મંદિરના સંચાલકોને બદનામ કરવા ત્રિપુટીએ રચ્યો કારસો
આરોપીઓએ જ પોતે પોલીસમાં અરજી કરી’તી : સીસીટીવી તોડી, મંદિરમાં લઘુશંકા કરતા ભક્તોમાં આક્રોશ
૧૫૦ફૂટ રિંગ રોડ પર આંબેડકર ચોક પાસે આવેલા મેલડી માતાજીના મંદિરનું સંચાલક કરતા ધર્મપ્રેમીઓને બદનામ કરવા માટે ત્રિપુટીએ કારશો રચી મંદિરમાં વિદેશી દારૂની મહેફિલ માણી, મંદિરમાં તોડફોડ કરી લઘુશંકા કરી ભક્તોની લાગણી દુભાવતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ ત્રણેય આરોપીઓએ પોતે જ રણનીતિ બનાવી સંચાલકોને બદનામ કરવા પોલીસમાં અરજી કર્યા બાદ સીસીટીવી ફૂટેજ વાયરલ થતા ત્રણેયનો ભાંડો ફૂટ્યો હતો. અને પોતે મંદિર પર કબજો જમાવી લેવાની આશંકાએ પ્લાન ઘડ્યો હોવાની પોલીસને કબૂલાત આપી હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આંબેડકર ચોક પાસે આવેલા મેલડી માતાજીના મંદિરમાં વિદેશી દારૂની બોટલ, જમવાના ખાલી ડબ્બા અને સીસીટીવી કેમેરામાં તોડફોડ થઈ હોવાનું જાણવા મળતા શ્યામપાર્કમાં રહેતા નીતિનભાઈ ધરમશીભાઈ સોરઠીયા અને ભક્તજનો મંદિરે દોડી આવ્યા હતા. મંદિરનું ડીવીઆર બાજુના કારખાનામાં ચેક કરતા ત્રણ શખ્સોએ તમામ કારશો કર્યાનું નજરે પડ્યું હતું. અને થોડીજ ક્ષણોમાં આ સીસીટીવી ફૂટેજ વાયરલ થતા માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.
પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ગોંડલ રોડ પર એસ.ટી. વર્કશોપ પાછળ રહેતા સંકેત જયંતિ રાઠોડ, કમલેશ મહેશ મૂછડીયા અને નાનામૌવા પાસે રહેતો અજય અમુ રાઠોડને દબોચી પૂછતાછ હાથધરી હતી. પોલીસ પ્રાથમિક તપાસમાં આરોપીઓએ મંદિર સંચાલક કરતા વ્યક્તિઓ જમીન પર કબ્જો જમાવી લેશે તેવો ભય હોવાથી સંચાલકોને બદનામ કરવા દારૂની બોટલ અને જમવાનું અંદર મૂક્યું હતું. અને પોતાની ઓળખ છુપાવવા સીસીટીવી કેમેરા તોડ્યા હોવાનું કબૂલાત આપી હતી. પોલીસે ત્રિપુટીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથધરી છે.