ત્રણેય ઝોનના સિટી એન્જિનિયરોને મ્યુનિ.કમિશનરની તાકીદ: પેવિંગ બ્લોકના થીંગડા ન લાગે તેવા ખાડા મોરમથી બૂરવા સૂચના
સામાન્ય વરસાદમાં પણ રાજકોટના રાજમાર્ગો પર ફૂટ-ફૂટના ખાડા પડી ગયા છે. જેના કારણે વાહન ચાલકો તૌબા પોકારી ગયા છે. શહેરના ત્રણેય ઝોન વિસ્તારમાં રોડ પરના ખાડા પર પેવિંગ બ્લોકના થીંગડા મારવા મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જે ખાડા પર પેવિંગ બ્લોક ન લાગે તેમ હોય ત્યાં મોરમ પાથરી ખાડા પૂરી દેવા આદેશ આપવામાં આવ્યો છે. તાત્કાલીક અસરથી આ કામગીરી કરવા જણાવવામાં આવ્યું છે.
શહેરમાં હજી માંડ 11 ઇંચ જેટલો છૂટો છવાયો વરસાદ પડ્યો છે ત્યાં રાજકોટની હાલત ખાડાનગરમાં ફેરવાઇ ગઇ છે. શહેરનો એકપણ માર્ગ એવો નથી કે જ્યાં ખાડાનું સામ્રાજ્ય ન હોય. ખાડાના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે ત્યારે શહેરના તમામ વિસ્તારોમાં મુખ્ય રોડ પર પડેલા ખાડાઓ પર પેવિંગ બ્લોકના થીંગડા લગાવી દેવાની સૂચના આપવામાં આવી છે.
જેના કારણે આગામી દિવસોમાં ભારે વરસાદ દરમિયાન વાહન ચાલકોને હાલાકી વેઠવી ન પડે. આટલું જ નહિં જો પેવિંગ બ્લોક લાગે તેમ ન હોય તો તેના પર મોરમ પાથરી હંગામી ધોરણે ખાડાઓ બૂરી દેવા જણાવવામાં આવ્યું છે. શહેરના 150 ફૂટ રીંગ રોડની હાલત સૌથી વધુ બિસ્માર છે. અહીં રોડ પર મસમોટા ખાડા પડ્યા છે અને વાહન ચાલકોની કમર તૂટી જાય તેવી પરિસ્થિતિ સર્જાય છે. કોર્પોરેશન દ્વારા ખાડાઓ પૂરવાની કામગીરી યુદ્વના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.
અન્ડરબ્રિજમાં ભરાતા વરસાદી પાણીનો બગીચાઓમાં ઉપયોગ કરવાની વિચારણાં
ચોમાસાની સિઝન દરમિયાન શહેરના અન્ડરબ્રિજ સ્વીમીંગ પુલમાં પરિવર્તીત થઇ જાય છે. આમ્રપાલી અને લક્ષ્મીનગર અન્ડરબ્રિજના નિર્માણ દરમિયાન વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છેઅને લાખો લીટરની ક્ષમતાના ટાંકા બનાવવામાં આવ્યા છે. બ્રિજમાં વરસાદની સીઝન દરમિયાન ભરાતા પાણીનો ઉપયોગ હવે બગીચાઓમાં ફૂલછોડ માટે કરવામાં આવશે. જો કે, આ હજુ પ્રાથમિક વિચારણાં છે.આ પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે વિગતવાર સમિક્ષા કરવામાં આવશે.