નવી પેઢીને તક મળે અને અમારું ગામ સમરસ બને, એથી રૂડું બીજું શું હોય !!!
“નવી પેઢીને તક મળે અને અમારું ગામ સમરસ બને, એથી રૂડું બીજું શું હોય !” ઉપરોક્ત શબ્દો છે જેતપુર તાલુકાના સરધારપુર ગામના સરપંચ પદના ઉમેદવારશ્રી ચંદ્રિકાબેન ડોબરીયાના…
વાત છે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના આ ખોબા જેવડા સરધારપુર ગામની, જે તાજેતરમાં જ “સમરસ” ગામ બન્યું છે. જેતપુરની સાવ ભાગોળે આવેલ પટેલ,દરબાર,ખાંટ સહિત અન્ય જ્ઞાતિના 2150 મતદારો સહિત આશરે ત્રણેક હજારની વસ્તી ધરાવતા આ સરધારપુર ગ્રામ પંચાયતના આગેવાનોના ઉમદા વિચારો સાથેના કાર્યએ સમગ્ર પંથકમાં પ્રેરણાદાયી રાહ ચીંધ્યો છે
હાલ રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ગામડામાં સરપંચ અને વોર્ડ વાઈઝ સભ્યોની ચુંટણીના ફોર્મ ભરવા માટેની કામગીરી ચાલતી હતી અને એમાં સરધારપુરમાં પણ ગત ટર્મમાં સરપંચ અને ગ્રામ પંચાયતોના સભ્ય તરીકે કાર્યરત એવા તમામ વ્યક્તિઓએ પણ ફોર્મ ભરી ચૂંટણીમાં ઝંપલાવ્યું. ગામમાંથી અન્ય નવી ટીમ બની, એણે પણ ફોર્મ ભરી ચૂંટણી માટે મેદાનમાં આવી
હવે ચૂંટણી યોજાય અને કોઈ એક ગ્રુપ જીતે, એ તો ચૂંટણીમાં થતી સામાન્ય પ્રક્રિયા હતી.પણ આ ગામના આગેવાનશ્રી ભિખુભાઇ ભેડાના મનમાં કંઇક અલગ જ વાત આકાર લઇ રહી હતી. તેઓ ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવતા નાયબ મામલતદાર શ્રી નિખિલ મહેતાને મળ્યાં અને કહયું કે મારું ગામ સમરસ ગ્રામ બને, તે માટે મને માર્ગદર્શન આપો. નિખિલભાઇ તો આ સાંભળીને ખૂબ જ ઉત્સાહિત થયા. અને જણાવ્યું કે સરધારપુરને સમરસ બનાવવા માટે ગામના લોકોનો સંપ અને સહકાર ખૂબ જરૂરી છે. સૌના સહિયારા પ્રયાસોથી જ ગામને સમરસ બનાવી શકાશે એમ કહીને સમરસ ગામ બનાવવા અંગેની ગ્રામજનોને સમજણ આપી અને સમરસ ગ્રામ બને તે માટેના પ્રયાસો પણ શરૂ કરી દીધા. પણ નવી પેઢીના ગ્રુપની ટીમે ચૂંટણી લડવાની જ વાત પકડી રાખી પાછું હટવા કે ફોર્મ પરત લેવા માટે તૈયાર ન થયા.
આવી દ્વસ્ધાભરી સ્થિતિમાં આ ગ્રામ પ્રતિનિધિઓશ્રી ભીખુભાઈ ભેડા અને અન્ય વરિષ્ઠ આગેવાનોએ ગામ સમરસ બને, તે માટે મિટિંગ બોલાવી અને સૌને એક બની ગામના વિકાસમાં સહભાગી બનવા અને ગામને સમરસ બનાવવાની દરખાસ્ત મુકી. વર્ષો સુધી ગ્રામ પંચાયતનો વહીવટ સંભાળતા આગેવાનોએ નવી પેઢીના ગ્રુપને તક મળે અને ગામ સમરસ બને તો ગામમાં સંપ ઊભો થાય, તે માટે તેમણે ચૂંટણીમાંથી તેમના ફોર્મ પરત લેવા સમજાવ્યા. જેનો હકારાત્મ પ્રતિસાદ મળતાં સમગ્ર ટીમ ગામમાં સંપનું વાતાવરણ ઉભુ કરવાના ઉમદા વિચારો સાથે ત્યાગનો ભાવ બતાવવા રાજી થઇ. ચૂંટણી અધિકારીશ્રી નિખિલ મહેતા પાસે જઈને રજૂઆત કરી કે અમારે અમારું ગામ સમરસ કરવું છે, ત્યારે આ ઉત્સાહી યુવાન ચૂંટણી અધિકારીએ આ પ્રતિનિધિઓની મોટાઈને વધાવી લીધી.
અને આજે સરપંચપદના ઉમેદવાર તરીકે ઉભેલ ચંદ્રિકાબેન ડોબરીયાએ અને સભ્ય તરીકેના ઉમેદવારો ભાવનાબેન ભેડા, જીવરાજભાઇ ઠુંમર, મનસુખભાઇ ડોબરીયા, લીલાબેન વૈષ્ણવ, સામંત લાલુભાઇ, ઇન્દુબેન પરમાર વગેરેએ તેમના ફોર્મ પરત ખેંચી લીધા અને નવી પેઢીની નવી ટીમને નેતાગીરીની તક આપી સરધારપુર ગામને સમરસ બનાવ્યું.