પોલીસે રૂપિયા સાત કરોડથી વધુ રકમની રિકવરી કરી: વર્ષ 2023ના અંત સુધીમાં બીજા તબક્કાની કામગીરી પૂર્ણ કરાશે
ગુજરાત સરકારના ગૃહ વિભાગે શરુ કરેલા વિશ્વાસ પ્રોજેકટનો પ્રથમ તબક્કો સફળતા પુર્વક પુર્ણ થયો. ટ્રાફિક મેનેજમેન્ટ, સલામતી અને ક્રાઈમ પ્રિવેશન માટે શરુ કરાયેલા આ પ્રોજેકટના પગલે પોલીસે 6200થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે અને 950થી વધુ લોકોની ધરપકડ કરી છે. એટલું જ નહીં પોલીસે રૂપિયા સાત કરોડથી વધુ રકમની રિકવરી કરી છે.
ગુજરાત રાજ્યમાં આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી ગુનાખોરી અટકાવવા અને પોલીસને અત્યાધુનિક સુવિધાઓ પુરી પાડી નાગરીકોની સલામતી માટે સજ્જ કરવા વિશ્વાસ પ્રોજેકટનો પ્રથમ તબક્કો શરુ કરવામાં આવ્યો હતો. જેના અંતર્ગત રાજ્યમાં 7000 સીસીટીવી લગાવવામાં આવ્યા છે. આ પ્રોજેકટ અંતર્ગત રાજ્યના 34 જિલ્લા હેડક્વાર્ટર, 41 શહેરો અને 6 આધ્યાત્મિક સ્થળોનો સમાવેશ કરાયો હતો. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય જાહેર સ્થળોની સલામતી, ટ્રાફિક નિયમન અને નિયંત્રણ કરવાનો છે, જેનું ખાસ મોનિટરીંગ જિલ્લા કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી થાય છે.
વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ થયેલી કામગીરી પર નજર કરીએ તો જાહેર સ્થળોની સલામતી, ટ્રાફિક નિયમન અને નિયંત્રણ રખાશે,રાજ્યના 34 જિલ્લા હેડક્વાર્ટર, 41 શહેરો આવરી લેવાયા,રાજ્યભરમાં 7 હજાર સીસીટીવી સ્થાપિત કરાયા, કુલ 10 હજાર બોડી વોર્ન કેમેરા, 15 ડ્રોન કેમેરા અપાયા, અત્યાર સુધીમાં 6200થી વધુ ગુનાઓ ઉકેલાયા,7 કરોડની રકમ રિકવર થઇ, 950થી વધુ લોકોની ધરપકડ,55 કરોડથી વધુ મૂલ્યના ઇ-ચલણ ઇશ્યૂ થયા,ઇ-ચલણની પેમેન્ટ પોર્ટલ દ્વારા પ્રક્રિયા સરળ અને પારદર્શી બનાવાઇ, 2018થી 2021 સુધી રોડ અકસ્માતમાં 19.09 ટકા સુધીનો ઘટાડો, ચોરાયેલા વાહનો માટેની એલર્ટ પ્રણાલી, સીસીટીવીથી ગેરકાયદે પાર્કિંગ, નડતરરૂપ પદાર્થોની ઓળખ થાય છે, બીજા તબક્કામાં 51 શહેરોમાં સીસીટીવી સ્થાપિત કરાશે, બીજા તબક્કામાં 10 હજારથી વધુ સીસીટીવી સ્થાપિત કરાશે, વર્ષ 2023ના અંત સુધીમાં બીજા તબક્કાની કામગીરી પૂર્ણ કરાશે. ગુજરાત સરકારે જનસુરક્ષા માટેના અતિ મહત્વનો એવા આ વિશ્વાસ પ્રોજેક્ટનો વ્યાપ નાના શહેરો સુધી વિસ્તરાવાનો નિર્ણય કર્યો છે. આગામી દિવસોમાં જેના થકી વધુને વધુ લોકોને વધુ સુરક્ષા અને સવલતો મળી રહેશે.