અબતક,રાજકોટ
મોરબી રોડ પર આવેલા બેડી ચોકડી પાસેથી કારમાં પસાર થતા ત્રણ શખ્સોને બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ધરપકડ કરી પિસ્તોલ અને ત્રણ જીવતા કારતુસ સાથે ધરપકડ કરી પૂછપરછ કરતા તેઓએ દોઢેક માસ પહેલાં ચોટીલામાં ફાયરિંગ કરી હત્યાની કોશિષ કર્યાના ગુનાની કબુલાત આપી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબી રોડ પર આવેલા સાગર પાર્કમાં રહેતા અવેશ ઉફેઈ અવલો ગની ઘોણીયા, રામનાથપરાના ફરદીન ફિરોઝ હાજી સોઢો નામના સુમરા શખ્સ અને નૈમિશ ઉર્ફે રવિ ઉર્ફે નેમો ચંદ્રેશ ગોહેલ નામના શખ્સો મોરબી રોડ પર બેડી ચોકડી પાસે જી.જે.23એએફ. 7863 નંબરની કારમાં પિસ્તોલ સાથે આવ્યા હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ.વી.કે.ગઢવી, પી.એસ.આઇ. યુ.બી.જોગરાણા, હેડ કોન્સ્ટેબલ જયંતીભાઇ ગોહેલ અને અભીજીતસિંહ જાડેજા સહિતના સ્ટાફે ત્રણેય શખ્સોની ધરપકડ કરી તેની પાસેથી રૂા.15 હજારની કિંમતની દેશી બનાવટની પિસ્તોલ અને ત્રણ જીવતા કારતુસ કબ્જે કર્યા છે.ત્રણેય શખ્સોની પૂછપરછ દરમિયાન ચોટીલાના મનસુર વલીભાઇ લોલાડીયા પર દોઢેક માસ પહેલાં જુની અદાવતના કારણે ફાયરિંગ કરી હત્યાની કોશિષ કર્યાની કબુલાત આપી છે.