સરકારી કોવિડ હોસ્પિટલમાં સુપરવાઈઝર દ્વારા મહિલા એટેન્ડન્ટનું શારીરિક શોષણ કરાયું હોવાના આક્ષેપો બાદ ખળભળાટ મચ્યો છે. રાજ્ય સરકારના આદેશ બાદ જામનગર કલેકટર દ્વારા આ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ માટે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને કમિટીની રચના કરી દીધી છે. તો બીજી તરફ મહિલા એટેન્ડન્ટને ન્યાય મળે તે માટે હવે મહિલા સંસ્થાઓ પણ મેદાને આવી છે.
અમદાવાદથી અલગ-અલગ ત્રણ મહિલા સંસ્થાના મહિલા આગેવાનો જામનગર પહોંચ્યા હતા અને મહિલા એટેન્ડન્ટ સાથે વાતચીત કરી હતી. સંસ્થાના મહિલા આગેવાને કહ્યું હતું કે, હોસ્પિટલમાં ફરજ દરમિયાન મહિલા એટેન્ડન્ટ સાથે શારીરિક છેડછાડ થયાની વાત સ્પષ્ટ છે. આ મામલે યોગ્ય ન્યાયની માંગ સાથે આજે એટેન્ડન્ટ્સ દ્વારા હોસ્પિટલ સંકુલમાં ધરણાં યોજી સૂત્રોચ્ચાર કરાયા હતા.સરકારી કોવિડ હોસ્પિટલમાં મહિલા એટેન્ડન્ટનું શારીરિક શોષણ થયું હોવાની માહિતી મળતા જ ગઇકાલે અમદાવાદથી મજૂર મહાજન સંઘના સ્મિતા પંડ્યા, ઓલ ઈન્ડિયા સાંસ્કૃતિક સંઘના મીનાક્ષી જોશી અને અમદાવાદ વિમેન્સ એક્શન ગ્રુપના સહારાબેન બાલધીવાલા જામનગર પહોંચ્યા હતા.
આ ત્રણેય મહિલા આગેવાનોએ મહિલા એટેન્ડન્ટ સાથે મુલાકાત કરી હતી અને સમગ્ર મામલે હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા એટેન્ડન્ટ સાથે વાતચીત કર્યા બાદ સહારાબેન બાલધીવાલાએ કહ્યું હતું કે, વાતચીતમાં એકવાત સ્પષ્ટ છે કે, મહિલા એટેન્ડન્ટ સાથે શારીરિક અડપલાં થયા છે. ત્રણેય સંસ્થાઓ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરી જવાબદાર સામે પગલાં લેવાની માંગ કરવામા આવી છે.સરકારી કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા મેલ અને ફિમેલ એટેન્ડન્ટ દ્વારા ન્યાયની માંગ સાથે જીજી હોસ્પિટલ સંકુલમાં ધરણા પર બેસી જઈ સૂત્રોચ્ચાર કર્યા હતા. મહત્વનું છે કે, એટેન્ડન્ટ્સ દ્વારા તેઓને પૂરતો પગાર પણ ના મળ્યો હોવાની રજૂઆત કરવામા આવી છે.
મહિલા એટેન્ડન્ટના શારીરિક શોષણના આક્ષેપો બાદ કલેકટર દ્વારા રચાયેલી કમિટી હાલ તપાસ કરી રહી છે અને મહિલા એટેન્ડન્ટના નિવેદન પણ નોંધી રહી છે. આની વચ્ચે ગઈકાલે એક પુરુષ તબીબ પણ સામે આવ્યા હતા અને મહિલા એટેન્ડન્ટ દ્વારા કરાયેલા આક્ષેપોને સમર્થન આપ્યું હતું. પુરુષ તબીબ દ્વારા કોના કોના દ્વારા અને કયા સ્થળે શોષણ કરાતું હતું તેનો પણ ઘટસ્ફોટ કરાયો હતો. પુરુષ તબીબે પોતાની ગુપ્તતા જળવાય તો કમિટી સમક્ષ પોતાનું નિવેદન આપવાની તૈયારી પણ બતાવી હતી.
યુવતીઓને નિવેદન ફેરવવા દબાણ કરાતું હોવાનો આક્ષેપ
કોવિડ હોસ્પિટલના ચકચારી યૌનશોષણ મામલે તપાસ સમિતિ દ્વારા યુવતીઓના નિવેદનો લેવાઈ રહ્યા છે તેની વચ્ચે પીડિત યુવતીએ તેમને નિવેદનો ફેરવવા માટે દબાણ કરવામાં આવે છે તેમજ વધારાના શબ્દો ઉમેરવામાં આવે છે તેવો ચોંકાવનારો આક્ષેપ કરતા ભારે ચકચાર મચી જવા પામી છે. એટેન્ડન્ટ યુવતી જણાવે છે કે અમને ખૂબ ફેરવી-ફેરવીને સવાલ પૂછાઇ રહ્યા છે. એ લોકોનું કહેવું એવું જ છે કે તમે અગાઉ કહ્યું તે ખોટું છે અને વાતને દબાવવા માંગે છે. ઉપરાંત 2-4 લીટીઓ વધારાની લખાય છે.
યૌન શોષણના મામલે તપાસ સમિતિ દ્વારા તપાસનો ધમધમાટ
જી.જી. કોવીડ હોસ્પિટલમાં મહિલા એટેડેન્ટન્ટ યૌન શોષણના મામલે તપાસ સમિતિ દ્વારા પ્રથમ દિવસે આઠ મહિલાઓના નિવેદન લેવાયા હોવાનું તપાસ સમિતિના સભ્ય અને પ્રાંત અધિકારી આસ્થા ડાંગરે જણાવ્યું હતું.આ સમિતિમાં મહિલા એસડીએમ આસ્થા ડાંગર, એએસપી રિતેશ પાંડે તેમજ ડેન્ટલ કોલેજના ડીન ડો.નયના પટેલનો સમાવેશ કરાયો છે.
આ પ્રકરણમાં જી.જી.હોસ્પિટલના કેટલાંક કર્મચારીઓ સહિત છ વ્યક્તિના નામ ગઇકાલે ચર્ચામાં આવ્યા હતાં.ખૂદ એક આરોગ્ય કર્મચારીએ પોતાની ઓળખ જાહેર ન કરીને જે નામો સામે શંકા વ્યક્ત કરી અને આક્ષેપ કર્યો છે તેમાં એલ.બી. પ્રજાપતિ, પારસ રાઠોડ, રવિ ડેર, નંદન રાઠોડ, નિલેશ બથવાર, દિવ્યા કટારિયા અને સાગર પરમાર નામધારી વ્યક્તિનો સમાવેશ થાય છે. ઉપરોક્ત શખ્સ પૈકી નિલેશ બથવાર કે જે મહિલા એટેન્ડન્ટોનું જાતિય શોષણ કરનારા તત્વોને રૂમની સુવિધા પુરી પાડતા હોવાનો આક્ષેપ છે અને ચર્ચા જાગી છેતે ખૂદ ગઇ મોડી સાંજે સામેથી પોતાનું નિવેદન લખાવવા તપાસ સમિત્તિ સમક્ષ હાજર થયા હતાં. તેઓએ મીડિયા સાથેની વાતચિતમાં કહ્યું હતું કે, હું કોઇપણ પ્રકારની સતામણીમાં સામેલ નથી પરંતુ મારા ફ્લેટનો દૂરઉપયોગ થયાની ચર્ચા ઉઠતા હું સામેથી નિવેદન લખાવવા આવ્યો છું.
સરૂ સેક્શન રોડ ઉપર આવેલા મહાનગરપાલિકા દ્વારા બનાવાયેલ આવાસ યોજનામાં તેમનો ફ્લેટ છે.આ ફ્લેટની ચાવી તેના ઉપરાંત તેના ઉપરી અધિકારી એલ.બી.પ્રજાપતિ પાસે હોવાનું જણાવી તેણે ઉમેર્યું હતું કે, પ્રજાપતિ મારા ઉપરી હોવાથી અને તેમનું મકાન લાલવાડી વિસ્તારમાં હોવાથી ઘણું દૂર હોય, રેસ્ટ કરવા માટે મારો રૂમ અવાર-નવાર વાપરતા હતાં. આ રૂમમાં તેઓએ કે અન્યોએ શું કર્યું તે મને ખબર નથી કેમકે, મારી પાસે રૂમના દૂરઉપયોગના કોઇ પુરાવા નથી તેથી હું વધુ કહી શકું તેમ નથી.
નિલેશ બથવારે કહ્યું હતું કે, હું જી.જી.હોસ્પિટલમાં કાઉન્સેલર તરીકે ફરજ બજાવું છું. આજે પણ આખો દિવસ હોસ્પિટલમાં નોકરી પર હાજર હતો પરંતુ મારા જાણવામાં આજે આવ્યું હતું કે, આજે આ પ્રકરણમાં જે કર્મચારીઓની સંડોવણી હોવાની ચર્ચા છે તેવી માછલીઓ ગુમ થઇ ગઇ છે પરંતુ મને સાચી વસ્તુ બહાર લાવવામાં વાંધો નથી. મારી પાસે પુરાવા ન હોવાથી હું નામજોગ આક્ષેપ કરી શકું નહીં પરંતુ હું જે પણ કંઇ જાણું છું કે મને જે સાંભળવા મળ્યું છે તે તપાસ સમિત્તિના ધ્યાન ઉપર મુકવા સામેથી આવ્યો છું. આમ, હોસ્પિટલના કર્મચારી અને આવાસના ફ્લેટ હોલ્ડર એવા નિલેશ બથવારના મીડિયા નિવેદનને પગલે પણ આ પ્રકરણમાં વધુ ગરમાવો આવ્યો છે.
યુવતીઓને ન્યાય આપવા ‘આપ’ની ઉગ્ર માંગ
સરકારી કોવિડ હોસ્પિટલમાં સુપરવાઈઝર દ્વારા મહિલા એટેન્ડન્ટનું શારીરિક શોષણ કરાયું હોવાના આક્ષેપો બાદ ખળભળાટ મચ્યો છે. જાતીય સતામણી પ્રકરણ બાબતે આપના પ્રદેશ સંગઠન મંત્રી અજિત લોખીલે પીડિતોને ન્યાય આપવા ઉગ્ર માંગણી કરી છે.આ મામલે યુવતીએ મીડિયા સમક્ષ નારાજગી વ્યક્ત કરી તપાસ કમિટીએ ઊંઘની વ્યાખ્યા સમજાવી હોવાનું કહ્યું હતું.
જે મહિલા કર્મીઓને તપાસમાં સંતોષ થયો નથી તેવું પણ જણાવ્યું હતું. ભોગગ્રસ્ત યુવતીએ જણાવ્યું હતું કે ગઇકાલે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અને પ્રદેશ મંત્રી અમને સપોર્ટ કરવા માટે આવ્યા છે અને આખી ઘટનાની વિગતવાર માહિતી મેળવી સમીક્ષા કરી છે. આજ સવારથી જ અમદાવાદથી મહિલા વુમનની 3 સંસ્થાના સભ્યો જામનગર પહોંચ્યા હતા. ત્યારબાદ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કરસન કરમુર અને આમ આદમી પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલ જામનગરની જી.જી.હોસ્પિટલમાં અટેનડેન્ટ મહિલા કર્મચારી મુલાકાત કરી અને આખી માહિતી મેળવી અને સમીક્ષા કરી હતી.