રાજકોટથી મશીનરી લઇ એમપી પહોંચે તે પહેલા બે માસીયાર સહિત ત્રણના મોતથી પરિવારમાં અરેરાટી
લીંબડી અમદાવાદ હાઈવે પર કટારિયાના પાટિયા પાસે ગાડીનું ટાયર બદલતી વેળાએ ઝડપે આવતી ટ્રક પાછળના ભાગે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. તેમાં બે વ્યક્તિનાં ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતા. જયારે અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. રવિવારે મોડી રાત્રે થયેલા અકસ્માતના પગે હાઇવે ઉપર ટ્રાફિક પ્રભાવિત થયો હતો. જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી નાસી છૂટેલા ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં લીંબડી-અમદાવાદ હાઇવે પર કટારીયા ગામના પાટીયા નજીક મોડી રાત્રીના સમયે ટ્રક અને છોટા હાથી ટેમ્પો ભયંકર અકસ્માત સર્જાતા 3 લોકોના મોત નીપજ્યાં હતા.
આ અકસ્માતમાં છોટા હાથી ટેમ્પોમાં સવાર પરપ્રાંતિય 3 વ્યક્તિના મોતને ભેટ્યા હતા. બનાવની જાણ થતાં પાણશીણા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
બનાવ અંગે મધ્ય પ્રદેશના ભેરૂલાલ ચૌહાણે પાણશીણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમાં જણાવ્યું હતું કે તેઓ તેમનાં ધંધા અર્થે લુહારી કામનો સામાન લેવા માટે તેમનાં પુત્ર તથા નાનો ભાઈ અને તેમનાં માસીનાં દિકરા સાથે મધ્ય પ્રદેશથી રાજકોટ આવ્યાં હતાં. તે સમયે રાજકોટથી ડ્રીલ મશીન તથા પ્રેસ મશિન લઈને પરત જઇ રહ્યા હતા. ત્યારે ચોટીલા પહોંચતાં ગાડીનાં પાછળના વ્હીલમાં પંચર પડતાં પંચર કરાવીને ચોટીલાથી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા.
તેસમયે લીંબડી નજીક કટારિયાના પાટિયા પાસે સોમવારે રાત્રીના સમયે અંદાજે બે વાગ્યા આસપાસ ગાડીનું વ્હીલ ફાટી જતાં ગાડીને સાઈડમાં ઉભી રાખીને ભેરૂલાલ ચૌહાણ તથા તેમનો પુત્ર ઓમપ્રકાશ અને તેમનો નાનો ભાઈ મહેશ તથા માસીનો દિકરો રાજુ ટાયર બદલતાં હતાં. તે સમયે આવતા ટ્રકના ચાલકે કાબુ ગુમાવી દેતા ગાડીના પાછળના ભાગે ટ્રક ધડાકાભેર અથડાવતા અકસ્માત થયો હતો. તેમાં ભેરૂલાલનો નાનો ભાઈ મહેશ તથા માસીનો દિકરો રાજુના ઘટનાસ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતાં. ત્યારે તેમનાં દિકરા ઓમપ્રકાશને ગંભીર ઇજા થતા રાહદારીઓ દ્વારા 108 એમ્બ્યુલન્સ બોલાવી સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ સારવાર દરમિયાન ઓમપ્રકાશને પણ મૃત જાહેર કર્યો હતો. પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.