દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે લીધેલી ગુજરાતની મુલાકાતથી આમ આદમી પાર્ટી રાજકીય વર્તુળોના ચર્ચાના કેન્દ્રમાં આવી ચૂકી છે. સાથે સાથે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આપ તમામ 182 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે તેવી જાહેરાતથી આપે રાજકીય માહોલ ગરમ કરી દીધો છે ત્યારે રાજકીય તજજ્ઞો અને બુદ્ધિજીવી નાગરિકોમાં આપના રાજકીય પ્રભાવ અને ગુજરાતના રાજકારણમાં આપની હિસ્સેદારી કેટલો પ્રભાવ ઉભો કરશે તે અંગેની ચર્ચા શરૂ થઈ છે.
અમદાવાદમાં કેજરીવાલે મુખ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન કરીને યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને સંબોધી જણાવ્યું હતું કે, ‘આપ’ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસનો વિકલ્પ બનીને આગળ વધી રહી છે. ગુજરાતના લોકો એવું વિચારી રહ્યાં છે કે, દિલ્હીમાં જો વીજળી મફત મળતી હોય તો અહીં શા માટે નહીં, હોસ્પિટલ અને શાળાઓની સારી ગુણવત્તા અને સેવા અહીં 70 વર્ષથી સુધરી નથી તે હવે બદલાશે.
દિલ્હીમાં ફાવેલા અરવિંદ કેજરીવાલનું ગુજરાતનું આગમન કહીં પે નિગાહે, કહીં પે નિશાના જેવું?: આપને ગુજરાતમાં 10 ટકા વોટ શેરીંગનું લક્ષ્ય, રાષ્ટ્રીયપક્ષના દરજજાની મહત્વાકાંક્ષા માટે આપની એન્ટ્રી?
અરવિંદ કેજરીવાલની ગુજરાતના રાજકારણમાં પગ જમાવવાની આશા કેટલી ફળીભૂત થાય છે તે જોવાનું રહ્યું છે. વર્તમાન પરિસ્થિતિમાં આપની જનાધારની દ્રષ્ટિએ ગુજરાતમાં લોટમાં મીઠા જેવી ખુબજ ઓછા પ્રમાણમાં હિસ્સેદારી છે. 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ગુજરાતની પરિસ્થિતિને સામે રાખીએ તો ગુજરાતમાં અને ગોવામાં આપને જનાધારમાં બહુ પ્રતિભાવ મળ્યો નહોતો. 2017માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 182 બેઠકોમાં ઉમેદવાર ઉતાર્યા હતા અને 99માં વિજય મેળવ્યો હતો અને 1.47 કરોડ મતો સાથે 49.05 ટકા મતની ટકાવારી પ્રાપ્ત કરી હતી.
કોંગ્રેસે 177 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 77માં વિજય મેળવી 1.24 કરોડ મતો સાથે 41.44 ટકા વોટ શેરીંગ પ્રાપ્ત કર્યું હતું. જ્યારે આપે 29 બેઠકો પર ઉતારેલા ઉમેદવારોમાંથી એકપણ જીતી શક્યો નહોતો અને ડિપોઝીટ પણ ગુમાવવા જેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી. રાજ્યમાંથી માત્ર 0.1 ટકા વોટ શેરીંગ સાથે 29500 મતો આપને મળ્યા હતા. બીજી તરફ ભારતીય ટ્રીબલ પાર્ટીએ 6 બેઠક પરથી ચૂંટણી લડી અને 2માં વિજય મેળવ્યો હતો અને 0.74 ટકા વોટ શેરીંગ પ્રાપ્ત કર્યું હતું.
શરદ પવારની એનસીપીએ 58 બેઠકો પરની ચૂંટણી લડી હતી, એકમાં વિજય અને 0.62 ટકા વોટ શેરીંગ મેળવ્યું હતું. ભાજપના 50 ટકા વોટ શેરીંગ, કોંગ્રેસના 40 ટકા વોટર શેરીંગ સામે આમ આદમી પાર્ટીએ 0.1 ટકા જનાધાર મેળવ્યો હતો. અત્યારની પરિસ્થિતિમાં જોવા જઈએ તો ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસનો વિકલ્પ બનવાનું આમ આદમી પાર્ટીનું સપનું જોજનો દૂર દેખાઈ રહ્યું છે. માત્રને માત્ર ભાજપ અને કોંગ્રેસના મતોમાં ભાગ પડાવીને આમ આદમી પાર્ટી પોતાના વોટ શેરીંગનો હિસ્સો 10 ટકા સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખતી હોય તેવું દેખાઈ રહ્યું છે.
રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મેળવવા આમ આદમી પાર્ટીએ દિલ્હી બહાર ચૂંટણી લડવી પડે અને તેમાં ઓછામાં ઓછા 10 ટકા જેટલું વોટ શેરીંગ અનિવાર્ય બન્યું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસના વિકલ્પ તરીકે પોતાને પ્રસ્થાપિત કરવા માંગે છે પરંતુ 2017ની પરિસ્થિતિ જોવા જઈ એ તો માત્ર એનટી બીજેપી મતો મેળવી કોંગ્રેસ માટે આફતરૂપ બની હતી. ગોવામાં પણ આપ કોંગ્રેસને નુકશાનકર્તા સાબીત થઈ હતી. ગોવામાં 6.27 ટકા વોટ શેરીંગ માટે આપ નીમીત બન્યું હતું. બીજી તરફ ભાજપે 13 બેઠકો સાથે 32.48 ટકા જેટલું વોટ શેરીંગ કર્યું હતું. ગુજરાતમાં વિજયના દાવા અને જીતના સપના જોતા અરવિંદ કેજરીવાલ આપને સમગ્ર દેશમાં વિસ્તારવાના મનસુબા સાથે આવ્યા છે.
2022માં ગુજરાતની તમામ બેઠકો પર ઉમેદવારની જાહેરાત કરનાર અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં જીતવા નહીં પણ 10 ટકા જેટલા વોટ શેરીંગ સાથે રાષ્ટ્રીય પક્ષના દરજ્જાનો પરવાનો રિન્યુ કરવા આવ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે.ગુજરાતમાં આમ આદમી પાર્ટીના આગમનથી કોને શું ફર્ક પડશે તેની ચર્ચા શરૂ થઈ છે પરંતુ રાજકીય મુસદીઓ અરવિંદ કેજરીવાલના ગુજરાતના આગમનને જરા અલગ રીતે મુલ્વી રહ્યાં છે.
દિલ્હીમાં સફળ રહેલા કેજરીવાલની રાજકીય રણનીતિમાં ગુજરાત અને ગુજરાતીઓના હિતની ખેવના કરતા આમ આદમી પાર્ટીને દિલ્હી બહાર ગુજરાત સહિતના રાજ્યોમાં ફેલાવીને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં 0.1 ટકાના અગાઉના વોટ શેરીંગથી આપને 10 ટકા સુધીના મત મેળવવા પુરતી સમર્થ બનાવીને આપને અરવિંદ કેજરીવાલ રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપવાની મહત્વકાંક્ષા પૂરી કરવા ગુજરાતને નીમીત બનાવવા માંગતા હોય તેવું ચિત્ર મુસદ્દીઓના માનસપટ પર છવાયું છે.