રૂ.4 લાખના વ્યાજ પેટે રૂ.7.50 લાખ રોકડા અને કાર પડાવી લીધા બાદ ચેક રિટર્નની ફરિયાદ કરી
અમરેલી સહકારી બેન્કમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા યુવકે રાજકોટના ત્રણ વ્યાજના ધંધાર્થી પાસેથી રુા.4 લાખ વ્યાજે લીધા બાદ તેને રુા.7.50 લાખ રોકડા અને કાર પડાવી લીધા બાદ વધુ વ્યાજ પડાવવા કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ કરી ખૂનની ધમકી દીધા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ અમરેલી જિલ્લાના લીલીયા ગામના વતની અને અમરેલી સહકારી બેન્કમાં નોકરી કરતા વિશાલ કાળુભાઇ ધામત નામના 31 વર્ષના પટેલ યુવાને રાજકોટ નવલનગરમાં રહેતા વિશાલ જયેન્દ્ર ચૌહાણ, હિમાન્શુ જયેન્દ3 ચૌહાણ અને કિશન જગદીશ સંખલપરા સામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ખૂનની ધમકી દીધા અંગેની માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વિશાલ ધામત અને તેનો મિત્ર સંજય ભાલારા રાજકોટમાં 2013 થી 2020 સુધી મોબાઇલ ટાવરનું રિપેરીંગનું કામ કરતા હતા ત્યારે તેઓની હિમાન્શુ ચૌહાણ અને વિશાલ ચૌહાણ સાથે મવડી ચોકડી પાસે મહિરાજ હોટલે પરિચયમાં આવ્યા હતા. મોબાઇલ ટાવરના ધંધામાં વધારે પૈસાની જરુર પડતા હિમાન્શુ ચૌહાણ અને વિશાલ ચૌહાણ પાસેથી 2018માં રુા.4 લાખ વ્યાજે લીધા હતા.
તેનું માસિક 1200 મુજબ નિયમીત વ્યાજ ચુકવ્યું હતું અત્યાર સુધીમાં વ્યાજ સહિત 7 લાખ જેવી રકમ ચુકવી દીધી હતી તેમ છતાં તેઓએ કાર પડાવી તેની આરસી બુક લઇ ટીટીઓ ફોર્મમાં સહિ કરાવી લીધી હતી અને વ્યાજે ચાર લાખ લીધા ત્યારે કોરા ચેકમાં સહી કરાવી હતી તે કિશન જગદીશ સંખલપરાના ખાતામાં નાખી રિટર્ન કરાવી કોર્ટમાં ફરિયાદ કર્યાનું જણાવ્યું છે. માલવીયાનગર પીએસઆઇ સી.એસ.વાછાણીએ ત્રણેય સામે વ્યાજ અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.