યુનિ. પોલીસની કારમાં નુકસાન પહોંચાડી ફરજમાં રૂકાવટનો ચાર-મહિલા સહિત ૧૦ સામે નોંધાતો ગુનો
ઓરડીમાંથી ૨૭ બોટલ દારૂ , ખાલી બોટલ ને ખોખા અને બાઈક કબ્જે; બૂટલેગર બંધુની ધરપકડ: સામા પક્ષે માર માર્યાની મહિલાના આક્ષેપ સાથે હોસ્પિટલમાં દાખલ
શહેરનાં-કાલાવડરોડ મોટામવા સ્મશાનની સામે નવદુર્ગાપરાની ઓરડીમાં વિદેશી દારૂના દરોડા વેળાએ યુનિ. પોલીસ મથકના સ્ટાફની ફરજમાં રૂકાવટ કરી સરકારી અને ખાનગી કારમાં પથ્થરમારો કરી નુકશાન કરવાના ગુનામાં નામચીન બે ભાઈની ધરપકડ કરી ૨૭ બોટલ દારૂ અને બાઈક મળી રૂા. ૫૭ હજારનો મુદામાલ કબ્જે કરી નાશી છૂટેલા બે મહિલા સહિત આઠ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાથી મારામારી, ચોરી અને દારૂ જુગારના વધતાજતા ગુનાઓને ડામી દેવા કડક હાથ કામગીરી કરવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આપેલી સુચનાને પગલે યુનિ. પોલીસ મથકના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ.
પેટ્રોલીંગ દરમિયાન મોટામવા સ્મશાનની સામે નવદૂર્ગાપરા શેરી નં. ૩માં અંકિત જયંતિ પરમાર નામના શખ્સે પોતાની ઓરડીમાં વિદેશી દારૂ ઉતાર્યો હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડયો હતો.
દરોડા દરમિયાન લોકોનું ટોળુ એકઠું થઈ પોલીસની ગાડી અને ખાનગી કાર ઉપર પથ્થરમારો કરી નુકશાન કરી પોલીસ સ્ટાફની ફરજમાં રૂકાવટ કર્યાની સિધ્ધાર્થ ઉર્ફે સીધલો મુકેશ વાઘેલા ધર્મદીપ ઉર્પે ધમો મુકેશ વાઘેલા, અંકિત જયંતિ પરમાર, રતિલાલ લાલજી વાઘેલા, તુલશી લાલજી વાઘેલા, હિરેન જયંતિ પરમાર, લક્ષ્મીબેન મુકેશ વાઘેલા, જયાબેન જયંતિ પરમાર, જયોતિબેન સિધ્ધાર્થ વાઘેલા અને રંજનબેન, રતિલાલ વાઘેલા સહિત ૧૦ શખ્સો ગુનો નોંધી પોલીસે સિધ્ધાર્થ ઉર્ફે સીધલો વાઘેલા અને તેના ભાઈ ધર્મદીપ ઉર્ફ ધમો મુકેશ વાઘેલા સહિત બંને બુટલેગર ભાઈની ધરપકડ કરી છે.
પોલીસે દરોડા દરમિયાન સિધ્ધાર્થ ઉર્ફે સીધલો વાઘેલાની ઓરડીમાંથી રૂા.૧૨ હજારની કિંમતનો ૨૭ બોટલ વિદેશી દારૂ, દારૂના ૨૦ ખાલી બોકસ, ૨૨ ખાલી બોટલ, મોબાઈલ અને બાઈક મળી રૂા.૫૭ હજારનો મુદામાલ કબ્જે કર્યો છે.
યુનિ. પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજાની ફરિયાદ પરથી ચાર મહિલા સહિત ૧૦ શખ્સો સામે ગુનો નોંધી નાશી છૂટેલ ચાર મહિલા સહિત છ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.