રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય શ્રમિકોને હૈયે આવી હામ
સદગુરૂ આશ્રમ દ્વારા ૮૦ ગામોમાં કામ કરતા શ્રમિકોને પૌષ્ટીક સુખડીનું વિતરણ
કોવીડ-૧૯ની મહામારી અન્વયે દેશ અને રાજયભરમાં લોકડાઉન અમલી બનતાં અર્થતંત્ર લગભગ થંભી ગયું હતું. પરંતુ રાજય સરકારના ત્વરીત અને તબકકાવાર નિયંત્રણોમાં છુટછાટ સાથે ઔદ્યોગિક અને અન્ય વ્યાપારીક પ્રવૃતિઓને શરૂ કરવામાંઆવતાં અર્થતંત્ર પુન: ધબકતું થયું છે. ગ્રામિણ વિસ્તારમાં પણ ખેડૂતોની જણસોના વેંચાણ કૃષિકાર્ય અને લધુઉદ્યોગો સાથે મનરેગા જેવા વિકાસલક્ષી યોજનાઓ થકી ગ્રામ્ય અર્થતંત્રમાં ગતિનો સંચાર થયો છે.
રાજકોટ જિલ્લામાં ગઢકા અને ઢાંઢીયા ખાતે ચાલી રહેલ સુજલામ સુફલામ યોજનાના તળાવ ઉંડુ કરવાના મનરેગાના કામોનું નિરક્ષણ કરતા જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક જે.કે.પટેલ જિલ્લામાં મનરેગા અંતર્ગત ચાલી રહેલ વિકાસકામો વિશે વિગતો આપતાં જણાવે છે કે હાલ ૮૦ જેટલા ગામોમાં ૧૧૯ જેટલા વિકાસ કામો થકી ૩૩૫૪ લોકોને રોજગારી અપાઇ રહી છે. આ કામોમાં સમાજીક વનીકરણ, તળાવ ઉંડું કરવાસહિતના માળખાકીય વિકાસ કામોનો સમાવેશ કરાયો છે. કામદારોને પીવાના પાણી અને છાંયડાની સુવિધા સાથે સવારે સાતથી બપોરે ૧૨ કલાક સુધી જ કામ ચાલુ રાખવામાં આવે છે. મનરેગાના કામોનો હેતુ સ્પષ્ટ કરતાં તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, શ્રમિક પરિવારોને ઘરઆંગણે રોજગારી મળી રહે અને વિકાસ કામોને પણ ગતિ મળી રહે તેવા બેવડા હેતુને સિધ્ધ કરવા મનરેગા અંતર્ગત રાજયભરમાં કામો ચાલુ કરવામાં આવેલા છે.
૮૦ જેટલા ગામોમાં ચાલી રહેલ વિવિધ ૧૧૯ વિકાસકામોમાં કામ કરતા તમામ શ્રમિકોને રાજકોટ સ્થિત સદગુરુ રણછોડદાસ આશ્રમ દ્વારા સુખડીનું વિતરણ કરાવમાંઆવે છે. સંસ્થાના સ્વયંસેવક શાંતીલાલ વાડોલીયા અને નીમાવતભાઇ જણાવે છે કે પૂ. સંતશ્રી રણછોડબાપૂ જણાવતા હતા કે મહેનતકશ કામ કરતા શ્રમિકો માટે સુખડી સૌથી આરોગ્યપ્રદ અને પૌષ્ટીક ખોરાક છે. હાલ કોરોના સંક્રમણની પરીસ્થિતીને ધ્યાનમાં લઇને મનરેગાના કામોની સાઇટ પર સોશ્યલ ડિસ્ટીન્સીંગની તકેદારી સાથે હાથધોવા માટે સાબુની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે. આ ઉપરાંત શ્રમિકોને દરમિયાન આરામ કરવા માટે સલામત અંતર જળવાય તેની તકેદારી રાખી વુક્ષોના છાંયાડામાં બેસવાની સુવિધા રખાઇ છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ તાલુકાના ગઢકા ખાતે હાલ ૯૦ જેટલા શ્રમિકો કામ પર આવી રહયા છે. જયારે ઢાંઢીયા ખાતે ૭૦ જેટલા શ્રમિક મહિલાએા અને પુરૂષો કામ કરી રહ્યા છે. અહીં આવતા કામદારોનું ગઢકા પ્રા.આરોગ્ય કેન્દ્ર ડો. એચ.પી. પટેલ અને તેમની ટીમ દ્વારા મેડીકલ ચેકઅપ પણ કરવામાં આવે છે.