રૂ.૧૩.૧૭ કરોડની ઉઘરાણીમાં ૨૭ શખ્સો સામે ગુનો નોંધાયો ‘તો
કરોડો રૂપિયાના વ્યાજના વિષચક્રમાં ફસાઈને ગામ છોડી ભાગી ગયેલા બિલ્ડર વલ્લભભાઈ સીદપરાના પુત્રએ ૨૭ વ્યાજખોરો સામે કરેલી ફરિયાદના કામે પકડાયેલા ત્રણ શખ્સની રેગ્યુલરમાં ત્રણ શખ્સની આગોતરા જામીન અરજી કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલી છે. રાજકોટમાં કેશવ રેસીડેન્સીમાં રહેતા શૈલેષભાઈ સીદપરાના પિતા વલ્લભભાઈ જમીન-મકાનનો ધંધો કરે છે અને તેમની નાણાની જરૂરીયાત ઉભી થતા વર્ષ ૨૦૧૩થી જુદા જુદા લોકો પાસેથી રકમ વ્યાજે લીધી હતી અને બાદમાં જમીન મિલકતો લખાવી લીધા હતા. મુદલ ઉપરાંત ૧૩.૧૭ કરોડ વ્યાજ ચુકવ્યા બાદ પણ વ્યાજખોરોનો ત્રાસ અટકવાનું નામ ન લેતા તેમના પિતાને ઘર છોડવાની ફરજ પડી હતી.
બિલ્ડર પુત્ર શૈલેષભાઈ સિદપરાની તાલુકા પોલીસ મથકના સ્ટાફે ૨૭ વ્યાજખોર સામે આઈપીસી ૩૨૭, ૩૮૫, ૩૮૬, ૩૮૭, ૪૦૬, ૪૨૦, ૫૦૬ (૨), ૧૨૦ (બી), ૩૪, મનીલેન્ડ એકટની કલમ ૫,૪૦,૪૨ મુજબ ગુનો નોંધી આરોપી કિશોર ગોપાલભાઈ આરદેશણા, કરમણભાઈ પોલાભાઈ ગોરસીયા અને સુરેશ ઠાકરશી ચનીયારાની ધરપકડ બાદ રેગ્યુલર અને નિર્મળ ભાયા, જીતેન્દ્ર ગોપાલ આરદેશણા અને શાંતીલાલ લક્ષમણ કાસુન્દ્રાએ આગોતરા જામીન અરજી કરી હતી. આરોપીએ તેના એડવોકેટ મારફત જામીન અરજી કરી એવી રજુઆત કરી હતી કે ફરિયાદીના કથનોને ઘડીભર સાચા માની લેવામાં આવે તો પણ ૯ વર્ષ બાદ ફરિયાદ કરવામાં આવેલ. ફરિયાદીના ખોટા કથનોમાં કુદી પડી પોલીસે આરોપીઓની ગેરકાયદેસર રીતે ધરપકડ કરી લીધેલ છે જેથી તેમને જામીન પર મુકત કરવા જોઈએ.
તમામ પક્ષકારોની લંબાણપૂર્વકની દલીલોના અંતે અદાલત એવા તારણ ઉપર આવેલું કે બચાવપક્ષની દલીલો ગ્રાહય રાખવા પાત્રનું ઠરાવી આરોપીઓના અંતે ત્રણની રેગ્યુલર અને ત્રણની આગોતરા જામીન અરજી મંજુર કરતો હુકમ કર્યો છે. આ કેસમાં કિશોરભાઈવતી તુષાર ગોકાણી, સુરેશભાઈ, મનીષ ખખ્ખર, કરમણ ગોરણીયાવતી એન.ડી.ચાવડા, જીતેન્દ્રભાઈવતી અનિલ દેસાઈ, નિર્મળ વતી મુકુંદસિંહ સરવૈયા અને શાંતીલાલ કાસુન્દ્રાવતી એડવોકેટ તરીકે ભગીરથસિંહ ડોડીયા રોકાયા હતા.