છેલ્લા 24 કલાકમાં રાજ્યના 130 તાલુકામાં વરસાદ: સૌથી વધુ મેંદરડાના મીઠાપુરમાં પાંચ ઇંચ, તાલાલામાં અઢી ઇંચ તેમજ કાલાવડ, બોટાદ, વંથલી, વિસાવદર, પાલીતાણા અને જસદણમાં બે ઇંચ વરસાદ: કાલાવડના મૂળીયા ગામે ભારે વરસાદના કારણે નદી પરનો પુલ તૂટ્યો, બાળકોનું રેસ્ક્યૂ કરાયું, અનેક ગામો સંપર્ક વિહોણા

ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેસી ગયાના આશરે અઠવાડીયા પછી રવિવારથી જ સૌરાષ્ટ્રના લગભગ તમામ વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ વરસ્યો હતો. રવિવારે બપોર પછી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. આજે સવારથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના 84 તાલુકામાં મેઘાવી માહોલ છવાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 130 તાલુકામાં વરસાદ થતા જગનો તાત ખુશખુશાલ થયો છે તેમજ ગરમી અને બફારાથી પણ લોકોને રાહત મળી છે. જૂનાગઢના મેંદરડામાં બે કલાકમાં ધોધમાર ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. સ્થાનિક નદીઓમાં પૂર આવતા એક ખેડૂત તણાયો હોવાની પણ વિગત સામે આવી હતી. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ હળવા ઝાપટાંથી લઇને અઢી થી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. આખરે ઠંડા પવન સાથે વરસાદ વરસતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો અને ખેડૂતોના ચહેરા પણ મલકાઇ ઉઠ્યા હતા.

જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જિલ્લામાં સાર્વત્રિત મેંદરડા પંથકમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો મીઠાપુરમાં બે કલાકમાં ધોધમાર પાંચ ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. જિલ્લાના વંથલીમાં બે ઇંચ, જૂનાગઢ શહેરમાં સવા બે ઇંચ, વિસાવદરમાં બે ઇંચ, કેશોદ અને માળીયા હાટીના પોણો ઇંચ, જૂનાગઢ શહેર તાલુકામાં દોઢ ઇંચ વરસાદ વરસી ચુક્યો છે. જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસતા બિલખા રોડ પર વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા.

મોરબી શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ મેઘમહેર જોવા મળી હતી. રવિવારે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને સાંજના સમયે પવન સાથે તોફાની વરસાદ શરૂ થયો હતો.

અમરેલીના રાજુલા પોસ્ટલ બેલ્ટ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થયું હતું. દોડીયા, માંદરડ, મોરગી, દેવકા કુંભારીયા, ખાંભલીયા સહિત ગામમાં વરસાદ વરસ્યો હતો. બીજી બાજુ અમરેલી તાલુકાના ગોખરવાડા, દેવળીયામાં પણ ધોધમાર વરસાદ પડતા ગામની બજારોમાં પાણી વહેતા થયા હતા. લાઠીમાં પણ ધોધમાર ઝાપટું પડવાને કારણે શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ધારી પંથકના ગીરકાંઠાના ગામોમાં વરસાદ વરસતા શેત્રુંજી નદી પ્રથમવાર સીઝનમાં બે કાંઠે વહેતી જોવા મળી હતી.

જામનગર જિલ્લાના કાલાવડ શહેર ઉપરાંત ખરેડી, જશાપર, ખીજડીયા અને વડલા સહિતના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીરમાં સાર્વત્રિક અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો તો કોડીનારના દોડાસા ગામે એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. પોરબંદર જિલ્લાના બરડા પંથકના ગામોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. આ બાજુ દ્વારકા જિલ્લામાં પણ આજે સવારથી જ વરસાદ શરૂ છે તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. જેમાં ચુડા પંથકમાં નોંધપાત્ર દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદથી ચુડા પાસેનો ડેમ ઓવરફ્લો થયો હતો અને નદીઓમાં નવા નીર આવ્યા હતા. ધાંગધ્રા અને સાયલા તાલુકાના ગામમાં પણ વરસાદ વરસ્યો હતો.

ત્રણ દિવસ દરમિયાન સારો વરસાદ થવાની વકી

રાજ્યમાં 11મી તારીખથી સ્થિર થયેલું ચોમાસુ 13માં દિવસ બાદ ધીરેધીરે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ નેઋત્ય ચોમાસુ આગળ વધે તેવી સાનૂકૂળ પરિસ્થિતિ સર્જાઇ છે. આ ઉપરાંત સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સર્જાયું છે. જેના કારણે ત્રણ દિવસ દરમિયાન રાજ્યભરમાં સારા વરસાદની વકી છે. જ્યારે કેટલાક ભાગોમાં તો ભારેથી અતિભારે વરસાદની વકી છે. આગામીમાં બે દિવસ ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભરૂચ, નવસારી અને સુરતમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત નર્મદા, ડાંગ, તાપી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ દરિયાકાંઠા વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે તેમજ ઉત્તર ગુજરાતના દાહોદ, છોટા ઉદેપુરમાં અતિભારે વરસાદ તથા મહિસાગર અને પંચમહાલ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદને કારણે વીજ વ્યવસ્થાને ભારે અસર

ખેતીવાડીના 380 ફીડર બંધ : જૂનાગઢના 3 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો : 59 વીજપોલ ડેમજ થયા

પીજીવીસીએલના કાર્યક્ષેત્રમાં વીજળી જતી રહેવાની કુલ 913 ફરિયાદ નોંધાઇ, જેમાંથી 317 ફરિયાદો પેન્ડિંગ : રાજકોટ શહેરમાં કુલ 249 ફરિયાદ નોંધાઇ, હાલ 88 ફરિયાદો  પેન્ડિંગ : બપોર સુધીમાં તમામ ફરિયાદોનો નિકાલ કરવાના પ્રયાસો

સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના વિસ્તારોમાં ગઈકાલે વરસાદ પડ્યો હતો. જેના કારણે વીજ વ્યવસ્થાને ભારે અસર થઈ છે. પીજીવીસીએલની તમામ ટિમો વીજ પુરવઠો પૂર્વવત કરાવવા સતત ફિલ્ડ ઉપર રહી હતી. હજુ પણ અનેક સ્થળોએ રીપેરીંગ કામ બાકી હોય બપોર સુધીમાં તેને પૂર્ણ કરવા કવાયત હાથ ધરવામાં આવી છે.

છેલ્લા 24 કલાક માં આવેલ ભારે વરસાદ ને કારણે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાંથી પીજીવીસીએલનાં કસ્ટમર કેર સેન્ટરમાં વીજળી જતી રહેવાની કુલ 913 ફરિયાદ નોંધાયેલ હતી. હાલ 317 ફરિયાદો પેન્ડિંગ છે.જ્યારે રાજકોટ શહેરમાં કુલ 249 ફરિયાદ નોંધાયેલ હતી. હાલ 88 ફરિયાદો પેંડિંગ છે.બાકી રહેતી ફરિયાદો આજ બપોર સુધીમાં સોલ્વ કરવા ટેકનિકલ ટીમો ફરજ પર હાજર હોવાનું પીજીવીસીએલ દ્વારા જણાવાયુ છે. ગઈકાલે સાંજે રાજકોટ શહેરમાં આવેલ વરસાદને કારણે સિટી – 2 સબ ડિવિઝન હેઠળનાં ગૌતમ નગર અને સ્ટેશન પ્લોટ ફીડર તેમજ રાજકોટ સિટી – 3 સબ ડિવિઝન હેઠળનાં ગમાણી હોલ, પ્રદ્યુમન નગર, રણુજા, કટારીયા અને ધર્મજીવન ફીડર ફોલ્ટમાં આવતા વીજ પુરવઠો ખોરવાયેલ હતો.

બીજી તરફ સવારે 9 વાગ્યાની સ્થિતીએ જૂનાગઢના 9 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયેલો છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં 49 એગ્રીકલ્ચર ફીડર, મોરબીના 3 એગ્રીકલ્ચર ફીડર, પોરબંદરના 21 એગ્રીકલ્ચર ફીડર, જૂનાગઢના 71 એગ્રીકલ્ચર ફીડર, જામનગરના 187 એગ્રીકલ્ચર ફીડર, ભાવનગરના 8 એગ્રીકલ્ચર ફીડર, બોટાદના 4 એગ્રીકલ્ચર ફીડર, અમરેલીના 31 એગ્રીકલ્ચર ફીડર, સુરેન્દ્રનગરના 6 એગ્રીકલ્ચર ફીડર મળી કુલ 380 એગ્રીકલ્ચર ફીડર બંધ થયા છે.  આ ઉપરાંત રાજકોટ ગ્રામ્યમાં 11, જૂનાગઢમા , ભાવનગરમાં 13, અમરેલીમાં 11, સુરેન્દ્રનગરમાં 20 મળી કુલ 59 વીજ પોલ ડેમેજ થયા છે. આ ઉપરાંત પોરબંદરમાં 1 ટીસી ડેમેજ થયું છે. હાલ જ્યાં જ્યાં વીજ તંત્રને અસર થઈ છે. ત્યાં પીજીવીસીએલની ટિમો ફિલ્ડ ઉપર રીપેરીંગ કામ કરી રહી છે. બપોર સુધીમાં તમામ કામ પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આજી-1 ડેમ સહિત સાત જળાશયોમાં નવા નીરની આવક

ફોફળ, ન્યારી-ર, મચ્છુ-ર, બ્રાહ્મણી-ર, ધોળી ધજા અને લીંબડી, ભોગવો-ર ડેમમાં પોણો ફુટ સુધી પાણીની આવક નોંધાય

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં રવિવારે પડેલા સાર્વત્રીક વરસાદના કારણે જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. રાજકોટ સિંચાઇ વર્તુળ પુર એકમ હસ્તકના 7 જળાશયોમાં છેલ્લા ર4 કલાક દરમિયાન નવા નીરની આવક થવા પામી છે. રાજકોટ જીલ્લાના ફોફળ ડેમમાં છેલ્લા ર4 કલાક દરમિયાન 0.10 ફુટ પાણીની આવક થવા પામી છે. આ ઉપરાંત આજી-1 ડેમમાં 0.10 ફુટ પાણી આવ્યું છે. ન્યારી-ર ડેમમાં 0.66 ફુટ પાણી આવ્યું છે. મોરબી જીલ્લાના મચ્છુ-ર ડેમમાં 0.69 ફુટ પાણી આવ્યું છે. બ્રાહ્મણી-ર ડેમમાં 0.16 ફુટ નવા નીરની આવક થવા પામી છુે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.