- ફાયર બ્રિગેડની ગાડીઓ દોડી ગઈ, અડધી કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો
શહેરની ભાગોળે આવેલ મેટોડામાં એકાદ માસ પૂર્વે જ ગોપાલ નમકીનમાં ભયંકર આગની ઘટના બની હતી. જે બાદ વધુ એક કારખાનામાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. વાવડી વિસ્તારમાં આવેલ સ્ક્રેપના કારખાનામાં આગ ભભુકી ઉઠી હતી. જ્યાં કારખાનામાં કામ કરતાં ત્રણ શ્રમિકો ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આગનો કોલ મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગયાં હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
આગની પ્રાપ્ત વિગતો મુજબ વાવડી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સત્યનારાયણ વે બ્રિજ પાછળ આવેલા ઝા એન્ટરપ્રાઈઝ નામના સ્ક્રેપના કારખાનામાં ગઈકાલે સાંજના સમયે પ્રેસ મશીનરીમાં આગ ભભુકતા નાસભાગ મચી જવા પામી હતી. બનાવ અંગે કારખાનાના માલિક ચંદુભાઈ ઝાએ તુરંત ફાયર બ્રિગેડને જાણ કરી હતી.ફાયર ફાયટરો સ્થળ પર દોડી જઈ સતત અડધો કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.આગને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
કારખાનામાં આગ લાગતા કામદાર ઉદયરાજ પ્યારેભાઈ યાદવ (ઉ.વ.45), મગરે ભગવાનદાસ યાદવ (ઉ.વ.30) નામના શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા. તેઓ બનેંને તાકિદે તાકિદે સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં હતા.જયારે અન્ય એક શ્રમિકને ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ બંને શ્રમિકોને હાલ ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યાં છે.
આગ પર અડધી કલાકમાં જ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો પણ હજુ સુધી આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી.