‘શત્રુના ઘરે ન જવું’ એમ નીતિ કહે અને ‘શત્રુને મિત્ર બનાવીને જીવવું’ એમ પ્રીતિ કહે છે. સંસારી નીતિને અનુસરે છે. જ્યારે સાધક પ્રીતિને અનુસરે છે. પર્વાધિરાજ પર્યુષણ પર્વના પુનિત દિવસોની પધરામણી એટલે આત્માની ઓળખના દિન! પરમાત્માની સમીપે જવાનું પર્વ! મનના પ્રદુષણને દૂર કરવાનો અવસર!
આત્માના શુદ્ધ ભાવો તરફ પ્રયાણ કરવાના અને અશુભ ભાવો દૂર કરવા માટે પર્વના પાવન દિવસો છે. પર્વમાં તપ ન થાય તો ચાલશે પણ મગજનો તાપ તો નહિ જ ચાલે! તપવું નહિ તે પણ તપ છે. જે વિદ્યાર્થીએ વર્ષભેર મહેનત કરી હોય, વાંચી લીધું હોય તેને પરીક્ષા નજીક આવે તેમ આનંદ વધતો જાય. સાધકને પણ સંવત્સરી મહાપર્વ નજીક આવે, તેમ મૈત્રી ભાવ ઉભરાવા લાગે. જો સાત દિવસમાં પૂરેપૂરી તૈયારી કરી હોય તો! નહિતર પછી….
નિશાળના શિક્ષકે પોતાના ઘરે ટયુશન માટે આવતાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં મહત્વના આઈ.એમ.પી. પોઈન્ટ લખાવીને પછી પ્રશ્ન કર્યો ! હવે કોઈને કાંઈ પૂછવું છે?
ચબરાક સ્વીટુએ ઉભા થઈને કહ્યું: ‘સર! મારા એક જ પ્રશ્ર્નનો જવાબ આપી દો તો કામ થઈ જાય!
કયો પ્રશ્ન ?
એ જ કે પરીક્ષાના પ્રશ્નપત્રો કયા પ્રેસમાં છપાવાના છે ?
એનો ઉત્તર આપી દો તો બેડો પાર થઈ જાય. સ્વીટુ બોલ્યો.
માનવીનું મન જ ચંચલ છે. મહેનત વિના જ મોક્ષમાં પહોંચી જવું છે. જીવનની શુદ્ધિ અને આરાધના વિના વેર-ઝેરના ભાવોનો સંગ્રહ શાંતિ અપાવનાર નથી.
જીવનમાં નમ્ર બનનાર વ્યક્તિને કદાચ લોકો કહેવા લાગે કે નમાલા થઈને ઝૂકી જવાની જરૂર નથી ! આપણે ખમાવવાની શું જરૂર છે ! આવા શબ્દોની માયાજાળમાં આવ્યા વિના એક જ લક્ષ્ય કરવાનું છે કે મારે કોઈની સાથે વેર રાખવું નથી.
સામેવાળા ખમાવે કે ન ખમાવે, જે ભૂલનો સ્વીકાર કરે છે તે જ મહાન બને છે. ‘જો ઉવસમઈ અસ્થિ તસ્સ આરાહણા.’ જે ઉપશમભાવને ધારણ કરે છે. તે આરાધક બને છે.
જીવન જીવતાં સંભવ છે કે – સારા ભાવ હોવા છતાં ભૂલ થઈ જાય. આમેય બોલવામાં મુશ્કેલી પડે એવા ત્રણ શબ્દ છે-: ‘મારી ભૂલ થઈ!’
માણસ અહંને છોડીને ‘મારી ભૂલ થઈ!’ એટલું સ્વીકારવા લાગે તો ઘરઘરમાં આનંદ છવાય જાય. જીભનો વેપાર ઘણો કર્યો હવે જીગરનો વેપાર કરો. જીવનમાં જીગરનો વેપાર ચાલુ થાય ત્યારે જ જગદીશ ખુશ થાય છે!
“માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું, કરે ઉપેક્ષા એ મારગની, તોયે સમતા ચિત્ત ધરું.”
આવી ઉદાત્ત ભાવનાઓ વૈમનસ્યતાને દૂર કરે છે. વેરનું વિસર્જન અને સ્નેહનું સર્જન એ જ પર્યુષણાનો સંદેશ છે. ‘સામો થાય આગ તો તમે થજો પાણી, એ છે પ્રભુ વીરની વાણી.’ નમવું અને ખમવું એ આરાધનાનો અર્ક છે.આજના અણધાર્યા અકસ્માતના યુગમાં વેરની પરંપરા ઊભી ન રહી જાય તેની તકેદારી રાખીને મૈત્રીની તસ્વીર બની રહે તેનું લક્ષ્ય સ્વપ્નમાંય ભૂલવું નહિ.
જીવનની પ્રત્યેક ક્ષણોમાં ગરમ થવાને બદલે નરમ બનવાનો અભિગમ અપનાવવો.
દાન-શીલ-તપ અને ભાવ ધર્મની થાય તેટલી આરાધના કરી જીવનપોતને ઉજમાળ બનાવવું.
“દૂધ જલતા હે પાની જલને કે બાદ, આદમી રોતા હૈ વક્ત નીકલને કે બાદ.”