એક જ પરિવારના પાંચ યુવાનો માંગરોળના લોજ ગામે જતા હતા
પોરબંદર હાઇવે પર નરવાઇ માતાજીના મંદિર નજીક આજે વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં કારમાં સવાર ખંભાળિયા પંથકના ત્રણ યુવાનોના કરુણ મોત થયા છે. જયારે અન્ય બે યુવાનોને ઇજાઓ પહોંચી હોવાથી તેને સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ પોરબંદર હાઇવે પર વહેલી સવારે એક કાર ડીવાઇડર સાથે ટકરાતા ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં ખંભાળીયા પંથકના ખજુરીયા ગામે રહેતા પાંચ યુવાનો માંગરોળ પંથકના લોજ ગામ તરફ જઇ રહ્યાં હતા તે સમયે પોરબંદર નજીક નરવાઇ મંદિર પાસે હાઇવે પર કાર પલટી મારી જતા ડીવાઇડર સાથે અથડાઈ હતી. જેમાં કિશન ચંદ્રાવાડીયા, મયુર ચંદ્રાવાડીયા અને ઘેલુભાઇ ચંદ્રાવાડીયા નામના ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ કરુંન મોત નિપજ્યા છે. જયારે કારમાં સવાર અન્ય રાજુભાઇ ચંદ્રાવાડીયા અને વજશીભાઇ નંદાણીયાને ઇજા પહોંચી હતી.
જેથી ઈજાગ્રસ્તોને 108 મારફત સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. મૃતકો એક જ પરિવારનાં હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્રણ યુવાન પુત્રોના એક સાથે થયેલા મૃત્યુના પગલે ચંદ્રાવાડીયા પરીવાર શોકમાં ગરકાવ થયો છે.