ગઢ પર જૈન મંદિર પાસે ખોદકામ દરમિયાન પુરાતન અવશેષો મળ્યા
પ્રાચીન મૂર્તિઓ મળતા જૈન સમાજના અગ્રણીઓને જાણ કરાઇ
ચકાસણી દરમિયાન જૈન ભગવાનની મૂર્તિ ૧૫૦૦ વર્ષ જૂની હોવાનું લખાણ પરથી સ્પષ્ટ થયું
ઈડરીયા ગઢ પરથી ગઈકાલે નવીન ભવનના ખોદકામ દરમ્યાન અંદાજે ૧૫૦૦ વર્ષ પૂરાણી મૂર્તિઓ મળી આવતા ત્યાં કામ કરી રહેલા લોકો પ્રથમ નજરે અચંબિત થયા હતા. જોકે બાદમાં ભગવાનની મૂર્તિઓ હોવાનું માલુમ થતા કામદારોએ સૌ પ્રથમ પુરાતન ખાતાને તેમજ જૈન અગ્રણીઓને જાણ કરી જણાવતા જૈન આગેવાનોએ આ મૂર્તિઓ જૈન ભગવાનની હોવાનું ઓળખ કર્યું હતુ. ઈડરિયા ગઢ પર જૈન મંદિર પાસે નવીન ભવન માટે ખોદકામ દરમિયાન ૧૫૦૦ વર્ષ પુરાણી જૈન ભગવાન ની મૂર્તિ સહિત કેટલાક પુરાતન અવશેષો મળી આવતા શહેરના જૈન સમાજ સહિત પુરાતત્વ વિદો માં આનંદ છવાયો છે આ અતિ પ્રાચીન મૂર્તિ સહિત અવશેષોને જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ઈડરિયા ગઢ પર દિગંબર જૈન મંદિર પાસે નવીન સંત ભવનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું અહીં રવિવારે સવારે જેસીબી મશીનથી પાયાના ખોદકામ દરમિયાન એક પ્રાચીન મૂર્તિ તથા કેટલાંક પુરાતન અવશેષો જોવા મળતાં સ્થળ પર હાજર કામદારો દ્વારા જૈન સમાજના અગ્રણીઓ ને જાણ કરાઇ હતી.
તે દરમિયાન જૈન સમાજના અગ્રણીઓ દોડી જઇ તપાસ કરી તો સ્થળ પરથી જૈન ભગવાનની પાછળના પરિકરનો ભાગ તથા કેટલાંક પુરાતન અવશેષો જોવા મળ્યા હતા જેથી ઝીણવટભરી ચકાસણી દરમિયાન ભગવાનની મૂર્તિ ૧૫૦૦ વર્ષ જૂની હોવાનું મૂર્તિ પર લખાણ સ્પષ્ટ થયું હતું સાથે જ મંદિરને લગતા જે પુરાતન અવશેષો છે તે પણ એટલા જ પ્રાચીન હોવાનું જણાવ્યું હતું બાદમાં પ્રાચીન અવશેષો મળ્યાની વાત વાયુવેગે ફેલાઇ જતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા.
ઈડર ગઢ પરથી બે દિવસ પહેલા મળી આવેલીમૂર્તિઓ અંગે હજુ પણ સંશોધન કાર્ય ચાલુ છે. તેમજ હજુ ખોદકામથી વધુ અવશેષો મળી શકે તેમ હોવાનું સામાજીક કાર્યકર યોગેશભાઈએ જણાવ્યું હતુ આ અંગે સરકાર હસ્તક્ષેપ કરી વધુ ખોદકામ કરાવે તો વધુ પ્રાચીન મૂર્તિઓ મળી શકે તેમ હોવાનું વધુમાં જણાવ્યું છે.
ઇડરીયા ગઢમાંથી વર્ષો અગાઉ પણ મળી આવ્યા છે આદિમાનવના ઓજારો, શૈલીચિત્રો, હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ
ઈડરીયા ગઢમાંથી પુરાતત્વ ખાતાને અગાઉ પણ અનેકવાર જૂના મંદિરોના અવશેષો, આદિમાનવના ઓજારો, શૈલીચિત્રો મળી આવ્યા છે. આ અંગે સામાજીક કાર્યકર યોગેશભાઈ સથવારાએ માહિતી આપતા જણાવ્યું હતુ કે અગાઉ પણ ઈડરીયા ગઢમાંથી શૈલીચિત્રો મળી આવ્યા છે. ઈડરીયા ગઢમાં આવેલી શૈલીચિત્રશેની ૭૦ જેટલી ગુફાઓ તેમજ આ શૈલીચિત્રો ઈ.સ. પૂર્વે ૪૦૦૦૦ વર્ષ જૂના માનવામાં આવે છે. લાલોડા, ગંભીરપૂરા સહિતના વિસ્તારમાંથી આ પ્રાચીન અવશેષો મળી આવ્યા હતા. ૧૯૯૪ના દાયકામાં એ વખતે સ્થાનિક લોકોએ પુરાતત્વ ખાતાને આ અંગે જાણ કરેલ પરંતુ આ અવશેષો જાળવી રાખવા કોઈ પગલા લેવાયા નથી. આઉપરાંત ઈડરીયા ગઢમાંથી મધ્યકાલીન પાષાણયુગના આદિમાનવના ઓજારો પણ મળી આવ્યા છે. માટીના વાસણોથી લઈ આદિમાનવનાં ઓજારો મળી આવ્યા છે. ઈડરના બડોલી વિસ્તારમાંથી જૂના મંદિરના અવશેષો મળી આવ્યા છે. એ સિવાય ચંદ્ર મહાદેવ મંદિર નજીકથી હિન્દુ દેવી-દેવતાઓની પ્રાચીન મૂર્તિઓ તેમજ ઈડરના સાપાવાળા વિસ્તારમાંથી પણ શિવ, બ્રહ્મા સહિત અનેક હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી આવી છે. ત્યારે ગઈકાલે જૈન દેરાસરમાં નવીન બાંધકામ કરવા જતા ખોદકામ દરમ્યાન જૈન મૂર્તિઓ મળી આવતા લોકો ગેલમાં આવી ગયા હતા. જે મંદિર પ્રશાસનના કહેવા પ્રમાણે ૧૫૦૦ વર્ષ જૂના અવશેષો હોવાનુંજણાઈ રહ્યું છે. ઈડરીયાગઢ માટે પુરાતત્વ વિભાગ ઉંડાણપૂર્વક અ્ભ્યાસ કરે તો અનેક પ્રાચીન અવશેષો મળી આવવાની શકયતા છે. નહિતર આ અવશેષો માત્ર પૂસ્તકોની અંદરજ અંકિત થઈ જાયતેવુંલાગી રહ્યું છે. સામાજીક કાર્યકર યોગેશભાઈ સથવારાએ જણાવ્યું હતુ.