રાજકોટ અને ઉમરગામની ગેસ ગળતરની ઘટનામાં ચારે જીવ ગુમાવ્યા બાદ વધુ ત્રણના મોતથી સફાઇ કામદારોમાં ગભરાટ
ભરૂચના દહેજમાં ભૂગર્ભ ગટરની સફાઈ માટે ઉતરેલા ચાર કામદારોમાંથી ત્રણ કામદારોના ગુંગળાઈ જવાથી મોત નિપજતા ચકચાર મચી છે. ચારેય કામદારો ભૂગર્ભ ગટરની સફાઈ માટે એકબીજાના હાથ પકડીને ગટરમાં ઉતર્યા બાદ ઝેરી ગેસ ગળતર થયું હતું. ગુંગળાઈ જવાથી ત્રણના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ચોથા કામદારને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
દહેજમાં આજે ભૂગર્ભ ગટરની સફાઈ માટે ચાર કામદારો ગટરમાં ઉતર્યા હતા. જેમાં ત્રણ કામદારોને ઝેરી ગેસની અસર થતા ગુંગળાઈ જવાથી મોત નિપજ્યા છે. જ્યારે અન્ય એક કામદારને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. કામદારોના મોતના પગલે ઘટનાસ્થળે હોબાળો મચ્યો હતો. ફાયર બ્રિગેડ અને પોલીસના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે
રાજકોટના સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ મેઇન રોડ પર ગોકુલધામ ગેટ સામે 12 દિવસ પહેલા ભૂગર્ભ ગટરની સફાઇ વખતે ગેસ ગળતરથી શ્રમિક મેહુલ મેસડા અને કોન્ટ્રાક્ટર અફઝલભાઇ ફુફરનું મોત નીપજ્યું હતું. આ ઘટનાના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. જેમાં પ્રથમ શ્રમિક મેહુલ ભૂગર્ભ ગટરમાં ઉતર્યો હતો પરંતુ ગુંગળામણને કારણે બેભાન થઈ તે ગટરમાં જ પડી ગયો હતો. બાદમાં કોન્ટ્રાક્ટર અફઝલભાઈ તેને બચાવવા ભૂગર્ભ ગટરમાં ઉતર્યા હતા. થોડીવાર બાદ તેમનું પણ મોત નિપજ્યું હતું. બન્નેના ભૂગર્ભ ગટરમાં જ મોત થતા અન્ય શ્રમિકોમાં દોડધામ મચી હતી.
ચાર દિવસ પહેલા વલસાડ જિલ્લાના ઉમરગામમાં એક ચાલીના ખાળકૂવાની સફાઈ માટે ગયેલા ચાલીના માલિક અને એક ભાડુઆતનું ખાળકૂવામાં પડી જતા મોત નિપજ્યા હતા. ઉમરગામ શહેરમાં ગંગાનગર મંદિર ફળિયામાં આવેલી એક ચાલીનો ખારકૂવો ભરાઈ જતા તેનું પાણી આજુબાજુમાં નીકળવા લાગ્યું હતું. જેની ફરિયાદ ચાલીના માલિકને કરતા ચાલીના માલિકે તાત્કાલિક ખારકુવો ચેક કરવા જતાં અંદર પટકાયા હતા. તેને બચાવવા જતા 2 ભાડુઆત ખારકુવામાં પડ્યા હતા. તાત્કાલિક બહાર ઉભેલા ભાડુઅતોએ બુમાબુમ કરતા સ્થાનિક લોકોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. અને ખાર કૂવામાં પડેલા ત્રણેય ઇસમોને બહાર કાઢી નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તબીબે.ચાલી માલિક અને એક ભાડુઆતને ખાર કૂવામાં થયેલી ગેસની અસરને લઈને મોત થયું હોવાનું જણાવ્યું હતું.