બૂકીંગ માટે મેઇન એજન્સી આપવામાં આવી હતી અને તેઓએ થોડા પેટા એજન્ટોની નિમણૂંક કરી હતી. કોમ્પ્યુટર સોફ્ટરવેરમાં ફેરફાર કરી અમારી જેવી ટિકિટ છપાવી અમારા નિયત દરથી વધુ નાણાં તેઓ પેસેન્જરો પાસેથી વસુલી રહ્યા હતા અને તે સમગ્ર બાબત પ્રકાશમાં આવતા અમે કાનૂની પ્રક્રિયા હાથ ધરવાનું નક્કી કર્યુ છે.
દરમિયાન અમારા હિત શત્રુઓએ ફેરી સર્વિસ બંધ થઇ ગઇ હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા કર્યા હતા અને ડાયરેક્ટ બૂકિંગ માંડ 2થી 4 ટકા આવી રહ્યું હતું, તેથી હંગામી ધોરણે ફેરી સર્વિસ બંધ કરી અને રૂટિન મેનટેનન્સનું કામ પણ કરાવી લીધુ છે. 8મી એપ્રિલથી ફેરી સેવા પુન: કાર્યાન્વિત કરવામાં આવશે.