- હોમગાર્ડ પર હુમલો કરનાર મોહીત ગોહિલનું વધુ એક કારસ્તાન
- 75 વર્ષીય વૃદ્ધાને પછાડી દઈ તારા પુત્રને જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી’તી
વાહન બે દિવસ પૂર્વે જ હું મોહિત ગોહિલ, ગણેશનગરનો ડોન, અહીં પોલીસે બેસવું નહિ કહી ભગવતીપરાના પુલ નીચ હોમગાર્ડ જવાન પર ગુપ્તી વડે હુમલો કરનાર મોહીલ ગોહિલને પોલીસે ઝડપી લીધા બાદ તેનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. શહેરના ભગવતીપરા અને ગણેશનગર વિસ્તારમાં બોલેરો પીકઅપ સહીત ત્રણ વાહનો અને ત્રણ મકાન પર પથ્થરમારો કરી દસ લાખ રૂપિયા તો આપવા જ પડશે તેવી ધમકી આપવા બાબતે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મામલામાં ભગવતીપરામાં રહેતા રાજેશભાઈ બચુભાઈ મકવાણાએ બી ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું માલીયાસણ ગામ ખાતે જુના ટાયર લે-વેચનો ધંધો કરુ છું. તેમજ મારી પાસે મારી માલીકીની એક મહિંદ્રા કંપનીની બોલેરો ફોર વ્હીલ કાર છે જેનાં નંબર જીજે-36-વી-5981 છે. ગત તા. 24/02/2025 નાં રોજ હું મારા કામથી બહાર હતો તે વખતે રાત્રીના દોઢેક વાગ્યાની આસપાસ મારા મકાનની પાછળ રહેતા મારા સગાબેન લક્ષ્મીબેન મહેંદ્રભાઇ ઝાલાનો મને ફોન આવેલ કે, તમારી બોલેરોમાં બે માણસો છુટા પથ્થરના ઘા કરી નુકસાની કરે છે અને તેમાનો એક ગણેશનગરમાં રહેતો મોહીત ચમનભાઇ ગોહીલ છે અને પ્રકાશભાઈ સાગઠીયાના માણસો છીએ એમ કહે છે.
જેથી હું તાત્કાલીક મારા ઘરે પહોંચતા મારા ઘરની બાજુમાં આવેલ આહીર સમાજની વાડીના ગેટ સામે આવેલ ખાલી જગ્યામાં બધા સોસાયટીનાં વાહન પાર્ક કરે છે ત્યાં મારી બોલેરો પાર્ક કરેલ હતી જેમાં જોતા બોલેરોની આગળના ભાગે બોડીના બધા કાચ તુટેલ હતા તથા બોનેટમાં પથ્થરથી નુક્સાની કરેલનું જોવામા આવેલ જે આશરે 30 હજારનું નુક્સાન હોય તેવું જાણવા મળેલ હતું. ત્યાંથી હું મારા બેનના ઘરે જતા તેણે મને કહેલ જેમાં આ પથથ્થરના ઘા કરવામાં મોહીત ચમનભાઈ ગોહીલ(રહે.-ગણેશનગર ખાડામાં) તથા અજાણ્યો એક ઇસમ હતો. બંને શખ્સોંએ રાત્રીના દોઢેક વાગ્યાની આસપાસ પ્રથમ મારા બોલેરામાં નુકસાની કરેલ અને ત્યારબાદ મારા બેન લક્ષ્મીબેનના ઘરની ડેલીમાં છુટા પથ્થરના ઘા કરી ડેલીમાં નુકસાની કરેલ અને ત્યાંથી નીકળી તેની બાજુમાં રહેતા અને મારા માસીના દિકરા અમીતભાઈ વીરજીભાઈ ચાવડાના ઘર ઉપર છુટા પથ્થરના ઘા કરતા ઘરની અંદર ઇલેક્ટ્રીક લેમ્પમાં તથા બાથરૂમના દરવાજાને નુક્સાની થયેલ હતું.
ત્યારબાદ આ બંને શખ્સોં ત્યાંથી નીકળી ગણેશનગર શેરી નં.-04 ખાતે રહેતા મારા મોટાભાઇ હરેશભાઇ બચુભાઇ મકવાણાના ઘરે ગયેલ અને ત્યાં તેની ડેલી પાસે પાર્ક કરેલ તેની એક્સેસ ટુ વ્હીલ જીજે-03-એમએન-8875 માં તથા સ્પેલન્ડર નંબર જીજે-03-એલએચ-0832માં પથ્થરના ઘા મારી નુકસાની કરેલ હતી. ઉપરાંત મારા ભાઈની ડેલીમાં પણ છુટા પથ્થરના ઘા ઝીંક્યા હતા. પથ્થરના ઘા બાદ મારી માતા રાજીબેન(ઉ.વ.-75)એ ડેલી ખોલતા આ મોહિતે ડેલીને અંદરની સાઇડ ધક્કો મારી મારા માતાને કોણીના ભાગે મુઢ ઇજા કરેલ હતી. બાદમાં તમારા રાજેશને કહી દેજો કે અમે પ્રકાશભાઈ સાગઠીયાના માણસો છીએ અને પ્રકાશભાઈને દશ લાખ રૂપીયા નહી આપો તો તમારા વાહનો તોડેલ એમ બધું તોડી નાખશુ અને તમારો રાજેશ બહાર નીકળશે તો જાનથી મારી પણ નાખીશું તેમ ધમકી આપીને નાસી ગયો હતો.