ચોરી કર્યાની શંકા સાથે બંને યુવાનના અપહરણ કરી મોતને ઘાટ ઉતારી લાશને કોથળામાં પેક કરી ફેંકી દીધાની કબુલાત
જૂનાગઢના ગોધવાની પાટી વાલ્મીકી વિસ્તારમાંથી પંદર દિવસ પહેલાં બે યુવાનના ચોરીની શંકા સાથે ૨૦ જેટલા શખ્સોએ અપહરણ કરી બંનેની હત્યા કરી લાશને કોથળામાં પેક કરી ભવનાથ અને દામો કુંડ પાસે ફેંકી દેવાના ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સોને પોલીસે ધરપકડ કરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના ખારવા કોળીના મકાનમાં ચોરી થઇ હતી. ચોરીના ગુનામાં ગોધવવા પાટીના રોહિત રમેશ વાઘેલા, સિરાજ ઉર્ફે ઉંદરડી રફીક નાગોરી અને કિશન ઉર્ફે બીટુ રમેશ પરમાર સંડોવાયા હોવાની શંકા સાથે ગત તા.૧ ઓગસ્ટે કિશન ઉર્ફે બીટુ અને સિરાજ ઉર્ફે ઉંદરડીનું ખારવા કોળી, જુનેદ કસાઇ, મુન્ના બચુ, ટાટમ, પિન્ટુ, બાગી સહિત ૧૫ થી ૨૦ જેટલા શખ્સોએ અપહરણ કરી બંનેને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દીધા અંગેની રોહિત રમેશ વાઘેલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
રાકેશ ઉર્ફે મુન્ના કોળીની લાશને કોથળામાં પેક કરી ભવનાથ નજીક અને કિશન ઉર્ફે બીટુ પરમારની લાશને કોથળામાં પેક કરી દામોદર કુંડ પાસે ફેકી દેતા પોલીસે ડબલ મર્ડરના ગુનામાં સંડોવાયેલા શખ્સોને ઝડપી લેવા શોધખોળ હાથધરી હતી.
રેન્જ આઇજી સુભાષ ત્રિવેદી અને અને જિલ્લા પોલીસ વડા સૌરભસિંધના માર્ગ દર્શન હેઠળ ડીવાયએસપી એમ.એસ.રાણા, એલ.સી.બી. પી.એસ.આઇ. આર.કે.ગોહિલ સહિતના સ્ટાફે ડબલ મર્ડરના ગુનામાં સંડોવાયેલા જૂનાગઢના વાંજાવાડના રાકેશ ઉર્ફે મુન્ના બચુ બોરીયા, જોષીપુરાના શૈલેષ ઉર્ફે ટાટમ જમનાદાસ ટાટમીયા અને વાંજાવાડના સંજય ઉર્ફે બગી રામ કોળી નામના શખ્સોને માંગરોળ તાલુકાના દિવાસા ગામેથી ઝડપી લીધા છે. ત્રણેય શખ્સોએ ચોરીની શંકા સાથે ચોરી કર્યાની અને લાશને કોથળામાં પેક કરી ફેંકી દીધાની કબુલાત આપી છે. ડબલ મર્ડરમાં સંડોવાયેલા અન્ય શખ્સોને ઝડપી લેવા પોલીસે ત્રણેય શખ્સોને રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.