ફાયરબ્રિગેડના જવાનોએ ટાંચા સાધનો વડે જીવના જોખમે ત્રણેયને બચાવ્યા: ઘટના સ્થળે સેલ્ફ ડ્રાઇવ કરી દોડી જતા કલેક્ટર પટેલ
મોરબીની મચ્છુ નદીમાં માછીમારી કરવા જતા લીલાપર પમ્પિંગ સ્ટેશન નજીક ત્રણ યુવાનો ફસાઈ જતા મોરબી પાલિકાના ફાયરબ્રિગેડ સ્ટાફે જીવન નાં જોખમે ત્રણેય યુવાનોને બચાવી લીધા હતા,આ રેસ્ક્યુ ઓપરેશન વખતે ખુદ જિલ્લા કલેક્ટર પટેલ પણ સેલ્ફ ડ્રાઇવિંગ કરી ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ લીલાપર પમ્પિંગ સ્ટેશન પાછળ આવેલા મચ્છુ નદીના બેકડા વાળા વિસ્તારમાં માછીમારી કરવા ગયેલા ત્રણ કોળી યુવાનો પાણી નો પ્રવાહ વધતા મચ્છુ નદીમાં ફસાયા હતા,સદ્નસીબે પમ્પિંગ સ્ટેશન પર ફરજ બજાવતા અમિતભાઇ નામના કર્મચારી ફસાયેલા ત્રણેય યુવાનોને જોઈ જતા તુરત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને ફાયર સ્ટાફ પણ પળ નો વિલંબ કાર્ય વગર ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
દરમિયાન જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલને બનાવની જાણ થતા તેઓ મારતી ગાદીએ સેલ્ફ ડ્રાઇવિંગ કરી સ્થળ પર પહોંચી ગયા હતા અને રેસ્ક્યુ ઓપરેશન પૂરું થવા સુધી રોકાયા હતા.
વધુમાં ફાયર બ્રિગેડ સ્ટાફે કલાકોની મહેનત બાદ ધસમસતા મચ્છુ નદીના પૂરમાં ટાંચા સાધનો વડે રસાની મદદથી મનુભાઈ લાભુભાઈ વરાણીયા ઉ.૨૨.જગદીશભાઇ રામજીભાઈ વરાણીયાઉ.૨૫ અને નવઘણ અવચારભાઈ રાઠોડ ઉ.૧૭ ત્રણેય યુવાનોને હેમખેમ રેસ્ક્યુ કરી બચાવી લીધા હતા.
મચ્છુ નદીમાં ફસાયેલા ત્રણેય ને બચાવવામાં ફાયર બ્રિગેડના વિનયભાઈ ભટ્ટ,કાર્તિકભાઈ ભટ્ટ,રાયધનભાઈ સોલંકી,સલીમભાઈ,ધર્મેન્ડરભાઈ ડાભી,તથા રણજિતભાઈ ભરવાડે લાઈફ જેકેટ કે અન્ય કોઈ પણ જાતના સુરક્ષાના સાધનો વગર ઘોર અંધકારમાં ધસમસતા પ્રવાહમાં જોખમ ખેડી ત્રણેય યુવાનો ને બચાવી વીરતા બતાવી હતી.