લેધર-વુલર જેકેટ, ગરમ ટોપી, ફેન્સી શાલ, ફેશનેબલ મોજા સહિતના ‘ઢાંકા-ઢુંમ્બાના’ ગરમ વસ્ત્રો ઉપલબ્ધ
કલરફુલ લેધર જેકેટ, કાર્ટુન પ્રિન્ટેડ સ્વેટર્સ અને પચરંગી ટોપીઓ યુવાઓમાં આકર્ષણ જમાવ્યું
ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં હળવી ગુલાબી ઠંડી અને ઝાકળવર્ષાનો પ્રારંભ થઈ ચૂકયો છે એમાય ટાઢના ચમકારાની શઆતમાં જ દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરનાં ભુતખાના ચોકમાં રંગબેરંગી ગરમ વસ્ત્રોથી તિબેટીયન બજાર છલકાઈ ઉઠી છે. અને અત્યારથી જ લોકો સ્વેટરની ખરીદી કરવા લાગ્યા છે. આશરે ૩૦ જેટલા વિવિધ સ્ટોલમાં લેધરજેકેટ, ફેન્સી રંગીન જેકેટ, મફલર, ટોપી, ગરમ ટ્રાઉઝર્સ, ટી-શર્ટ, નાના બાળકોના મોઝા, શાલ, કિમોનો, ફેન્સી મોજા અને શરીરને હુંફ આપતી દરેક ચીજ વસ્તુઓ આ સ્ટોલમાં ઉપલબ્ધ છે. દર વર્ષે ભરાતી તિબેટિયન બજારમાં દાર્જિલીગ,તિબેટ, નેપાળ સહિતના રાજયોના લોકો ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રભરમાં વેપલો કરી ભારે કમાણી કરે છે. અને સામાન્ય બજારમાં મળતુ વસ્તુઓ કરતા અલગ વેરાયટી મળવાથી વધુ લોકો તિબેટીયન માર્કેટ તરફ આકર્ષાય છે.
ભૂતખાના ચોક ઉપરાંત આમ્રપાલી ફાટક રોડ, કે.કે.વી. હોલ સહિતના સ્થળોએ અન્ય રાજયોના લોકો આ પ્રકારનાં સિઝન સ્ટોર નાખીને કમાણી કરે છે. આ પ્રકારની સીઝન સ્ટોર અને તિબેટીયન માર્કેટને લોકોનો બહોળો પ્રતિસાદ પણ મળે છે. વળી ઠંડી પણ ધીમેધીમે જામવા લાગી હોવાથી લોકો ‘ઢાકો-ઢૂંબો’ એકઠો કરી રહ્યા છે.