એક સાથે ત્રણ યુવાનના મોતથી નાની મોલડી અને હડાળામાં શોક: ત્રણેય મૃતકના ચક્ષુદાન કરાયા

ચોટીલા ના નાની મોલડી ગામ પાસે નેશનલ હાઇવે ની ખુબ જ નજીક આવેલ કુવો રવીવારે સાંજે ગોઝારો અને કાળમુખો સાબિત થયો હતો. આ કરુણાંતિકા મુજબ રાજકોટ થી નાની મોલડી તરફ આવી રહેલા ત્રણ યુવાનો કાર સહિત કુવામાં પડતા અને ઘટના સ્થળે જ ત્રણેય યુવાનો ના કુવા માં કારની અંદર જ કરૂણ મૃત્યું થતાં સમગ્ર ચોટીલા પંથક માં હાહાકાર ની લાગણી ફેલાઇ ગઇ હતી.આ બનાવ માં નાની મોલડી ગામ ના બે દલિત યુવાનો અને હડાળા ગામના એક દલિત યુવાન સહિત ત્રણેય ના મૃતદેહ ચોટીલા ની રેફરલ હોસ્પીટલ માં પી.એમ.માટે લઇ જવામાં આવ્યાં હતાં.

આ અંગે ની વિગત મુજબ ચોટીલા તાલુકા ના નાની મોલડી ગામના ગીરીશભાઇ બાબુભાઇ ચૌહાણ ( ઉ.વ.૩૦) આ જ ગામના સુનીલભાઇ નારણભાઇ જોશી ( ઉ.વ.૩૫) તથા સાયલા તાલુકા ના હડાળા ગામના હરેશભાઇ પાલાભાઇ રાઠોડ ( ઉ.વ.૩૫) રાજકોટ થી નાની મોલડી ગામ તરફ  આવી રહ્યાં હતાં ત્યારે સાંજે પાંચ વાગ્યા આસપાસ હાઇવે ઉપર આવેલ અશ્વમેઘ હોટલ પાસે રોડ ની નજીક અંદાજીત ૭૦ ફુટ જેટલા ઉંડા અને પાણી ભરેલા કુવામાં કાર ખાબકતા ઘટના સ્થળે જ ત્રણેય નવ યુવાનો ના કાર ની અંદર જ કરુણ મૃત્યું નીપજ્યાં હતાં.

આ બનાવ ની જાણ પોલીસ ને થતાં લીંબડી ડી.વાય.એસ.પી.ડી.વી.બસીયા , ચોટીલા ના પી.આઇ.કે.ડી.નકુમ , બામણબોર પી.એસ.આઇ. સી.પી.રાઠોડ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે ધસી ગયાં હતાં.

જ્યારે ચોટીલા ના પ્રાંત અધિકારી  આર.બી.અંગારી પણ બનાવ સ્થળે ધસી ગયા હતાં.બનાવની જાણ થતાં ચોટીલા પાલિકા ની રેસ્ક્યુ ટીમના હરેશ ઉપાધ્યાય , હિતેન્દ્રસિંહ પરમાર સહિત ના જવાનો પણ પહોંચી ગયા હતાં.

બાદ માં ક્રેઇન દ્વારા કુવા માં થી કાર  બહાર કાઢવામાં આવી હતી.અને કુવાની અંદર કાર માં જ મૃત્યુ પામેલા ત્રણેય યુવકો ના મૃતદેહ ને પી.એમ.માટે રેફરલ હોસ્પીટલ માં લઇ જવાયા હતાં.

કુવા માં કાર સાથે પડી ગયેલા ચોટીલા ના નાની મોલડી ગામના સુનીલભાઇ નારણભાઇ જોશી કોન્ટ્રાક્ટર છે જ્યારે ગીરીશભાઇ બાબુભાઇ ચૌહાણ કોન્ટ્રાક્ટ ના કામ ના સુપરવાઇઝર હતાં તથા સાયલા તાલુકા ના હડાળા ગામના હરેશભાઇ પાલાભાઇ રાઠોડ સેન્ટીંગ કામ ના કારીગર હતાં.

ચોટીલા ની સરકારી રેફરલ હોસ્પીટલ માં ત્રણેય યુવકો ના મૃતદેહ પી.એમ.માટે લઇ જવાયા ત્યારે હોસ્પીટલ માં ચોટીલા , થાન , સાયલા ના દલિત અગ્રણીઓ એક્ઠાં થયાં હતાં. ચોટીલા ના દલિત અગ્રણીઓ નરેશભાઇ મારૂ , અજયભાઇ ચૌહાણ , મનુભાઇ સોલંકી , બાબુભાઇ ચાવડા સહિત સેંકડો દલિતો મૃતક યુવકો ના પરિવારજનો ને આશ્વાસન આપવાં એકઠાં થયાં  હતાં.

ચોટીલા ની હોસ્પીટલ માં ત્રણેય યુવાનો ના મૃતદેહ નું પોસ્ટમોર્ટમ થયાં બાદ તેમના પરિવારજનો તરફ થી ત્રણેય યુવાનો ના ચક્ષુઓ કોઇ અંધ ના જીવન માં પ્રકાશ ફેલાવે તેવા શુભ હેતુથી ત્રણેય યુવાનો ના ચક્ષુઓનું દાન કરવાનો નિર્ણય લેવા માં આવતા સુરેન્દ્રનગર થી ડોક્ટરો ની ટીમ ચક્ષુઓ લેવા ખાસ ચોટીલા આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.