• આ યોજના અંતર્ગત અત્યારસુધીમાં રાજ્યના 1.20 લાખ કરતા વધુ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થીઓને  રૂ.12 કરોડ કરતા વધુની સહાય ચૂકવાઈ
  • સુરત જિલ્લામાં સૌથી વધુ 16 હજાર વિદ્યાર્થીઓએ લાભ લીધો

‘સૌ ભણે ગણે અને આગળ વધે’ તેવા ઉમદા હેતુથી તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો આજે દેશભરમાં પ્રેરક અનુકરણીય બની રહ્યા છે. જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડીંડોર અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરીયાની આગેવાનીમા અનેક નવી યોજનાઓ દ્વારા શિક્ષણનો વ્યાપ સતત વધી રહ્યો છે. આવી એક શિક્ષણલક્ષી યોજના છે ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’. આ વર્ષે જ પ્રથમવાર અમલી બનાવાયેલી આ યોજના અંતર્ગત તા. 20 સપ્ટેમ્બર 2024ની સ્થિતિએ રાજ્યના ઉચ્ચતર માધ્યમિકના 1.20 લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂ. 12 કરોડ કરતા વધુની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે તેમ, શિક્ષણ વિભાગ દ્વારા જણાવાયું છે.

યાદીમાં જણાવ્યાનુસાર ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજના હેઠળ સુરત જિલ્લામાં સૌથી વધુ 16,265 વિદ્યાર્થીઓને રૂ.1.62 કરોડથી વધુની સહાય, અમદાવાદ જિલ્લામાં 10,411 વિદ્યાર્થીઓને રૂ.1.04 કરોડ, રાજકોટ જિલ્લામાં 8,697 વિદ્યાર્થીઓને રૂ.૮૬ લાખથી વધુ, બનાસકાંઠા જિલ્લામાં 8,221 વિદ્યાર્થીઓને રૂ.82 લાખથી વધુ તેમજ નવસારી જિલ્લામાં ૬,૫૬૦ વિદ્યાર્થીઓને રૂ.65 લાખથી વધુની સહાય આમ રાજ્યના તમામ 33 જિલ્લાઓ મળીને અંદાજિત 1.20 લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂ.12 કરોડ કરતા વધુની સહાય ચૂકવવામાં આવી છે.

આ ઉપરાંત ચાલુ વર્ષ 2024-25ના બજેટમાં કુલ રૂ.250 કરોડની જોગવાઇ ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ માટે કરવામાં આવી છે. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસની અગત્યતાને ધ્યાને રાખીને વધુમાં વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ મેળવી ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહક સહાય આ યોજના અંતર્ગત આપવામાં આવે છે, જેનું અમલીકરણ પ્રથમવાર શૈક્ષણિક વર્ષ:2024-25થી કરવામાં આવ્યું છે. આ યોજનાના અમલીકરણ થકી રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ મેળવેલ અને તકનીકી કૌશલ્ય ધરાવનાર યુવાધન માટે વિવિધ ક્ષેત્રોમાં વિપુલ તકો ઉપલબ્ધ થશે.

વધુમાં આ યોજનાનો લાભ જે વિદ્યાર્થીઓ ધો-10ની બોર્ડ પરીક્ષામાં 50% કે તેથી વધુ ગુણ મેળવી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી /અનુદાનિત/ સ્વ નિર્ભર શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક  વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે તેવા વિદ્યાર્થીઓને કુલ રૂ. 25,000/- ની રકમ  સહાય તરીકે ચૂકવવામાં આવે છે. આ રકમની ચૂકવણી સીધી જ લાભાર્થીના બેંક ખાતામાં DBTના માધ્યમથી જમા કરવામાં આવે છે તેમ શિક્ષણ વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.