હરિપર ગામે માતાજીના માંડવે જતી વેળાએ કાળ ભેટ્યો: પરિવારમાં આક્રંદ
રાજકોટ નજીક આવેલા લોધિકાના દેવડા ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે બાઇક સામ-સામે અથડાતા બે પિતરાઈ ભાઈ સહિત ત્રણ યુવાનોના કરુણ મોત નિપજ્યા છે. હરિપર ગામે માતાજીના માંડવે જતી વેળાએ યુવાનોને કાળ ભેટતા પરિવારમાં પણ આક્રંદ છવાયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા રણછોડ ગોરધન વાઘેલા (ઉ.વ.20) ગઈકાલે કાલાવડ રોડ પર હરિપર ગામે માતાજીના માંડવામાં હાજરી આપવા માટે ગયો હતો. રણછોડ વાઘેલા પહેલા કાલાવડ તાલુકાના ખંઢેરા ગામે રહેતા તેના મામાના પુત્ર કરસન બચુભાઇ સોલંકી (ઉ.વ.20) પાસે ગયો હતો. જ્યાંથી બંને પિતરાઈ ભાઈ બાઇક પર હરિપર જવા નીકળ્યા હતા.
તો બીજી તરફ રાજકોટના મુંજકા ગામે રહેતો અને માલવીયા ચોકમાં સિલ્વર પેલેસમાં નોકરી કરી હોટલ મેનેજમેન્ટનો કોર્ષ કરતા હર્ષિત તુલશીભાઈ રામાણી(ઉ.વ.20) પોતાના બાઇક પર કામ અર્થે કાલાવડ તરફ જઈ રહ્યો હતો.
તે દરમિયાન લોધિકાના દેવડા ગામના પાટિયા પાસે પહોંચ્યા ત્યારે બંને બાઇક સામ-સામે અથડાતા બાઇક પર સવાર ત્રણેય યુવાનો ફૂટબોલના દડાની જેમ ફંગોડાતા ત્રણેયને બ્રેઇન હેમરેજ થઈ ગયા હતા. જેથી રણછોડ વાઘેલા, કરસન સોલંકી અને હર્ષિત રામાણીના ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજતા હતા. ઘટનાની જાણ થતાં લોધિકા પોલીસ મથકના એએસઆઈ કે.કે. ગઢવી સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક હર્ષિત અને રણછોડ બંને માતા-પિતાના એકલોતા પુત્ર હોવાનું સામે આવ્યું છે. રણછોડ મજૂરી કામ કરી ગુજરાન ચલાવતો હતો. રણછોડ અને કરસન બાઇક પર જતાં હતાં તે દરમિયાન રોંગ સાઈડથી આવેલા હર્ષિતના બાઇક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણેય યુવાનોના મોત નિપજતા શોકનો માહોલ સર્જાયો છે.