જામનગર, તા.૨૩ ફેબ્રુઆરી: જામનગર શહેરમાં સદભાવના ગૃપ અને પેફી દ્વારા ‘ક્લિન એન્ડ ગ્રીન જામનગર’ ની થીમ હેઠળ બીજી વખત વિશ્વકક્ષાની ‘જામનગર હાફ મેરેથોન-૨૦૧૮’ આગામી તા.૨૫-૦૨-૨૦૧૮ના રોજ યોજાવાની હોય આ મેગા ઇવેન્ટ અંતર્ગત જામનગર શહેરના લોકો સ્વચ્છતા પ્રત્યે વધુ જાગૃતતા કેળવે તેવા આશયથી શહેરના વિવિધ વિસ્તારોમાં ‘રાત્રી સ્વચ્છતા અભિયાન’ ચલાવામાં આવ્યુ હતુ.
આ સ્વચ્છતા અભિયાન હેઠળ જામનગર શહેરના તમામ વોર્ડના વિવિધ વિસ્તારોમાં હાલમાં સફાઇ કાર્ય કરવામાં આવ્યુ હતુ. જેમાં શહેરનાં રોડ રસ્તા અને ગલીઓમાં ‘સફાઇ સેવકો’ દ્વારા સફાઇ અભિયાન હાથ ધરાયુ હતુ. સફાઇ સેવકો દ્વારા રસ્તાઓની સફાઇ, માર્ગો પર ડીડીટીનો છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી હતી. આ કાર્યમાં જોડાયેલ તમામ સેવકો વિનામૂલ્યે અને નિ:સ્વાર્થ ભાવે શહેરને સ્વચ્છ કરવાનું બીડુ ઝડપ્યુ હતુ જે સરાહનીય છે.
સદભાવના ગૃપ જામનગરના પ્રમુખ ધર્મરાજસિંહ જાડેજાના જણાવ્યા મુજબ રાત્રી સ્વચ્છતા અભિયાનને મળેલા પ્રતિસાદને જોતા તેમની સંસ્થા દ્વારા આગામી દિવસોમાં વધુને વધુ પ્રમાણમાં પર્યાવરણ જાગૃતતાના કાર્યો કરવામાં આવશે.
જામનગર શહેરની જનતાને પર્યાવરણ અને સ્વચ્છતા વિશે વધારે જાગૃત કરવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે અને આ અભિયાનમાં જામનગરનાં વધુને વધુ લોકોને જોડી એક ‘મહાસ્વચ્છતા અભિયાન’ શરૂ કરવામાં આવશે જેથી જામનગર શહેરની જનતાને સ્વચ્છ અને સુઘડ વાતાવરણ મળી રહે અને આવનારી પેઢી ખુલ્લા અને સ્વચ્છ વાતાવરણમાં રહી શકે.
આ મેગા ઇવેન્ટ અંતર્ગત સદભાવના ગૃપ અને પેફી દ્વારા ક્લિન એન્ડ ગ્રીન જામનગરની થીમ હેઠળ સ્વચ્છતા પ્રત્યે લોકોમાં વધુ જાગૃતતા કેળવાઇ તેમજ બાળકોમાં રમત ગમત પ્રત્યે રૂચી વધે તેવા ઉમદા હેતુસર સ્કેટીંગ રેલી, બહેનો દ્વારા વોક ફોર જામનગર તેમજ બુલેટરેલી દ્વારા સ્વચ્છતા પ્રત્યેનો સંદેશ પહોંચાડ્યો હતો.
આ તકે જામનગરના લોકોને પણ આ ભગીરથ કાર્યમાં જોડાઇ જામનગરને સ્વચ્છ અને સુઘડ બનાવવા સહયોગ આપવા પેફી ગુજરાતના ચેરમેન ધર્મરાજસિંહ જાડેજા દ્વારા અપીલ કરવામાં આવી છે.