ત્રણ દિવસ પહેલા ગુમ થયાની ફરિયાદ નોંધાવા પામી હતી : આજે બોરમાં સબમર્શીબલ પંપ ફીટ કરતી વેળાએ દુર્ગંધ આવતા બોરની અંદર નજર કરાતા બાળાનો મૃતદેહ દેખાયો હતો
ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે બીલયાળા ગામના પાટિયા પાસે આવેલ જીનિંગ મીલ માંથી ત્રણ દિવસ પહેલા ત્રણ વર્ષની માસૂમ બાળા ગુમ થવા પામી હતી અને આ ઘટના અંગે તાલુકા પોલીસે અપહરણનો ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી દરમ્યાન કારખાનામાં બોરમાં માસુમ બાળાનો મૃતદેહ મળી આવતા તેને બહાર કાઢવા તંત્ર કામે લાગ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ બીલયાળા પાસે આવેલ ભાલાળા કોટન જીનિંગ મીલમાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ એમપીના અલીરાજપુર ના ખંડલા ગામના વતની લાલુભાઈ ઇન્દરસિંહ ચૌહાણ ની ત્રણ વર્ષની માસુમ પુત્રી વર્ષા ગત તારીખ 6 ના રોજ અચાનક ગુમ થઈ જતા અપહરણ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.
દરમિયાન આજે સવારના સુમારે જીનિંગ મિલ માં આવેલ બોરમાં સબમર્શીબલ ફિટિંગનું કામ ચાલી રહ્યું હોય બોર પાસે તીવ્ર દુર્ગંધ આવવા લાગતા લોકો દ્વારા ટોર્ચ ની મદદથી બોર ની અંદર નજર કરાતા આશરે ૨૦ ફુટ ઊંડે માસુમ બાળાનો મૃતદેહ ફસાયેલ હાલતમાં જોવા મળ્યો હતો જેની જાણ તાલુકા પોલીસ, માનવ સેવા ટ્રસ્ટ અને નગરપાલિકાના ફાયર ફાઇટર ને કરાતા તમામ ઘટના સ્થળે દોડી ગયેલ હતા અને મૃતદેહને બહાર કાઢવા તાજવીજ હાથ ધરી હતી.
જીનિંગ મિલ નો બોર આશરે ૨૦૦ ફૂટ જેટલો ઊંડો હોય અને માસૂમ બાળાનો મૃતદેહ ૨૦ ફૂટના અંતરે હોય જેસીબી મશીનની મદદથી બોર ની પાસે ખાડો ખોદી બહાર કાઢવા તંત્ર દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
આ લખાય છે ત્યારે પણ હજુ બાળાનો મૃતદેહ બહાર નીકળ્યો નથી પોલીસ અધિકારીઓ દ્વારા હજુ ચાર થી પાંચ કલાકનો સમય લાગશે તેવું જણાવવામાં આવ્યું હતું કારણકે બાળાનો મૃતદેહ ૨૦ ફૂટના અંતરે અટકેલો છે જો તે લસરી જાય તો કેટલા ફુટ અટકે તે ના કહી શકાય તેને કારણે તકેદારી રાખી કામ કરવામાં આવી રહ્યું છે.